સમયસાર ગાથા-૨૩૬ ] [ પ૪પ
જુઓ, ૧પપ ગાથામાં આવી ગયું કે-જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે સમ્યગ્દર્શન છે. અહાહા....! જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન એટલે શું? કે શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું એટલે કે આત્માનું થવું-પરિણમવું તે જીવાદિનું શ્રદ્ધાન નામ સમકિત છે. જ્ઞાનનું પરિણમન નામ આત્માનું પરિણમન. અહાહા....! શું કીધું? કે આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવસ્વરૂપ છે તેનું નિર્મળ-શુદ્ધરૂપ સ્વ-આશ્રિત પરિણમન તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મની પહેલી સીઢી છે. અહા! આવા સમ્યગ્દર્શનમાં નિઃશંકિત આદિ આઠ નિશ્ચય ગુણ પ્રગટ હોય છે અને તે નિર્જરાનું કારણ બને છે. અને આ જે વ્યવહાર આઠ ગુણ કહેશે એ તો પુણ્યબંધનું કારણ છે છતાં તે જ્ઞાનીને હોય છે; પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં લગી જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ વ્યવહાર ગુણ પણ હોય છે.
તો કહે છે- ‘આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે લગાવવાઃ-
અહા! જોયું? વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ એટલે કે પરાશ્રિતભાવે પરાશ્રિત મોક્ષમાર્ગ કહ્યો.
પ્રશ્નઃ– તો શું પરાશ્રયે મોક્ષમાર્ગ હોય છે? સમાધાનઃ– ભાઈ! વ્યવહારમોક્ષમાર્ગ તો વ્યવહારથી-ઉપચારથી કહેવાય છે. અહા! અંતરના શુદ્ધ ચૈતન્યના પરિણમનરૂપ વાસ્તવિક મોક્ષમાર્ગ જેને પ્રગટ થયો છે તેને જ્યાં સુધી પૂર્ણતા-પૂર્ણ શુદ્ધતા-નથી થઇ ત્યાં સુધી પરાશ્રિત એવો નિઃશંકિત આદિ વ્યવહારનો ભાવ હોય છે અને તેને ઉપચારથી વ્યવહારમોક્ષમાર્ગ કહેવામાં આવે છે. એટલે શું? કે તે મોક્ષમાર્ગ તો છે નહિ. પણ મોક્ષમાર્ગની દશાની સાથે રહેલો પરાશ્રિત ભાવ છે તો તેને મોક્ષમાર્ગનો સહચર જાણીને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. સમજાણું કાંઇ? તેને, કહે છે કે વ્યવહારમોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે લગાવવાઃ-
૧. ‘જિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ, તે નિઃશંકિતપણું છે.’
જુઓ, નિશ્ચયમાં વસ્તુ પોતે પૂર્ણ વિજ્ઞાનઘનસ્વરૂપ છે તેમાં સંદેહ ન થવો અને બહારમાં જિનવચનમાં સંદેહ ન થવો તથા બહારમાં ગમે તેવી પ્રતિકૂળતાના ગંજ આવે તોય વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ તે નિઃશંકિતપણું છે.
૨. ‘સંસાર-દેહ-ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહારમોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિઃકાંક્ષિતપણું છે.’
અહાહા...! જુઓ નિશ્ચયે જેને પુણ્ય ને પુણ્યના ફળોની વા કોઇ અન્ય વસ્તુ-