પ૦૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૭ જ્ઞાયકભાવમય પૂર્ણાનંદ પ્રભુ આત્માનો અનુભવ કર્યો છે. અહા! પોતે સદાય અકષાયસ્વભાવ, પૂરણ વીતરાગસ્વભાવ છે એમ જેની પ્રતીતિમાં આવ્યું છે તે ધર્મી છે. આવા ધર્મીને જગતના કોઈ પદાર્થમાં મુંઝવણ નથી. અહા! અમે ધર્મી છીએ ને અમને માનનારા થોડા ને જગતમાં બધા જૂઠાને માનનારા ઘણા-એમ ધર્મીને મુંઝવણ નથી. ધર્મી તો જાણે છે કે જગતમાં જૂઠાઓની ત્રણે કાળ બહુલતા છે. વળી સત્ને સંખ્યાથી શું કામ છે? સત્ તો સ્વયંસિદ્ધ સ્વભાવથી સત્ છે. અહા! આવો મારગ બાપા! પ્રભુ! તારા મોક્ષના પંથડા અલૌકિક છે ભાઈ! આ સત્ કેવું છે ને તેને માનનારા સાચા કેવા હોય તે તને કદી સાંભળવા મળ્યું નથી. પણ ભાઈ! એના વિના જિંદગી એળે જશે હોં.
અહા! દેહદેવળમાં ભગવાન આત્મા અનંતગુણનો સાગર પ્રભુ સદા એક જ્ઞાયકભાવપણે બિરાજે છે. અંતરમાં તેનો આદર કરીને તેના ઉપર જેણે દ્રષ્ટિ સ્થાપી છે તે ધર્મી-સમ્યગ્દ્રષ્ટિ છે. ધર્મીને એક જ્ઞાયકભાવમયપણું છે એમ આવ્યું ને? એટલે શું? એટલે એમ કે ધર્મી જીવનો વિષય પર નથી, રાગ નથી ને પર્યાયેય નથી; પણ તેનો વિષય એક જ્ઞાયકભાવ જ છે. તેથી કહે છે કે ધર્મીને કોઈ પર પ્રત્યે સાવધાની થતી જ નથી. બહારમાં પ્રતિકૂળતા હોય તો રંજ નહિ ને બહારમાં અનુકૂળતા હોય તો રાજીપો નહિ. સર્વ પરપદાર્થ જ્યાં જ્ઞેયમાત્ર છે ત્યાં અનુકૂળ -પ્રતિકૂળ શું?-અહા! આમ જાણતો તે પરમાં સાવધાની કરતો નથી ને સ્વસ્વરૂપની સાવધાની છોડતો નથી. ભાષા જ એમ છે જુઓને? કે ‘મોહનો (તેને) અભાવ હોવાથી...’ , મોહ કહેતાં પરમાં સાવધાનીનો વા પરમાં મુંઝાઈ જવાનો સમકિતીને અભાવ છે. મોહ એટલે જ પરમાં સાવધાની અથવા મોહ એટલે પરમાં મુંઝવણ. તો તે મોહ જ્ઞાનીને નથી માટે તે અમૂઢદ્રષ્ટિ છે-એમ કહે છે.
હવે કહે છે-‘તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’
જોયું? સમકિતીને સ્વરૂપમાં સાવધાની હોવાથી કોઈ પર પદાર્થમાં મૂઢતા નથી. જુઓ, ક્ષાયિક સમકિતી શ્રેણીક રાજાને પહેલાં નરકનું આયુષ્ય બંધાઈ ગયું તો તેઓ હાલ નરકમાં છે જ્યારે કોઈ અનંત સંસારી અભવિ જીવ પંચમહાવ્રતાદિ ચોખ્ખાં પાળીને શુક્લલેશ્યાની નવમી ગ્રૈવેયક જાય. પણ એમાં શું છે? એ તો જે તે સમયની પર્યાયની યોગ્યતા છે એમ જ્ઞાની યથાર્થ જાણતો હોવાથી નરકના સંયોગમાં મુંઝાતો નથી. તેથી તેને મૂઢદ્રષ્ટિકૃત બંધ નથી પણ નિર્જરા જ છે એમ કહે છે.
‘સમ્યગ્દ્રષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે.’
જોયું? પુણ્યના ભાવને, પાપના ભાવને, નિમિત્તને, સંયોગને ઇત્યાદિ જગતના