૪૦] [પ્રવચન રત્નાકર ભાગ-૯ પ્રભુ આત્મા છો. પણ અરે! સર્વ લોકાલોકને જાણવાના સ્વભાવવાળો પોતે પોતાના અપરાધથી ઢંકાયેલો માલુમ પડે છે.
સમયસાર ગાથા ૧૬૦ ની ટીકામાં કહ્યું છે કે-“ જે પોતે જ જ્ઞાન હોવાને લીધે વિશ્વને (-સર્વ પદાર્થોને) સામાન્ય-વિશેષપણે જાણવાના સ્વભાવવાળું છે એવું જ્ઞાન અર્થાત્ આત્મદ્રવ્ય, અનાદિ કાળથી પોતાના પુરુષાર્થના અપરાધથી પ્રવર્તતા એવા કર્મમળ વડે લેપાયું-વ્યાપ્ત થયું-હોવાથી જ, બંધ-અવસ્થામાં સર્વ પ્રકારે સંપૂર્ણ એવા પોતાને અર્થાત્ સર્વ પ્રકારે સર્વ જ્ઞેયોને જાણનારા એવા પોતાને નહિ જાણતું થકું, આ પ્રમાણે પ્રત્યક્ષ અજ્ઞાનભાવે (-અજ્ઞાનદશામાં) વર્તે છે; તેથી એ નક્કી થયું કે કર્મ પોતે જ બંધસ્વરૂપ છે. માટે, પોતે બંધસ્વરૂપ હોવાથી કર્મને નિષેધવામાં આવ્યું છે.”
અરે ભાઈ! જૈનદર્શનની આવી અલૌકિક વાત તને સાંભળવા મળી તો એક વાર સાંભળ! નાથ! તારી ચીજ અંદર કેવી છે તે એકવાર સાંભળ! કહે છે-ભગવાન આત્મા અંદર નિજરસથી સ્ફુરાયમાન ચૈતન્યજ્યોતિના વિસ્તારથી આખા લોકાલોકને જાણે એવો એનો સ્વભાવ છે. અહાહા...! બસ જાણે એવો એનો સ્વભાવ છે, પણ લોકની કોઈ ચીજનું-રાગ, રજકણ કે શરીરાદિનું કાંઈ કરે એવો એનો સ્વભાવ નથી. આ પ્રમાણે જીવ પરદ્રવ્યનો અને પર ભાવોનો અકર્તા સિદ્ધ થાય છે. હવે કહે છે-
‘तथापि’ તોપણ ‘अस्य’ તેને ‘इह’ આ જગતમાં ‘प्रकृतिभिः’ કર્મપ્રકૃતિઓ સાથે ‘यद् असौ बन्धः किल स्यात्’ જે આ (પ્રગટ) બંધ થાય છે. ‘सः खलु अज्ञानस्य कः अपि गहनः महिमा स्फुरति’ તે ખરેખર અજ્ઞાનનો કોઈ ગહન મહિમા સ્ફુરાયમાન છે.
જુઓ, મહાવિદેહમાં શ્રી સીમંધર ભગવાન અરિહંતપદે વિરાજમાન છે. પાંચસો ધનુષ્યનું દેહમાન છે; એક કરોડ પૂર્વનું આયુષ્ય છે. બે હજાર વર્ષ પહેલાં સંવત ૪૯ માં આચાર્ય શ્રી કુંદકુંદ પ્રભુ ત્યાં સમોસરણમાં પધાર્યા હતા. ત્યાંથી આ સંદેશ લાવ્યા છે કે- ભગવાન આત્માનો તો સર્વને (સ્વ-પરને) જાણવાનો સર્વજ્ઞસ્વભાવ છે; તથાપિ કર્મપ્રકૃતિ અને રાગના સંબંધથી એને જે આ બંધ થાય છે તે ખરેખર કોઈ અજ્ઞાનનો મહિમા છે.
શું કીધું? પોતે સ્વ અને પરને સંપૂર્ણપણે જાણે એવા સર્વજ્ઞ સ્વભાવથી-એક જ્ઞાતા-દ્રષ્ટાસ્વભાવથી ત્રિકાળ ભરેલો ભગવાન છે; પરંતુ આવા નિજ સ્વભાવના ભાન વિના અનંતકાળથી એ દયા, દાન, વ્રતાદિના રાગને પોતાની ચીજ માને, એ લાભદાયી છે એમ માને, એ પોતાનું કર્તવ્ય છે એમ માને એ અજ્ઞાનભાવ છે. આવો જે અજ્ઞાનભાવ એનાથી બંધ થાય છે. જ્ઞાનભાવ અબંધ છે, અને અજ્ઞાનભાવથી બંધ છે-બસ આ વાત અહીં સિદ્ધ કરવી છે.