સમયસાર ગાથા ૨૭૬-૨૭૭ ] [ ૨૭૯ ટીકા કરતાં મલિન પરિણતિનો નાશ થઈ પરમવિશુદ્ધિ થાઓ. ‘समयसारव्याख्ययैव’ સમયસારની વ્યાખ્યાથી (ટીકાથી) જ-એમ પાઠ છે. પણ વ્યાખ્યા તો વિકલ્પ-રાગ છે? આશય એમ છે કે સમયસારની ટીકાના કાળમાં દ્રવ્યસ્વભાવ ઉપર મારું જોર એવું દ્રઢ ઘુંટાશે કે એનાથી રાગની કલ્માષિત-મેલી પરિણતિનો નાશ થઈને પરમવિશુદ્ધિ થશે. લ્યો, આચાર્ય-ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી આઈરિયાણં-પદમાં છે ને? તે કહે છે.
આગમમાં (ધવલમાં) પાઠ છે કે-ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી અરિહંતાણં, ણમો લોએ સવ્વ ત્રિકાળવર્તી સિદ્ધાણં, ઇત્યાદિ. ણમોકારમંત્રમાં અંતિમ પદમાં, ‘ણમો લોએ સવ્વ સાહૂણં’ એમ છે ને? એ ઉપરના ચારમાં પણ લાગુ પડે છે. અહાહા...! પંચપરમેષ્ટીપદમાં બિરાજમાન એવા આચાર્ય આ કહે છે કે-પ્રચુર અતીન્દ્રિય આનંદની દશાની સાથે અમને કિંચિત્ રાગની-દુઃખની દશા છે. તે વ્યવહાર છે, પણ તે હેય છે, પ્રતિષેધ્ય છે.
ભાઈ! જે લોકો દુકાન-ધંધો-વેપાર સાચવવામાં ને સ્ત્રી-કુટુંબ-પરિવારની માવજતમાં પડેલા છે એ તો એકલા પાપમાં પડેલા છે; એનો તો નિષેધ જ છે. પણ અહીં કહે છે-આ જે શબ્દશ્રુતનું જ્ઞાન-વ્યવહાર જ્ઞાન, નવતત્ત્વનું ભેદરૂપ શ્રદ્ધાન-વ્યવહાર શ્રદ્ધાન ને છ જીવ-નિકાયની અહિંસા-વ્યવહારચારિત્ર છે તે પુણ્યભાવ છે ને તે નિષેધ્ય છે. કેમ? કેમકે એને મોક્ષના કારણરૂપ નિર્મળરત્નત્રયનું આશ્રયપણું નથી. ઝીણી વાત છે પ્રભુ! જેને સ્વના આશ્રયે-અહાહા...! એક જ્ઞાયકભાવના આશ્રયે નિશ્ચયરત્નત્રય પ્રગટયાં છે તેને વ્યવહાર હોય છે, પણ નિશ્ચયરહિતને વ્યવહાર કોઈ વસ્તુ જ નથી. અર્થાત્ એમ નથી કે (અજ્ઞાનીને) વ્યવહારના આશ્રયે નિશ્ચય પ્રગટી જાય. જ્ઞાનીને વ્યવહાર હોય છે અવશ્ય, પણ એ વ્યવહારના આશ્રયે એને જ્ઞાનાદિ નથી. જ્ઞાનીને એ વ્યવહાર હેયબુદ્ધિએ હોય છે ને સ્વ-સ્વભાવના આશ્રયે તેનો તે પ્રતિષેધ કરે છે. સમજાણું કાંઈ...?
એ જ કહે છે કે-વ્યવહારનય પ્રતિષેધ્ય છે, ‘અને નિશ્ચયનય વ્યવહારનયનો પ્રતિષેધક છે, કારણ કે શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે.’
જોયું? કહે છે-શુદ્ધ આત્માને જ્ઞાન આદિનું આશ્રયપણું ઐકાંતિક છે, અહાહા...! પૂરણ જ્ઞાનાનંદ-પરમાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લઈને જે જ્ઞાન થાય, જે શ્રદ્ધાન પ્રગટે ને જે અંતર-સ્થિરતા થાય એ ઐકાંતિક છે. સમ્યક્ એકાંત છે. એટલે શું? કે શુદ્ધ આત્માના આશ્રયે તો નિશ્ચયરત્નત્રય થાય જ અને બીજી કોઈ રીતે રાગના કે નિમિત્તના આશ્રયે ન જ થાય. લ્યો, આવી વાત છે!
શું કહે છે? કે પૂર્ણાનંદનો નાથ શુદ્ધજ્ઞાનઘન ત્રિકાળી ધ્રુવ અંદર પરમાત્મસ્વરૂપે ત્રિકાળી વિરાજે છે તે એક જ નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો આશ્રય છે; આ