સમયસાર ગાથા-૨૭પ ] [ ૨પ૩ શ્રદ્ધાન તેને નથી. તે શુભ કર્મને જ ધર્મ સમજી શ્રદ્ધાન કરે છે તેથી તેના ફળ તરીકે ગ્રૈવેયક સુધીના ભોગને પામે છે પરંતુ કર્મનો ક્ષય થતો નથી. આ રીતે સત્યાર્થ ધર્મનું શ્રદ્ધાન નહિ હોવાથી તેને શ્રદ્ધાન જ કહી શકાતું નથી.
આ પ્રમાણે વ્યવહારનયને આશ્રિત અભવ્ય જીવને જ્ઞાન-શ્રદ્ધાન નહિ હોવાથી નિશ્ચયનય વડે કરવામાં આવતો વ્યવહારનો નિષેધ યોગ્ય જ છે.
અહીં એટલું વિશેષ જાણવું કે-આ હેતુવાદરૂપ અનુભવપ્રધાન ગ્રંથ છે તેથી તેમાં ભવ્ય-અભવ્યનો અનુભવની અપેક્ષાએ નિર્ણય છે. હવે જો આને અહેતુવાદ આગમ સાથે મેળવીએ તો-અભવ્યને વ્યવહારનયના પક્ષનો સૂક્ષ્મ, કેવળીગમ્ય આશય રહી જાય છે કે જે છદ્મસ્થને અનુભવગોચર નથી પણ હોતો, માત્ર સર્વજ્ઞદેવ જાણે છે; એ રીતે કેવળ વ્યવહારનો પક્ષ રહેવાથી તેને સર્વથા એકાંતરૂપ મિથ્યાત્વ રહે છે. અભવ્યને આ વ્યવહારનયના પક્ષનો આશય સર્વથા કદી પણ મટતો જ નથી.
હવે શિષ્ય પૂછે છે કે-અભવ્યને ધર્મનું શ્રદ્ધાન તો હોય છે; છતાં ‘તેને શ્રદ્ધાન નથી’ એમ કેમ કહ્યું? તેનો ઉત્તર હવે કહે છેઃ-
‘અભવ્ય જીવ નિત્યકર્મફળચેતનારૂપ વસ્તુને શ્રદ્ધે છે પરંતુ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને નથી શ્રદ્ધતો કારણ કે તે સદાય ભેદવિજ્ઞાનને અયોગ્ય છે.’
આ તો દ્રષ્ટાંત અભવ્યનું છે હોં, બાકી અભવ્યની જેમ ભવ્ય જીવે પણ આવું બધું અનંતવાર કર્યું છે. જુઓ, પં. શ્રી દોલતરામજીકૃત છહઢાલામાં આવે છે ને કે-
અહા! દિગંબર જૈન સાધુ થઈ ને તે અનંતવાર નવમી ગ્રૈવેયક ઉપજ્યો, પણ આત્મજ્ઞાન ન થયું , સુખ ન થયું કેમકે તે નિત્યકર્મફળચેતનાને શ્રદ્ધે છે. અહા! રાગનું ફળ જે ભોગ મળે તેને ચેતવામાં સંતુષ્ટ તે કર્મફળચેતનાને શ્રદ્ધે છે પણ નિત્યજ્ઞાનચેતનામાત્ર વસ્તુને નથી શ્રદ્ધતો. અહા! તે ભોગના હેતુથી શુભકર્મમાત્ર ધર્મને કરે છે, પણ સ્વાનુભવના હેતુએ ધર્મ કરતો નથી. સમજાણું કાંઈ...?
અહા! એ જે શુભરાગ કરે છે તે કર્મચેતના છે, એ કાંઈ આત્મચેતના-શુદ્ધ- જ્ઞાનચેતના નહિ. હવે આવી વાત એને આકરી પડે પણ શું થાય? મારગ તો આવો છે બાપુ!