Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2970 of 4199

 

૪૯૦ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ જાણે છે. રાગ છે માટે જાણે છે એમ નહિ, પોતાના સહજ સામર્થ્ય વડે જ જ્ઞાન રાગને જાણે છે. સ્વને ને પરને-રાગને જાણવું એ જ્ઞાનનું સહજ સામર્થ્ય છે.

એક વાર ચર્ચા થયેલી તેમાં સામેવાળા કહે કે-લોકાલોક છે તો કેવળજ્ઞાન તેને જાણે છે. ત્યારે કહ્યું-ભાઈ! એમ નથી. કેવળજ્ઞાનની પર્યાય પોતાથી જ છે. તે પર્યાય સહજ પોતાના સામર્થ્યથી પ્રગટ થઈ છે; લોકાલોકની સત્તા છે માટે જાણવાની (કેવળજ્ઞાનની) પર્યાય ઉત્પન્ન થઈ છે એમ નથી. (લોકાલોક તો અનાદિથી છે, ને કેવળજ્ઞાન સ્વાશ્રયે નવું પ્રગટે છે).

અહાહા....! નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા છે. અહીં કહે છે-એમાં જા ને પ્રભુ! ત્યાં તને ગોઠશે, ત્યાં તને રુચશે; કેમકે તે એકલો આનંદથી ભરેલો છે.

પણ આ બધાથી (કુંટુંબ આદિથી) નિવૃત્તિ થાય ત્યારે ને? ભાઈ! એ બધાથી તો નિવૃત્ત જ છો; કેમકે એ બધાં કયાં તારામાં છે. સાચી નિવૃત્તિ તો તું રાગની ભાવનાથી નિવૃત્ત થાય ત્યારે થાય. અરે! દિગંબર દ્રવ્યલિંગી મુનિ થઈને બહારથી તો તેં અનંતવાર નિવૃત્તિ લીધી, પણ રાગબુદ્ધિ, અંશબુદ્ધિ મટી નહિ ને દ્રવ્યદ્રષ્ટિ કરી નહિ. તેથી તું અપરાધી જ રહ્યો. ભાઈ! દ્રવ્યદ્રષ્ટિ કરી શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન થઈ રહેવું-એ એક જ સુખનો ઉપાય છે. બાકી તો બધું થોથાં છે. સમજાણું કાંઈ...?

અહીં કહે છે-ધર્મી નિઃશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન થાય છે. તેને બંધની શંકા થતી નથી. ક્યાંથી થાય? સ્વરૂપમાં લીન થઈ રહે તેને બંધની શંકા કેવી? અહા! ‘શુદ્ધ આત્મા જ હું છું’ -એવા નિશ્ચયપૂર્વક વર્તતો તે દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપના એકભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે. જુઓ, નિશ્ચય આરાધના એકભાવરૂપ એટલે વીતરાગભાવરૂપ-આનંદભાવરૂપ-ચૈતન્યભાવરૂપ છે. આત્માનાં દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ બધા વીતરાગભાવરૂપ એકભાવરૂપ છે. અહા! શુદ્ધ ચૈતન્યમાં લીન થઈ પ્રતપવું તે તપ છે; અને તે જ ઉપવાસ. ‘ઉપવસતિ ઈતિ ઉપવાસઃ’ આત્માની સમીપ વસવું તે ઉપવાસ છે. લ્યો, આ સિવાય બાકી બધા અપવાસ એટલે માઠા વાસ છે. સમજાણું કાંઈ...?

આ પ્રમાણે જેને નિર્મળ રત્નત્રય પ્રગટ થયાં છે તે ધર્મી જીવ એકભાવરૂપ નિશ્ચય આરાધનાનો આરાધક જ છે.

હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ-

* કળશ ૧૮૭ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન *

‘सापराधः’ સાપરાધ આત્મા ‘अनवरतम्’ નિરંતર ‘अनन्तैः’ અનંત પુદ્ગલ પરમાણુરૂપ કર્મોથી ‘बध्यते’ બંધાય છે; ‘निरपराधः’ નિરપરાધ આત્મા ‘बन्धनम्’ બંધનને ‘जातु’ કદાપિ ‘स्पृशति न एव’ સ્પર્શતો નથી જ.