સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ] [ ૧૩૩ કેમકે તેણે ચૈતન્યમાત્રપણું ધારી રાખ્યું છે. આચાર્ય કહે છે નિજરસની અતિશયતા વડે જે સ્થિર છે એવું શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ જ્યાં છે તે આત્મા તારું સ્વપદ છે; તેમાં તું નિવાસ કર.
અહાહા...! આત્મા નિજરસની અતિશયતાથી ભરેલો છે. એના ચૈતન્યરસમાં આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગતારસ, સ્વચ્છતારસ, પ્રભુતારસ ઇત્યાદિ આવા અનંતગુણના રસ એકપણે ભર્યા છે. અહો! આત્મામાં નિજરસનો અતિશય એટલે વિશેષતા છે. એટલે શું? એટલે કે આત્માને છોડીને આવો નિજરસ-ચૈતન્યરસ બીજે કય ાંય (પુણ્ય-પાપ આદિમાં) છે નહિ. ગજબ વાત છે પ્રભુ! આચાર્યદેવે શબ્દે શબ્દે ભેદજ્ઞાનનું અમૃત વહાવ્યું છે.
કોઈને વળી થાય કે વેપાર-ધંધામાંથી નીકળીને આવું જાણવું એના કરતાં વ્રત, તપ, ભક્તિ, દાન ઇત્યાદિ કરીએ તો?
અરે ભાઈ! એમાં (વ્રતાદિમાં) શું છે? એ તો શુભભાવ-પુણ્યભાવ છે અને તે અપદ છે, અસ્થાન છે. વળી એના ફળમાં પ્રાપ્ત શરીર, ધન-સંપત્તિ, રાજપદ, દેવપદ આદિ સર્વ અપદ છે, દુઃખનાં સ્થાન છે. સમજાણું કાંઈ...? દુઃખનાં નિમિત્ત છે તેથી દુઃખનાં સ્થાન છે એમ ઉપચારથી કહેવાય છે.
બાપુ! આ પાંચમહાવ્રતના વિકલ્પ પણ અપદ છે, અસ્થાન છે. તેમાં રહેવા યોગ્ય તે સ્થાન નથી. તારું રહેવાનું સ્થાન તો પ્રભુ! જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ છે તે આત્મા છે. ભાઈ! દયા, દાન, વ્રત આદિ પરિણામ તો રાગ છે; એનાથી તારી ચીજ તો ભિન્ન છે. ચૈતન્યરસથી ભરેલી તારી ચીજને તો એ (વ્રતાદિના વિકલ્પ) અડતાય નથી. એવી તારી ચીજ અંદર નિર્લેપ પડી છે. અહાહા...! એમાં એકલા આનંદનો સાગર ઉછળી રહ્યો છે; એમાં આવ ને પ્રભુ! અહો! સંતોની-મુનિવરોની કરુણા તો જુઓ!
આત્મા ‘स्वरस–भरतः’ નામ નિજ શક્તિના રસથી ભરેલો છે. અહાહા...! અનંત-ગુણરસના પિંડ પ્રભુ આત્મામાં ચૈતન્યરસ, આનંદરસ, ભર્યો પડયો છે. અનંત અસ્તિત્વનો આનંદ, વસ્તુત્વનો આનંદ, જીવત્વનો આનંદ, જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, શાંતિનો આનંદ-એમ અનંતગુણના આનંદના રસથી પ્રભુ આત્મા ભર્યો પડયો છે; અને તે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે. શું કહ્યું? કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રી- પુત્ર-પરિવાર અને પુણ્ય-પાપના ભાવ એ સર્વ તો નાશવાન છે, પણ ભગવાન આત્મા નિજરસની અતિશયતા વડે સ્થિર-અવિનાશી છે, અંદર ત્રિકાળ સ્થાયી રહેવાવાળો છે, કાયમ રહેવાવાળો છે. અહો! બહુ સરસ શ્લોક આવી ગયો છે!