સમયસાર ગાથા-૨૭પ ] [ ૨પપ
બાપુ! અભવ્યનો તો દાખલો છે; બાકી અનંતકાળમાં ભવિ જીવે પણ આવું (વ્રત, તપ આદિ) અનંતવાર કર્યું છે, છતાં તેને કદાપિ જ્ઞાનસ્વભાવની પ્રાપ્તિ થઈ નથી. (પુણ્યની રુચિ મટાડી સ્વરૂપની રુચિ ન કરે ત્યાં સુધી ભેદવિજ્ઞાન પ્રગટતું નથી).
‘મોક્ષમાર્ગપ્રકાશક’ માં લીધું છે કે-તે તપશ્ચરણાદિ ક્રિયા તો કરે છે, ધર્મની- વ્યવહારની ક્રિયા તો કરે છે, છતાં એને ધર્મ કેમ થતો નથી?
ત્યાં કહ્યું છે કે તપશ્ચરણાદિ વ્યવહારધર્મમાં અનુરાગી થઈ પ્રવર્તવાનું ફળ તો બંધ છે, અને આ તેનાથી મોક્ષ ઇચ્છે છે તો તે કેમ થાય? અહા! વ્રત, તપ, આદિના પરિણામ તો રાગના છે ભાઈ! એ રાગ કરે ને ધર્મ ઇચ્છે તે કેમ થાય? બહુ આકરી વાત બાપા! અહા! કર્મચેતનાથી જ્ઞાનચેતના કેમ થાય?
અહાહા...! તું સર્વજ્ઞસ્વભાવી છો ને પ્રભુ! અહાહા...! તારું સ્વરૂપ જ જ્ઞ-સ્વભાવ સર્વજ્ઞસ્વભાવ છે. અહા! એનાં જ્ઞાન-શ્રદ્ધાન કરે નહિ અને રાગને ભલો જાણી એમાં રોકાઈ રહે એ તો સ્વ-પરના ભેદવિજ્ઞાન માટે અયોગ્યતા છે. અહા! આ રીતે અભવિ જીવ ભેદવિજ્ઞાન માટે સદાય અયોગ્ય છે.
હવે કહે છે- ‘માટે તે (અભવ્ય જીવ) કર્મથી છૂટવાના નિમિત્તરૂપ, જ્ઞાનમાત્ર, ભૂતાર્થ ધર્મને નથી શ્રદ્ધતો, ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે;...’
જુઓ, રાગથી ને વિકારથી છૂટવારૂપ નિમિત્ત જડકર્મ છે, અને જડકર્મના છૂટવાના નિમિત્તરૂપ જ્ઞાનની પરિણતિ છે. કર્મ છૂટે છે એ તો એના કારણે, એ કર્મને છૂટવામાં જ્ઞાનની પરિણતિ નિમિત્ત છે. અહાહા...! ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ છે. એના શુદ્ધ જ્ઞાનમાત્ર પરિણામ તે ભૂતાર્થ-સત્યાર્થ ધર્મ છે. અહીં ‘ભૂતાર્થ’ એટલે ત્રિકાળીની વાત નથી, પણ ત્રિકાળી ભૂતાર્થ ભગવાન આત્માના આશ્રયે જે આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન પ્રગટ થાય તેને ભૂતાર્થ ધર્મ કહ્યો. અહા! અભવ્ય જીવ આ ભૂતાર્થ ધર્મને શ્રદ્ધતો નથી. તો કોને શ્રદ્ધે છે? તો કહે છે-
તે ભોગના નિમિત્તરૂપ, શુભકર્મમાત્ર, અભૂતાર્થ ધર્મને જ શ્રદ્ધે છે. જોયું? શિષ્યનો પ્રશ્ન હતો ને કે-અભવ્ય જીવ આવું આવું (વ્રત, તપ આદિ) બધું કરે છે તો શું તેને ધર્મનું શ્રદ્ધાન નથી? આ એનો ખુલાસો કરે છે કે એને અભૂતાર્થ નામ જૂઠા ધર્મનું શ્રદ્ધાન છે. ખૂબ ગંભીર વાત પ્રભુ! શું કહે છે? કે ભોગના નિમિત્તરૂપ જે દયા, દાન, વ્રત, તપ આદિ પુણ્યના ભાવ તેને ધર્મ માનીને તેની તે શ્રદ્ધા કરે છે. એને અહીં અભૂતાર્થ એટલે જૂઠો ધર્મ કહ્યો છે કેમકે એના ફળમાં ભોગ મળે છે, પણ આત્મા નહિ. અહા! એ અભૂતાર્થ ધર્મના નિમિત્તે પુણ્ય બંધાય ને પુણ્યકર્મના ઉદયમાં ભોગ મળે પણ આત્મા નહિ-એમ કહે છે. સમજાણું કાંઈ...?