૩૭૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮
તેમ કોઈ મતિહીન એટલે કે હું ત્રિકાળ અબદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા છું એમ ખબર નથી એવો અજ્ઞાની પુરુષ રાગદ્વેષરૂપી ચિકાશ સહિત વિચરે છે-પ્રવર્તે છે તો તેને કર્મરૂપી રજ અવશ્ય ચોંટે છે; તેને અવશ્ય કર્મબંધન થાય છે.
હવે કહે છે-
શું કીધું? કે પોતે ભગવાન આત્મા વાસ્તવિક ચીજ શું છે? ને આ પર્યાયમાં બંધન કેમ છે? ઈત્યાદિનો યથાર્થ ઉપદેશ મળે ત્યારે તે રાગદ્વેષને છોડીને પોતાના શુદ્ધ સ્વરૂપને અનુભવે છે. પહેલાં રાગદ્વેષને ચાટતો હતો તે હવે અતીન્દ્રિય આનંદના સ્વાદને અનુભવે છે, ચાટે છે.
જુઓ, આ શરીર, વાણી, મોસંબી, શેરડી કે સ્ત્રીનું શરીર-ઈત્યાદિનો સ્વાદ તો આત્માને હોય નહિ, કેમકે એ બધા જડ પર પદાર્થો છે. તો શું છે? કે એ બાહ્ય પદાર્થોના લક્ષે જે આ રાગ-દ્વેષ કરે છે તેનો એને સ્વાદ આવે છે. અજ્ઞાની અનાદિથી પરલક્ષે થતાં રાગદ્વેષને ચાટે છે. પણ યથાર્થ ઉપદેશ મળે છે ત્યારે તે રાગદ્વેષના સ્વાદને છોડી દઈ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદને વેદે છે-ચાટે છે એમ કહે છે. સમજાણું કાંઈ...?
‘નિજ ચાટૈ’ -એમ કીધું ને? એટલે શું? કે અનાદિ સંસારથી માંડીને જ્ઞાન ને આનંદ પોતાનું સ્વરૂપ છે એની એને ખબર નથી. તો પોતાના સ્વરૂપના ભાન વિના પરદ્રવ્યોના લક્ષે તેને પર્યાયમાં નિરંતર રાગદ્વેષરૂપ વિકાર ઊભો થાય છે તેને તે વેદે- અનુભવે છે, ચાટે છે. પણ એ મહા ભયાનક દુઃખનો-ઝેરનો સ્વાદ છે. પણ કોઈ નિકટભવિ જીવ યથાર્થ ઉપદેશને પ્રાપ્ત થઈ પર તરફના વલણને છોડી વિકારના-ઝેરના સ્વાદને છોડી દે છે ત્યારે તેને ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના અમૃતનો સ્વાદ- અનુભવ થાય છે. આનું નામ ધર્મ છે. ‘નિજ ચાટૈ’ -એ ધર્મ છે.
આ છોકરાં નાનાં આંગળાં નથી ચાટતાં? એ તો એમ કહેવાય બાકી આંગળાં કોણ ચાટે? એ તો જડ પદાર્થ છે; એને આત્મા કેમ ચાટે? પણ જડ તરફનું વલણ કરીને ‘આ ઠીક છે’ -એમ રાગને એ ચાટે છે. અહા! અજ્ઞાની બાળ જીવ શુભ ને અશુભ ભાવ કરીને એને વેદે છે-અનુભવે છે-ચાટે છે.
અહા! અંદર સ્વરૂપમાં જાય તો એકલું ત્યાં અમૃત ભર્યું છે. પણ અજ્ઞાનીને સ્વરૂપની ખબર નથી અને તેથી તે રાગાદિને-ઝેરને જ વેદે છે-અનુભવે છે અને હું સુખી છું એમ માને છે. તો વાસ્તવિક શું છે? અહાહા...! યથાર્થ ઉપદેશને પ્રાપ્ત થઈ કોઈ પરદ્રવ્યના નિમિત્તે થતા નૈમિત્તિક ભાવને-વિકારને છોડીને શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં