૨૬૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહીં (૧) પુણ્યની (૨) પાપની (૩) આહારની અને (૪) પાણીની-એમ ચારની વાત લેશે; કેમકે મુખ્યપણે મુનિની વ્યાખ્યા છે ને? અને મુનિને તો આ જ (ચાર) હોય છે, બીજું તો કાંઈ હોતું નથી. જ્ઞાનીને પુણ્યના ભાવ આવે છે પણ એની ઇચ્છા નથી, એકત્વબુદ્ધિ નથી. એનો અર્થ એ છે કે જે ક્ષણે ધર્મની ઉત્પત્તિ છે તે ક્ષણે પુણ્યની પણ ઉત્પત્તિ છે, કેમકે તેનો સ્વકાળ છે ને? છતાં ધર્મીને જેમ ધર્મની ભાવના છે તેમ પુણ્ય જે થાય છે તેની પણ ભાવના છે એમ નથી. પુણ્યભાવની ભાવના કે ઇચ્છા જ્ઞાનીને હોતી નથી. શુભભાવ આવે છે ખરો, પણ તે ભલો છે, ઠીક છે-એમ તેમાં એકત્વબુદ્ધિ જ્ઞાનીને હોતી નથી.
ભાઈ! જે પુણ્યને રળવા-કમાવામાં પડયા છે તે બધા સંસારના-દુઃખના પંથે પડયા છે; તેઓ ચારગતિમાં રખડશે. ત્યારે જેણે આત્માનું સ્વસંવેદનજ્ઞાન પ્રગટ કર્યું છે તે ધર્મના-સુખના પંથે છે. અહાહા...! જેણે નિર્મળ સ્વાનુભૂતિમાં ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ આત્માને પકડયો છે તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. તે આનંદના કાળમાં તેને શુભભાવ પણ હોય છે, છતાં તે શુભભાવનો તે સમયે તે માત્ર જ્ઞાતા જ છે. ગજબ વાત છે ભાઈ! ગાથામાં ‘जाणगो’ એમ કીધું છે ને? એટલે ખરેખર તો તે પોતાનો જ જ્ઞાયક છે, અર્થાત્ તે સમયે તે સ્વસ્વભાવનો જ જ્ઞાયક છે; પણ જ્ઞાનનો સ્વપરપ્રકાશક ભાવ છે તેથી તે શુભભાવને પણ પ્રકાશે છે. શું કહ્યું? જે શુભભાવ હોય છે તેનો જ્ઞાની માત્ર જાણનાર જ રહે છે અને તેને જાણવાની પર્યાય પણ પોતાથી સ્વતંત્ર થઈ છે, શુભભાવ છે તો એનું જ્ઞાન થયું છે એમ નથી. તે સમયે જ્ઞાનની પર્યાય એવા જ સ્વપરપ્રકાશકપણે સ્વયં ઉત્પન્ન થાય છે. માટે તે રાગને જ્ઞાની ગ્રહણ કરતો નથી, પણ રાગ સંબંધી જે પોતાનું જ્ઞાન છે તે જ્ઞાનને જાણે છે. આવી વાત છે.
-આ પુણ્યની વાત કરી. ૨૧૦ ગાથાના પાઠમાં એકલો ‘ધર્મ’ શબ્દ હતો ને! એનો અર્થ પુણ્ય થાય છે. જુઓ, બીજા ટીકાકાર શ્રી જયસેનાચાર્ય કહે છે-‘तेन कारणेन स्वसंवेदनज्ञानी शुद्धोपयोगरूप निश्चयधर्मं विहाय शुभोपयोगरूप धर्मं पुण्यं नेच्छति’ મતલબ કે શુભોપયોગરૂપ ધર્મ એ પુણ્ય છે ને તેની સ્વસંવેદનજ્ઞાની-ધર્મીને ભાવના હોતી નથી. જ્ઞાનીને તો આનંદસ્વરૂપ ભગવાન આત્માની ભાવના હોય છે, શુદ્ધોપયોગરૂપ ધર્મની ભાવના હોય છે.
હવે આ ૨૧૧ મી ગાથા પાપની છે. અહા! જ્ઞાનીને જ્યાં પુણ્યની પણ ભાવના નથી તો પાપની તો કેમ હોય? જ્ઞાનીને પાપભાવ આવે છે ખરો, તેને પાપભાવ - વિષયવાસના સંબંધી રાગ-આસક્તિ-હોય છે. પણ છે તે પર, પોતાનું સ્વરૂપ નથી -એમ જ્ઞાની માને છે.
અહીં કહે છે-‘ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી.’ શું