૪૦૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ આનંદમાં લીન રહેવું, આનંદનું ભોજન કરવું, પ્રચુર આનંદને અનુભવવો તે ચારિત્ર છે. આનંદનું પ્રચુર સ્વસંવેદન એ ચારિત્રની મહોર-મુદ્રા છે. આવા ચારિત્રપૂર્વક જીવની મુક્તિ થાય છે. અહીં કહે છે - એ સર્વ ભેદજ્ઞાનનો મહિમા છે. વિના ભેદજ્ઞાન ચારિત્ર તો શું સમ્યગ્દર્શનેય (ચોથું ગુણસ્થાનેય) સંભવિત નથી. સમજાણું કાંઈ...?
હવે આ મૂળ વાતમાં જ લોકોને વાંધા છે; એમ કે રાગથી -વ્યવહારથી થાય. અહીં કહે છે - રાગથી - વ્યવહારથી ભિન્ન પડે તો થાય, ભેદજ્ઞાનથી થાય. લ્યો, હવે આવી વાત! બાપુ! આ તો ભગવાન કેવળીની વાણી! જેની ઇન્દ્રો ને ગણધરો સેવા કરે ને બહુ નમ્ર થઇ વિનય પૂર્વક વાણી સાંભળે - અહા! તે વાણી કેવી હોય? દયા પાળો ને ધર્મ થઈ જશે એવી વાતો તો કુંભારેય કરે છે. પરમાત્મા કહે છે - ભાઈ! તું તારી દયા કર. પરની દયા તું કરવા જાય છે પણ એ તો રાગ છે, બંધ છે; ધર્મ નથી. અહા! એનાથી ભિન્ન પડી અંદર સ્વસ્વરૂપમાં એકાગ્ર થાય તે સ્વદયા છે અને તે ધર્મ છે.
હવે કહે છે - ‘આત્માનું સ્વલક્ષણ ચૈતન્ય છે, કારણ કે તે સમસ્ત શેષ દ્રવ્યોથી અસાધારણ છે.’
જોયું? ચૈતન્ય આત્માનું અસાધારણ લક્ષણ છે કેમકે તે પુદ્ગલાદિ સર્વ અન્ય દ્રવ્યોમાં નથી. પોતામાં હોય ને પરમાં ન હોય તે અસાધારણ છે. આ રીતે ચૈતન્ય આત્માનું અસાધારણ લક્ષણ છે. હવે કહે છે -
‘તે (ચૈતન્ય) પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે અને નિવર્તતું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે તે સમસ્ત સહવર્તી કે ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું-લક્ષણથી ઓળખવું કારણ કે આત્મા તે જ એક લક્ષણથી લક્ષ્ય છે.’
જુઓ, શું કહે છે? કે તે ચૈતન્ય પ્રવર્તતું થકું જે જે પર્યાયને વ્યાપીને પ્રવર્તે છે તે તે સમસ્ત સહવર્તી પર્યાયો (-ગુણો) આત્મા છે -એમ લક્ષણથી ઓળખવું. જુઓ, અહીં ગુણને પર્યાય કહ્યું છે. દ્રવ્યમાં એટલો ભેદ પડયો ને? માટે ગુણને પર્યાય કહ્યું છે. જ્ઞાનગુણની સાથે જે જે બીજા અનંત ગુણ સહવર્તી છે તેમાં ચૈતન્ય વ્યાપીને પ્રવર્તે છે માટે તે આત્મા છે એમ જાણવું.
વળી તે ચૈતન્ય નિવર્તતું થકું જે જે પર્યાયને ગ્રહણ કરીને નિવર્તે છે તે સમસ્ત ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ લક્ષિત કરવું - લક્ષણથી ઓળખવું. શું કીધું? કે ચૈતન્ય જે જે નવી નવી પર્યાયને ગ્રહણ કરીને પૂર્વની પર્યાયથી નિવર્તે છે તે સમસ્ત ક્રમવર્તી પર્યાયો આત્મા છે એમ જાણવું. સંક્ષેપમાં જે જે ગુણ પર્યાયોમાં ચૈતન્ય લક્ષણ વ્યાપે છે તે તે સમસ્ત ગુણ-પર્યાયો આત્મા છે એમ જાણવું (આમાં નિર્મળ પર્યાયો લેવી.)