સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩૬૩
અહા! જે પૂરણ એક સંવેદન-એનાથી યુક્ત આત્માને પામે છે ત્યારે એણે કર્મને મૂળમાંથી છોડી દીધું છે, ઉખેડી નાખ્યું છે. અહો! પૂર્ણ આનંદના વેદનની દશા! અત્યંત નિર્મળ ને નિર્વિકાર. અહા! સમસ્ત વિકારની સંતતિનો જેમાં નાશ થયો છે એવી પૂરણ આનંદની દશા અદ્ભૂત અલૌકિક છે.
અહા! આવો ધરમ ને આવી રીત! તારા મારગડા બહુ જુદા છે નાથ! અત્યારે તો એ સાંભળવા મળવાય દુર્લભ છે પ્રભુ! અહીં શું કહે છે? કે-જેને આત્માની પૂર્ણ આશ્રયની દશા પ્રગટી એની દશા પૂર્ણ થઈ ગઈ; એને કર્મ પૂર્ણ ઉખડી ગયાં, વિકારની સંતતિ પૂર્ણ નાશ પામી અને પૂર્ણ આનંદના ધારાવાહી સંવેદનની દશા પ્રગટી. અહીં ‘ધારાવાહી’ કીધું ને? એટલે કે નિરંતર એક પછી એક એમ પૂરણ નિર્મળ આનંદની ધારા ચાલી-એમ કહે છે. અહા! જે પૂરણ આનંદની દશા પ્રગટી તે કેવી છે? તો કહે છે- જેવો પૂરણ જ્ઞાનાનંદસ્વભાવ છે એવી પર્યાયમાં પૂરણ જ્ઞાન ને આનંદની પ્રગટતા વાળી છે. જેમ ટકતું તત્ત્વ ત્રિકાળ ધ્રુવ છે તેમ તેના આશ્રયે ટકતી દશા ધારાવાહી ધ્રુવ-કાયમ છે. સમજાણું કાંઈ....? ભાષા તો સાદી છે; ભાવ તો જે છે તે છે.
અહાહા...! આત્મા શુદ્ધ બુદ્ધ ચૈતન્યધન પ્રભુ અંદર સ્વભાવે સિદ્ધ સમાન જ છે. અને ‘अतति गच्छति इति आत्मा’ – જે જ્ઞાન ને આનંદના સ્વભાવે પરિણમે તે આત્મા છે, પણ રાગ ને વ્યવહારમાં પરિણમે તે આત્મા નહિ. જેવો પૂરણ સ્વભાવ છે તે ભાવરૂપ પૂરણ પરિણમે તે આત્મા. તેથી પૂરણનો પૂરણ આશ્રય કરીને, જેમાં પૂરણ કર્મનો નાશ થઈ ગયો છે એવા પૂરણ આનંદને વેદે ત્યારે તે પૂરણને પામે છે; અને તે આત્મોપલબ્ધિ છે.
અહી કહે છે-એવો આ ભગવાન આત્મા પોતામાં જ સ્ફુરાયમાન થાય છે.’ લ્યો, ‘ભગવાન આત્મા’ - એને ભગવાન કહીએ ત્યાં લોકો રાડ પાડી જાય છે. પણ બાપુ! એ અંદર ભગવાનસ્વરૂપ જ છે. ભગ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મીવાળો આત્મા ભગવાનસ્વરૂપ જ છે. ભગ નામ લક્ષ્મી-તે આ ધન-લક્ષ્મી નહિ. એ લક્ષ્મીવાળા ધૂળવાળા તો બિચારા ભિખારા છે. લાવો, લાવો, લાવો-એમ નિરંતર તેઓ તૃષ્ણારૂપી અગ્નિથી બિચારા બળી રહ્યા છે. અહીં આ ભગવાન તો જ્ઞાનાનંદરૂપ લક્ષ્મીનો ભંડાર એકલી શાંતિ-શાંતિ-શાંતિનો રસકંદ છે. અહા! આવો અપાર મહિમાવંત આત્મા-કે જેને મૂળમાંથી કર્મ ઉખડી ગયાં છે ને પૂરણ આનંદનું વેદન પ્રગટ થયું છે-તે પોતામાં જ સ્ફુરાયમાન થાય છે. અહો! શું અપાર અલૌકિક એનો મહિમા! ભગવાન સર્વજ્ઞની વાણીમાં પણ એનો પૂરણ મહિમા ન આવી શક્યો એવી એ અદ્ભુત ચીજ છે. શ્રીમદે કહ્યું છે ને કે-
તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.