૩૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ દ્રવ્યકર્મથી તથા રાગાદિક ભાવકર્મથી ભિન્ન એક ચૈતન્યભાવમાત્ર અનુભવી જ્ઞાનમાં જ લીન રાખવો તે જ (આત્મા ને બંધનું) ભિન્ન કરવું છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે, એમ જાણવું. ૧૮૧.
આત્મા અને બંધ શા વડે દ્વિધા કરાય છે? એટલે કે આત્મા અને અંદરમાં પુણ્ય- પાપના ભાવરૂપ જે ભાવબંધ - તે કયા સાધન વડે જુદા કરી શકાય છે? અહા! બન્નેને જુદા પાડવાનું સાધન શું? આવા શિષ્યના પ્રશ્ન પ્રતિ ઉત્તર કહે છેઃ-
‘આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા તેના કરણ સંબંધી મીમાંસા કરવામાં આવતાં, નિશ્ચયે (નિશ્ચયનયે) પોતાથી ભિન્ન કરણનો અભાવ હોવાથી ભગવતી પ્રજ્ઞા જ છેદનાત્મક કરણ છે.’
‘આત્મા અને બંધને દ્વિધા કરવારૂપ કાર્યમાં કર્તા જે આત્મા....’ અહાહા...! શું કીધું એ? કે શાંત નિર્મળ નિર્વિકાર સ્વભાવથી ભરેલો જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા તથા પુણ્ય - પાપના - રાગ -દ્વેષના ભાવરૂપ જે ભાવબંધ - એ બેને દ્વિધા એટલે જુદા પાડવારૂપ કાર્યનો કર્તા આત્મા છે. અહા! આત્માને બંધને-રાગાદિને જુદા પડવા એ એક કાર્ય છે. જુઓ, અંદર કાર્ય કહ્યું છે કે નહિ? અહા! એનો (-દ્વિધાકરણનો) કર્તા આત્મા છે; એનો કર્તા રાગ નથી. વ્યવહાર નથી. કેમ? કેમકે જેનાથી જુદું પડવું છે એ એનો કર્તા કેમ હોય? વ્યવહાર - શુભરાગ છે એ તો બંધ છે, એનાથી તો જુદું પડવું છે; તો પછી એ (-રાગ) જુદા પાડવાનું સાધન કેમ હોઇ શકે? ન હોઇ શકે. ન્યાય સમજાય છે કે નહિ? એમ કે રાગને તો આત્માથી જુદો પાડવો છે, તો તે રાગ વડે કેમ જુદો પાડી શકાય? દ્વિધાકરણનું સાધન - કરણ રાગ કેમ હોઇ શકે? અહા! એ બેને જુદા પાડવારૂપ જે કાર્ય એનો કર્તા ખરેખર આત્મા જ છે
પ્રશ્નઃ– છહઢાલામાં તો એમ કહ્યું છે કે - ‘હેતુ નિયતકો હોઇ’ - અર્થાત્ વ્યવહાર મોક્ષમાર્ગ નિશ્ચય મોક્ષમાર્ગનો હેતુ છે.
સમાધાનઃ– ભાઈ! એ તો નિમિત્તનું કથન છે. સત્યાર્થ મોક્ષમાર્ગ જ્યારે પ્રગટ થયો ત્યારે જે મોક્ષમાર્ગ તો નથી પણ જે મોક્ષમાર્ગનું નિમિત્ત વા સહચારી છે તેને ઉપચારથી વ્યવહાર મોક્ષમાર્ગ કહીએ છીએ અને તેને બાહ્ય નિમિત્ત વા સહચર જાણી નિશ્ચય મોક્ષમાર્ગનો હેતુ છે એમ ઉપચારથી કહેવામાં આવે છે. બાપુ! ત્યાં તો ઉપચાર કથન દ્વારા નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે એમ યથાર્થ સમજવું. સમજાણું કાંઈ...?