Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2171 of 4199

 

૨પ૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ લાવ, લાવ, લાવ... એમ માગ્યા જ કરે છે, (એની તૃષ્ણાનો કયાં થંભાવ છે?), માટે દુઃખી છે.

અહીં કહે છે-પરદ્રવ્ય મારું સ્વ નથી ને પરદ્રવ્યનો હું સ્વામી નથી. અહા! શરીરનો હું સ્વામી નથી, મનનો હું સ્વામી નથી, વાણીનો હું સ્વામી નથી, ઇન્દ્રિયનો હું સ્વામી નથી. વળી મકાનનો હું સ્વામી નથી, પત્નીનો હું સ્વામી નથી ને પુત્રનોય હું સ્વામી (પિતા) નથી. ગજબ વાત છે ભાઈ! અહા! તારું તત્ત્વ તો પરથી ભિન્ન છે ને પ્રભુ! શું આત્મા ને શરીર અને આત્મા ને રાગ ભેળસેળ થઈ જાય છે? બીલકુલ નહિ, કદીય નહિ. એ તો અજ્ઞાનીએ માની રાખ્યું છે કે હું રાગ છું ને હું શરીર છું. પણ એ માન્યતા મહા પાપ છે, કેમકે પર ચીજ આત્મામાં કેવી રીતે ભળે? જ્ઞાયક પ્રભુ આત્મા તો સદા જ્ઞાયકપણે જ રહ્યો છે. અહાહા...! અનાદિ અનંત પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્માના અસ્તિત્વમાં રાગેય નથી કે શરીરેય નથી, પછી એનો સ્વામી તે કેમ હોય?

હવે કહે છે-‘પરદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, -પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે.’ શું કહ્યું? કે શરીરનું સ્વ શરીર છે ને શરીર જ શરીરનો સ્વામી છે; લક્ષ્મીનું સ્વ લક્ષ્મી છે ને લક્ષ્મી જ લક્ષ્મીનો સ્વામી છે તથા રાગનું સ્વ રાગ જ છે ને રાગ જ રાગનો સ્વામી છે. હવે આવી વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ છે. અત્યારે તો બધે એવી પ્રરૂપણા છે કે- વ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, જાત્રા કરો, મંદિર બનાવો, તમને ધર્મ થઈ જશે. પણ ભાઈ! એનાથી તો ધૂળેય ધર્મ નહિ થાય સાંભળને! એ તો બધો શુભભાવ-રાગ છે. આકરી વાત બાપા!

પ્રશ્નઃ– પણ આ બધા કેટલાય મંદિરોનું ઉદ્ઘાટન આપે કર્યું છે ને? ઉત્તરઃ– અહીં તો ભાઈ! આત્માનું ઉદ્ઘાટન કર્યું છે; બાકી મંદિરનું-જડનું ઉદ્ઘાટન કોણ કરે? શું આત્મા કરે? મંદિર જ્યાં પોતાનું (-આત્માનું) સ્વ નથી તો તેનું ઉદ્ઘાટન આત્મા કેવી રીતે કરે?

પ્રશ્નઃ– પણ અમારા નામની પ્રશંસા થાય તે તો અમારી છે ને? સમાધાનઃ– ભાઈ! નામની પ્રશંસામાં તારી પ્રશંસા કયાંથી આવી? ત્યાં નામમાં તું (-આત્મા) કયાં પેસી ગયો છે? નામ તો ભાઈ! જડનું છે.

પ્રશ્નઃ– પણ બધા ભેગા જ છીએ ને? સમાધાનઃ– કોઈ ભેગા નથી, બધા ભિન્ન-ભિન્ન છે. અનંત આત્મા અને અનંતા રજકણો જે ભગવાને જોયા છે તે બધાય ભિન્ન-ભિન્ન છે; કોઈનો કોઈની સાથે મેળ નથી. સમજાણું કાંઈ? અરે ભાઈ! રજકણે-રજકણ ભિન્ન-ભિન્ન છે. આ આંગળી છે ને? એનો કોઈ રજકણ બીજા રજકણ સાથે મળ્‌યો જ નથી. એક પરમાણુ