Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2972 of 4199

 

૪૯૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૮ પ્રતિક્રમણ આદિનો શુભરાગ આવે છે તેને વ્યવહારથી અમૃતકુંભ કહેવામાં આવેલ છે. શું કીધું? જેને અંદર શુદ્ધોપયોગરૂપ અમૃતનો સ્વાદ આવ્યો છે એવા જીવના શુભરાગને વ્યવહારથી અમૃતકુંભ કહ્યો છે. આ ઉપચાર છે. અજ્ઞાનીના શુભરાગમાં એ ઉપચાર પણ સંભવિત નથી.

જુઓ, શુભરાગ કાંઈ ખરેખર અમૃત છે એમ નથી; ખરેખર તો એ ઝેર જ છે. પરંતુ અમૃતસ્વરૂપ-આનંદસ્વરૂપ આત્માના સ્વાદિયા જીવને, પર્યાયમાં શુદ્ધ આત્માની પરિપૂર્ણ પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આવા શુભભાવ આવે છે અને શાસ્ત્રોમાં તેને ઉપચારથી અમૃત કહેવામાં આવેલ છે. હવે અહીં વ્યવહારનયાવલંબી વ્યવહારને અવલંબીને તર્ક કરે છે કેઃ-

‘શુદ્ધ આત્માની ઉપાસનાનો પ્રયાસ કરવાનું શું કામ છે?’ એમ કે પ્રથમથી જ શુદ્ધ આત્માની સેવા કરવી, તેના શ્રદ્ધાન-જ્ઞાન કરી તેમાં જ ઠરવું-એ ક્રિયાઓથી શું કામ છે? તેનું કારણ કહે છે-

‘કારણ કે પ્રતિક્રમણ આદિથી જ આત્મા નિરપરાધ થાય છે; કેમકે સાપરાધને જે અપ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં નહિ હોવાથી, વિષકુંભ છે, માટે જે પ્રતિક્રમણ આદિ છે તે, અપરાધને દૂર કરનારાં હોવાથી અમૃતકુંભ છે.’

જુઓ, વ્યવહારનયાવલંબી શું દલીલ કરે છે? કે અજ્ઞાનીને જે અપ્રતિક્રમણાદિ અશુભભાવ છે તે વિષકુંભ-ઝેરનો ઘડો જ છે, કેમકે તે અપરાધને દૂર કરનારા નથી; પરંતુ જે શુભરાગરૂપ પ્રતિક્રમણાદિ છે તે અમૃતકુંભ છે કેમકે તે અપરાધને દૂર કરનાર છે. શુભભાવની ક્રિયાથી અપ્રતિક્રમણાદિ જે અશુભભાવ-પાપભાવ તેનો નિરોધ થાય છે એમ કહે છે. અહા! શુભરાગ વડે અપ્રતિક્રમણાદિ અશુભભાવથી-પાપથી પાછા ફરવું તે અમૃત છે એમ શાસ્ત્રમાં કહ્યું છે એમ કહે છે. આમ જો શુભભાવથી આત્મા નિરપરાધ થાય છે તો શુદ્ધાત્મસેવનાથી શું કામ છે? -એમ તે દલીલ કરે છે. એની દલીલ સમજાય છે ને!

વાત એમ છે કે-હું જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ આત્મા છું, અને આ દયા, દાન આદિના વિકલ્પો જે ઉઠે છે તે ઝેર છે એમ જેને અંતરંગમાં સ્વાનુભવમંડિત શ્રદ્ધા પ્રગટ થઈ છે એવા ધર્મીના શુભને વ્યવહારથી આરોપ દઈને શાસ્ત્રમાં અમૃત કહ્યું છે. જેને નિશ્ચય નિર્વિકલ્પ અમૃતનો સ્વાદ છે તેના રાગને વ્યવહારથી અમૃત કહ્યું છે એ વાતને આગળ કરીને વ્યવહારાવલંબી (અજ્ઞાની) કહે છે-જુઓ! અહીં શુભરાગને અમૃત કહ્યું છે કે નહિ? એના સમર્થનમાં તે વ્યવહારને કહેનારા આચારસૂત્રમાંથી ગાથાઓ કહે છે કે-