છે. જે રાગ ઉત્પન્ન થાય છે એ દુઃખનું કારણ છે, દુઃખ જ છે. તેથી ભેદને ગૌણ કરી ભગવાન સર્વજ્ઞદેવે જેવો આત્મા જોયો છે તે શુદ્ધ ચૈતન્યઘન આનંદદળમાં દ્રષ્ટિ કરવી જોઈએ. તેથી સમ્યગ્દર્શનરૂપ ધર્મ થાય છે.
વસ્તુ જેવી અનંતગુણરૂપ અને એક સમયની પર્યાયરૂપ કે જેમાં લોકાલોક જાણવાની શક્તિ છે એવી વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના અનુભવ કરવામાં આવે તે મિથ્યાત્વ છે. વસ્તુસ્વરૂપની યથાર્થ શ્રદ્ધા વિના ઘણા વેદાંતી એમ કહે છે કે અમે શુદ્ધ અદ્વૈતનો અનુભવ કરીએ છીએ પણ એ અનુભવ જ નથી.
ભગવાને અનંત આત્મા, એનાથી અનંતગુણા પરમાણુ, અસંખ્ય કાલાણુ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ અને એક આકાશ એવાં છ દ્રવ્યો જોયાં છે. અને એ બધાં દ્રવ્યોને જાણવાવાળી પર્યાય પણ છે. એ પર્યાયથી ભિન્ન આખું આત્મદળ પડયું છે. પર્યાયથી આવા ચૈતન્યદળની દ્રષ્ટિ કરતાં વિકલ્પ તૂટી જાય છે, રાગ રહેતો નથી. ત્યારે નિર્વિકલ્પદશામાં શુદ્ધ અદ્વૈતનો અનુભવ થાય છે, અને ત્યારે પ્રગટ પરમ આનંદ પ્રાપ્ત થાય છે. એને સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે.
હું શુદ્ધ છું, હું શુદ્ધ છું એમ કહ્યા કરે પણ શુદ્ધ ચીજ શું છે અને કઈ રીતે છે એ જાણ્યા વિના શુદ્ધ અનુભવ સાચો નથી, એ તો મિથ્યાત્વ છે. સર્વથા અદ્વૈતવાદીને શૂન્યનો પ્રસંગ હોવાથી ઉલટી શ્રદ્ધામાં જે રાગનો અનુભવ થયો એ તો આકાશના ફૂલના અનુભવ જેવો અનુભવ થયો. આકાશમાં જેમ ફૂલ નથી તેમ એને વસ્તુનો અનુભવ નથી.
જ્ઞાનમાં પ્રથમ એવો નિર્ણય કરે કે હું તો અનંતગુણનો પિંડ ચૈતન્યમાત્ર વસ્તુ છું. આ નિર્ણય કરનારી તો પર્યાય છે, પણ તે પર્યાય એમ જાણે છે કે-હું તો ત્રિકાળી ધ્રુવ છું. સમયસાર ગાથા ૩૨૦ની જયસેનાચાર્યની ટીકામાં આવે છે કેઃ પર્યાય એવો નિર્ણય કરે છે કે-સકળ નિરાવરણ, અખંડ-ખંડ નહીં, એક-ભેદ નહીં, પ્રત્યક્ષ-પરોક્ષ નહીં પ્રતિભાસમય-જાણવામાં આવે છે એવો, અવિનશ્વર, નિત્ય ધ્રુવ શુદ્ધપારિણામિક- પરમભાવલક્ષણ, નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું. પર્યાય એમ જાણે છે કે હું આ છું, હું પર્યાય છું એમ જાણતી નથી. નિર્ણય-કાર્ય પર્યાયમાં થાય છે, ધ્રુવમાં નહીં. ધ્રુવ તો ત્રિકાળ-નિરાવરણ કારણરૂપ છે, તેને કારણપરમાત્મા કહે છે.
ભાઈ! પરમાત્મસ્વરૂપ ભગવાન આત્માનો માર્ગ તો કોઈ અલૌકિક છે. તે વસ્તુદ્રષ્ટિ વિના અનંતકાળમાં પણ પ્રાપ્ત થયો નહીં. અગિયાર અંગનું જ્ઞાન કર્યું, નવ પૂર્વની લબ્ધિ પ્રગટી, અને શુકલ લેશ્યા-ચામડી ઉતારીને ખાર છાંટે તોપણ આંખનો ખૂણો લાલ થાય