રાગની અવસ્થાને લઈને જ્ઞાન થયું. આ માન્યતા એ મિથ્યાત્વ છે અને દુઃખનું વેદન છે. પુણ્ય અને પાપના વિકલ્પ જે જ્ઞેય છે એ ઉપર જેની દ્રષ્ટિ છે, એમાં જેને આસક્તિ છે એને જે જ્ઞેય દ્વારા જ્ઞાનનો સ્વાદ આવે છે એ દુઃખનો -આકુળતાનો સ્વાદ છે. જેમ અજ્ઞાની શાકના લોલુપીને શાકદ્વારા લવણનો સ્વાદ આવે છે તે મિથ્યા છે તેમ આ જ્ઞેયલુબ્ધ જીવોને દયા, દાન, આદિ પુણ્ય અને ક્રોધ, માન આદિ પાપના વિકલ્પો જે પરજ્ઞેય છે, આત્માથી ભિન્ન છે, એ દ્વારા રાગની પર્યાય અને જ્ઞાનની પર્યાયનો મિશ્રિત અનુભવ થતાં જે સ્વાદ આવે છે એ દુઃખનો સ્વાદ છે, વિપરીત છે, ઝેરનો સ્વાદ છે, કેમકે એમાં આત્માના સામાન્યજ્ઞાનનો અનુભવ ઢંકાઈ ગયો છે.
રાગ દ્વારા જ્ઞાનનું વેદન એ ધર્મ નથી. જ્ઞાનનું જ્ઞાન દ્વારા એકલું વેદન એ ધર્મ છે. આ ધર્મ અને અધર્મની વ્યાખ્યા છે. જ્ઞેયાકાર જ્ઞાનનો અનુભવ કરે તો મિથ્યાત્વ સહિત દુઃખનું વેદન છે. આ શાસ્ત્ર-સ્વાધ્યાય થાય છે ને, એ પણ વિકલ્પ છે. એ વિકલ્પ દ્વારા જ્ઞાનનો અનુભવ થયો એ અધર્મ છે. અજ્ઞાની જીવને રાગમિશ્રિત જ્ઞાનનું ઢંકાઈ જવું અને જ્ઞાનભાવથી જ્ઞાન અનુભવમાં આવવું એવા એકાકાર જ્ઞાનના સ્વાદનો અનુભવ આવતો નથી. અહાહા! આત્મા તો વીતરાગ સ્વભાવનો પટારો છે, વીતરાગસ્વરૂપ જ છે. એના તરફના ઝુકાવથી એકલા જ્ઞાનનો જે અનુભવ આવે તે આત્માનો -અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો સ્વાદ છે. તે ધર્મ છે.
‘વળી પરમાર્થથી વિચારીએ તો તો, જે જ્ઞાન વિશેષના આવિર્ભાવથી અનુભવમાં આવે છે તે જ જ્ઞાન સામાન્યના આવિર્ભાવથી અનુભવમાં આવે છે.’ જ્ઞાયક ઉપર જેની દ્રષ્ટિ છે એ તો જાણે છે કે આ જ્ઞાનનું વિશેષ જ્ઞાન સામાન્યમાંથી આવે છે. જ્ઞાયક ઉપર દ્રષ્ટિ પડતાં જ્ઞાનની પર્યાયનું વેદન આવે છે. (રાગનું નહીં, રાગથી નહીં) રાગ દ્વારા જ્ઞાનનો અનુભવ ખરેખર તો સામાન્યનું વિશેષ છે, છતાં અજ્ઞાની માને છે કે એ રાગનું વિશેષ છે. એ દ્રષ્ટિનો ફેર છે. સમયસાર ગાથા ૧૭, ૧૮ માં આવે છે કે - આબાલગોપાળ સર્વને રાગ, શરીર, વાણી, જે કાળે દેખાય છે તે કાળે ખરેખર જ્ઞાનની પર્યાય જાણવામાં આવે છે, પણ એવું ન માનતાં મને આ જાણવામાં આવ્યું, રાગ જાણવામાં આવ્યો એ માન્યતા વિપરીત છે. એવી રીતે જ્ઞાનપર્યાય છે તો સામાન્યનું વિશેષ, પણ જ્ઞેય દ્વારા જ્ઞાન થતાં (જ્ઞેયાકાર જ્ઞાન થતાં) અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે આ જ્ઞેયનું વિશેષ છે, જ્ઞેયનું જ્ઞાન છે. ખરેખર જે જ્ઞાનપર્યાય છે તે સામાન્ય જ્ઞાનનું જ જ્ઞાન-વિશેષ છે, પરજ્ઞેયનું જ્ઞાન નથી, પરજ્ઞેયથી પણ નથી.