સમયસાર ગાથા ૨૮૬-૨૮૭ ] [ ૩૬પ બીજી વસ્તુ જાય એમ ત્રણકાળમાં બની શકે નહિ, કેમકે એકમાં બીજીનો અભાવ છે. જો એમ ન હોય તો બધું એક થઈ જાય. સમજાણું કાંઈ.....?
જ્યારે તે સ્વદ્રવ્યના આશ્રયમાં આવે ત્યારે જેટલે દરજ્જે તે પરદ્રવ્યનો આશ્રય છોડે છે તેટલો તેને સ્વનો આશ્રય થાય છે અને તેટલે દરજ્જે તેને રાગાદિ કર્મ કપાઈ જાય છે. જ્યારે તે પૂરણ પરદ્રવ્યનો આશ્રય છોડે છે ત્યારે તેને સ્વદ્રવ્યનો પૂરણ આશ્રય થાય છે અને ત્યારે એને સમસ્ત રાગાદિની સંતતિ કપાઈ જાય છે. લ્યો, આવી ધર્મની વાતુ બહુ ઝીણી બાપુ! લોકો તો કાંઈક ને કાંઈક કલ્પીને બેઠા છે. (એમ કે શુભ કરતાં કરતાં શુદ્ધ થાય).
પણ ભાઈ! ‘पूयादिसु वयसहियं...’ ઈત્યાદિ ભાવપાહુડની ગાથામાં આચાર્ય કુંદકુંદ શું કહે છે? કે તીર્થંકર ભગવાનની મૂર્તિ હોય કે સાક્ષાત્ ભગવાન બિરાજતા હોય, તેમની પૂજા આદિનો ભાવ કે પાંચમહાવ્રતાદિના પાલનનો ભાવ પુણ્ય છે, ધર્મ નહિ. ત્યાં ‘પૂજા આદિ’ શબ્દ કહીને પરદ્રવ્યની પૂજા, ભક્તિ, સ્તુતિ, વંદના, નમસ્કાર, નામસ્મરણ, વૈયાવૃત્ય વગેરેનો શુભભાવ છે એ પુણ્ય છે, ધર્મ નહિ-એમ આચાર્યદેવ કહે છે. લોકોને બિચારાઓને ક્યાં ખબર છે કાંઈ? એ તો આંધળે-બહેરા કુટાયે જાય છે.
શું થાય? રળવું, કમાવું ને ખાવું-એમ બિચારા સલવાઈ ગયા છે. સંસારના કામ આડે નવરા પડે તો તત્ત્વાભ્યાસ કરે ને? પણ ભાઈ! આ જીવન (-અવસર) જાય છે હોં.
પ્રશ્નઃ– ખાવા રોટલા તો જોઈએ ને? ઉત્તરઃ– અહા! એ આયુષ્ય લઈને આવ્યો છે તે એને રોટલા નહિ મળે? (અને આયુ નહિ હોય તો રોટલા શું કરશે?)
પ્રશ્નઃ– પણ એ ધંધોય લઈને આવ્યો છે ને? ઉત્તરઃ– ના, એ ધંધો લઈને આવ્યો નથી. બહારમાં એને જે ધંધો ચાલે છે એ તો એના (ધંધાના) કારણે ચાલે છે; એ પરવસ્તુને કરે કોણ? શું આત્મા કરે? કદી ન કરે. અને ધંધાના લક્ષે એ અનેક અશુભ ભાવ કરે છે એ એનો વિપરીત પુરુષાર્થ છે અને તે નવીન છે, સંસાર-પરિભ્રમણનું કારણ છે. બાપુ! આ શરીરનું તું કાંઈ ન કરી શકે ત્યાં ધંધાનું શું કરે? જો ને, શરીરમાં પક્ષઘાત થાય તો તેને હલાવી શકે છે? એને પક્ષઘાત થતો રોકી શકે છે? બાપુ! એ તો જડ માટી ભાઈ! એ ભગવાન આત્માથી સદાય ભિન્ન વસ્તુ છે; એનું તું કરે શું? છતાં અરે! એને અનાદિનું આવું અભિમાન!
એને અહીં કહે છે કે જ્યારે તે સમસ્ત પરનું લક્ષ છોડે છે ત્યારે પરના સંબંધે થતા રાગાદિ ભાવોને પણ છોડે છે અર્થાત્ રાગાદિની સંતતિ એને કપાઈ જાય છે.