સમયસાર ગાથા-૨૧૧ ] [ ૨૭૭ જ્ઞાન પોતાથી પોતાનામાં થાય છે. આવું યથાર્થ જાણે તે ધર્માત્મા છે. અહો! આવી અલૌકિક વાત બીજે સાંભળવા મળવી પણ દુર્લભ છે.
અહીં કહે છે-ભગવાન! તું ચૈતન્યસ્વરૂપ છો ને! તારી શક્તિનું સામર્થ્ય તો જાણવા-દેખવાનું છે. શું આ રાગ તારી શક્તિનું કાર્ય છે? ના. તારી શક્તિનું સામર્થ્ય તો જે રાગ આવે છે, જે કર્મ-નોકર્મ છે-તેને જાણવાનું છે. અહા! જાણવું-જાણવું-જાણવું એ જ તારું સામર્થ્ય છે. ભાઈ! આ જડ મન તારી ચીજ નથી અને તે છે માટે એનું જ્ઞાન છે એમેય નથી તથા એનાથી તને જ્ઞાન થાય છે એમ પણ નથી. સમજાણું કાંઈ...?
હવે વચન; આ વાણી છે તે જડ છે; તે આત્માની ચીજ નથી. આ જે વચન બોલાય છે તે આત્મા બોલતો નથી. વચન-વાણી છે એ તો જડ ધૂળ-પુદ્ગલ છે. જ્ઞાનીને તેનું જ્ઞાન થાય છે કે આ છે (બીજી ચીજ); પણ હું વચન બોલું છું વા આ બોલું છું તે હું છું-એમ જ્ઞાની માનતો નથી. તો કોણ બોલે છે? ભાઈ! આ જે બોલે છે એ તો જડ ભાષાવર્ગણાનું પરિણમન છે. જ્ઞાનીને તેની ઇચ્છા હોતી નથી.
શું કહ્યું? કે શરીર, મન, વાણી ને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની સન્મુખ થઈને જેણે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાની-ધર્મી છે. તે ધર્મીને વચન મારું છે એમ વચનની ઇચ્છા હોતી નથી, માટે તેને વચનનો પરિગ્રહ નથી. અહા! વચન બોલવાની જે ક્રિયા થાય છે એ તો જડ વચનવર્ગણાની ક્રિયા છે; તેથી જ્ઞાનીને એવો અહંભાવ થતો નથી કે હું બોલું છું. અહો! ધર્મીની આવી અલૌકિક દ્રષ્ટિ અને દશા હોય છે.
હવે કહે છે-જ્ઞાનીને કાયાનો પરિગ્રહ નથી. ભાઈ! આ શરીર તો જડ અજીવ છે, મડદું છે.
હા, પણ કયારે? અત્યારે, હમણાં જ. એ તો ૯૬ મી ગાથામાં આવી ગયું છે કે આનંદરૂપ અમૃતનો સાગર પ્રભુ આત્મા મૃતક ક્લેવરમાં મૂર્ચ્છાણો છે, મૂર્ચ્છાઈ ગયો છે. ભાઈ! આ હાડ-માંસ ને ચામડાનું બનેલું કલેવર હમણાં પણ મડદું જ છે. અહા! પોતાની ચીજ પૂરણ વીતરાગતા, અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદથી ભરી પડી છે. પણ અરે! અજ્ઞાનીને તેની ખબર નથી ને તે આ મૃતક કલેવરને પોતાની ચીજ માને છે! જ્ઞાની તો શરીરને ‘આ (બીજી ચીજ) છે’ બસ એમ જાણે છે પણ તે મારું (-આત્માનું) છે એમ કદીય માનતો નથી. અહા! આ શરીરની ક્રિયા જે થાય છે તે હું કરું છું એમ જ્ઞાનીને અભિપ્રાય હોતો નથી. જ્ઞાની તો શરીર અને શરીરની જે અવસ્થાઓ થાય તેનો જ્ઞાતા-દ્રષ્ટા જ છે.