સમયસાર ગાથા-૨૧૬ ] [ ૩૨૯ વસ્તુ નથી; અને જ્યારે વસ્તુ આવી-વેદકભાવનો કાળ આવ્યો ત્યારે વેદવાની ઇચ્છા નથી, વેદવાની ઇચ્છા ચાલી ગઈ છે. પછી વેદકભાવ-વેદનારો ભાવ કોને વેદે?
ત્યારે કહે છે-બીજા વેદ્યભાવને વેદે; બીજી જે ઇચ્છા થઈ તેને વેદે. તો કહે છે-એ સંભવિત નથી કેમકે બીજો વેદ્યભાવ આવે ત્યારે તે વેદકભાવ- ભોગવનારો ભાવ હતો તેનો કાળ ચાલ્યો ગયો હોય છે. તેથી બીજા વેદ્યભાવને-બીજી ઇચ્છાને કોણ વેદે? માટે, અજ્ઞાનીની ઇચ્છા નિરર્થક જ છે એમ સિદ્ધ થાય છે. અહા! આવી વાત વીતરાગના શાસન સિવાય બીજે કયાંય છે નહિ. જુઓને! કેટલી છણાવટ કરી છે?
હવે કહે છે-‘જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો (ત્યાં એમ છે કે) તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદ્યભાવ વિણસી જાય છે; પછી તે બીજો વેદકભાવ શું વેદે?’
શું કહ્યું? કે ‘આ વસ્તુને હું વેદું’-એવી વેદ્યની બીજી ઇચ્છા થઈ ત્યારે પહેલો વેદકભાવ-ભોગવવાનો ભાવ નથી, નાશ પામી ગયો હોય છે; અને જ્યારે બીજો વેદકભાવ આવે છે ત્યારે બીજા વેદ્યભાવનો-વાંછાના ભાવનો નાશ થઈ જાય છે અર્થાત્ જે બીજી ઇચ્છા થઈ હતી તે ઇચ્છા રહેતી નથી. આમ કયાંય મેળ ખાતો નથી. ભાઈ! આ તો ધીમે ધીમે કહેવાય છે; સમજાય એટલું સમજવું બાપુ! અહાહા...! જૈન પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવે જે ધર્મસભામાં કહ્યું તે સ્વરૂપ આ છે અને તે સંતો જગત પાસે જાહેર કરે છે. ભાઈ! તારા હિતનો પંથ આ છે બાપા!
કહે છે-‘તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદ્યભાવ વિણસી જાય છે, પછી તે બીજો વેદકભાવ શું વેદે?’ એટલે કે જે વખતે બીજી ઇચ્છા થઈ ત્યારે જેને વેદવું છે તેનો (પહેલો) વેદકભાવ નથી, ભોગવવાના ભાવનો કાળ નથી; અને જ્યારે બીજો વેદકભાવ આવ્યો ત્યારે બીજો વેદ્યભાવ-વાંછા કરનારો ભાવ રહેતો નથી, વિણસી ગયો હોય છે. આમ છે ત્યાં બીજો વેદકભાવ કોને વેદે? આ પ્રમાણે ઇચ્છેલું વેદાતું જ નથી એમ જાણીને જેને નિત્યની દ્રષ્ટિ થઈ છે એવો જ્ઞાની અનિત્ય એવા વિભાવભાવની ઇચ્છા કરતો નથી.
પ્રશ્નઃ– પણ જ્ઞાની ઇચ્છા કરતો હોય તેમ દેખાય તો છે? ઉત્તરઃ– ભાઈ! એ તો થઈ જાય છે, કરતો નથી. જ્ઞાનીને ઇચ્છાની ઇચ્છા હોતી નથી. એ તો જે ઇચ્છા થાય છે તેનો જાણનાર જ રહે છે.
એ જ કહે છે-કે ‘આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી.’