સમયસાર ગાથા-૨૭૪ ] [ ૨૪૭
તો કહે છે-તે ભલે અગિયાર અંગ ભણ્યો હોય, પણ તે મોક્ષને શ્રદ્ધતો નથી. શાસ્ત્રજ્ઞાનના વિકલ્પથીય રહિત ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ અંદર મોક્ષસ્વરૂપ છે એનું એને જ્ઞાન-શ્રદ્ધાન નથી. શાસ્ત્ર ભણ્યો તેથી શું? શાસ્ત્ર ભણવાનો ગુણ જે સ્વાનુભૂતિ તેને તે કદી સ્વ-આશ્રય કરીને પ્રગટ કરતો નથી.
પ્રશ્નઃ– તો પછી શાસ્ત્ર ભણવાં કે ન ભણવાં? ઉત્તરઃ– શાસ્ત્ર-જ્ઞાનના લક્ષે શાસ્ત્ર ભણવાં એમ નહિ, પણ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ આત્માના લક્ષે શાસ્ત્રનો અભ્યાસ કરવો જોઈએ. પ્રવચનસારમાં (ગાથા ૨૩૩ આદિમાં) આની સ્પષ્ટતા આવે છે.
ભાઈ! અહીં એમ વાત છે કે આચારાંગ આદિ અગિયાર અંગ સુધીનું દ્રવ્યશ્રુત ભણતો હોવા છતાં ભણવાનો ગુણ જે ભગવાન આત્માનાં દ્રષ્ટિ ને અનુભવ તે અભવ્યને હોતાં નથી તેથી તે અજ્ઞાની છે.
પંચાસ્તિકાય ગાથા ૧૭૨ માં શાસ્ત્ર-તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. શું કીધું? કે ૧૧ અંગ કે બાર અંગરૂપ દ્રવ્યશ્રુતનું તાત્પર્ય વીતરાગતા છે. અહાહા...! દ્રવ્યશ્રુતમાં જેમાં ચારે અનુયોગ-પ્રથમાનુયોગ, ચરણાનુયોગ,કરણાનુયોગ અને દ્રવ્યાનુયોગ-આવી જાય છે તેનું તાત્પર્ય વીતરાગતા છે. પ્રથમાનુયોગમાં તીર્થંકરાદિ મહાપુરુષનાં જીવનચરિત્ર, ચરણાનુયોગમાં બાહ્ય વ્યવહારનાં આચરણ, કરણાનુયોગમાં કર્મના પરિણામ આદિની વ્યાખ્યા અને દ્રવ્યાનુયોગમાં શુદ્ધજ્ઞાનમય આત્માની કથની આવે, પણ એ બધાયને ભણવાનું તાત્પર્ય એકમાત્ર વીતરાગતા છે.
અહા! એ વીતરાગતા કેમ થાય? તો કહે છે-ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ચૈતન્યમૂર્તિ પ્રભુ સદા વીતરાગસ્વરૂપ જ છે. સ્વ-આશ્રયે તેનાં જ્ઞાન, દ્રષ્ટિ અને અનુભવ કરવાથી પર્યાયમાં વીતરાગતા પ્રગટ થાય છે. સર્વ શાસ્ત્ર ભણવાનું આ ઇષ્ટ ફળ-ગુણ છે.
અહા! ત્યાં પંચાસ્તિકાયમાં શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા કહ્યું. અહીં કહે છે- ભિન્નવસ્તુભૂત શુદ્ધજ્ઞાનમય આત્માનું જ્ઞાન તે શાસ્ત્ર ભણવાનો ગુણ છે. તથા શ્રી રાજમલજીએ કળશ ૧૩ માં કહ્યું કે-બાર અંગનું જ્ઞાન પણ વિકલ્પ છે, તેમાં (શ્રુતમાં) પણ એમ કહ્યું છે કે શુદ્ધાત્માનુભૂતિ મોક્ષમાર્ગ છે અર્થાત્ બાર અંગમાં શુદ્ધાત્માનુભૂતિ કરવાનું કહ્યું છે. અહા! ચારેકોરથી બધે આ એક જ વાત છે. શું! કે-આત્મા પોતે ચિદાનંદઘન પ્રભુ છે. એનાં જ્ઞાન-શ્રદ્ધાન કરીને એમાં જ ઠરી જા, એના જ સ્વાદમાં તૃપ્ત થઈ જા. અહા! પણ શુભક્રિયાના પક્ષવાળાને આ કેમ બેસે? ન બેસે એટલે શાસ્ત્ર ભણે, વ્રત કરે ને તપ કરે ને ભક્તિ આદિ અનેક ક્રિયા કરે અને માને કે ધર્મ થઈ ગયો. અરે! પણ ધર્મ તો શું? એનાથી ઊંચાં પુણ્યેય નહિ થાય. સમજાણું કાંઈ...?