સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૦પ અહીં રહ્યા નહિ, ત્રણ જ્ઞાન અને ચાર જ્ઞાનની દશાવાળા પણ રહ્યા નહિ! અહા! આ સત્યનો હકાર કોની પાસે કરાવવો? તું માને, ન માને; પણ માર્ગ તો આ જ છે ભાઈ!
અહાહા..! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન સચ્ચિદાનંદ પ્રભુ પરમભાવસ્વરૂપ છે. તે વર્તમાન નિર્મળ નિર્વિકાર વીતરાગી જ્ઞાનપર્યાયથી જણાવા યોગ્ય છે. અહાહા...! આવો આત્મા જેને દ્રષ્ટિમાં આવ્યો, અનુભવમાં આવ્યો તે, કહે છે, વ્યવહારના રાગનો કર્તા નથી, ભોક્તાય નથી, આવું વસ્તુનું સ્વરૂપ છે. રાગની વૃત્તિ ઊઠે તેનો કર્તા-ભોક્તા તો નથી પણ બંધ-મોક્ષનાં કારણ અને પરિણામથીય આત્મા શૂન્ય છે.
અહાહા...! ભગવાન! તું કોણ છો? કે પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પરમભાવસ્વરૂપ પરમાત્મા છો. અહાહા...! ત્રિકાળી ચૈતન્યનું બિંબ એકલું ચૈતન્યનું દળ છો ને પ્રભુ! તું! અહાહા...! તેને જાણનાર શુદ્ધ-ઉપાદાનભૂત શુદ્ધદ્રવ્યાર્થિકનય વડે જોતાં કહે છે, તે બંધ અને બંધના કારણથી તથા મોક્ષ અને મોક્ષના કારણથી રહિત છે. અહાહા...! સમ્યગ્દર્શનનું ધ્યેય જે ત્રિકાળી શુદ્ધ આત્મા તે સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામથી રહિત છે, ઝીણી વાત છે પ્રભુ! બંધના કારણથી તો રહિત પણ મોક્ષના કારણથીય ભગવાન આત્મા રહિત છે. આવી વાત!
ભાઈ! આ તો મૂળ મુદની રકમની વાત છે. ત્રિકાળી ધ્યેયસ્વરૂપ પૂરણ શુદ્ધ ચિન્માત્ર વસ્તુ ભગવાન આત્મા બંધ-પરિણામ અને બંધનાં કારણ જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ તેને કરતો નથી. વળી તે મોક્ષના પરિણામ જે કેવળજ્ઞાન, કેવળદર્શન, અનંત આનંદ, અનંત વીર્ય આદિ-તેને કરતો નથી તથા મોક્ષનું કારણ જે નિર્મળ રત્નત્રય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-તેને કરતો નથી. કેમ? કેમકે ભગવાન આત્મા ત્રિકાળી એકરૂપ ધ્રુવ વસ્તુ છે અને બંધ-મોક્ષ આદિ એક સમયની પર્યાય-અવસ્થા છે, ભાઈ! આવો માર્ગ છે; સર્વજ્ઞથી સિદ્ધ થયેલો હોં. આ કહ્યું ને કે- શુદ્ધદ્રવ્યાર્થિકનયે આત્મા બંધ-મોક્ષનાં કારણ અને બંધ-મોક્ષના પરિણામથી શૂન્ય છે. ભાઈ! મોક્ષ છે તે પરિણામ છે, પર્યાય છે; તેને એકરૂપ ધ્રુવદ્રવ્ય કાંઈ કરે નહિ. સમજાણું કાંઈ...?
ભાઈ! જિનેશ્વરદેવ ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્માને સર્વજ્ઞદશા પ્રગટી હોય છે, તેમાં ભગવાનને ત્રણકાળ-ત્રણલોક જણાય છે. ભગવાનને તેની ઇચ્છા ન હોય હોં. તેમને બારમે ગુણસ્થાને પૂર્ણ વીતરાગતા પ્રગટ થાય છે અને ત્યાર પછી તેરમે ગુણસ્થાને કેવળજ્ઞાન પ્રગટે છે. અહા! આવી જે કેવળજ્ઞાનની પર્યાય પ્રગટી તેને, અહીં કહે છે, ધ્રુવદ્રવ્ય જે છે તે કરતું નથી. સમ્યગ્દર્શનનો વિષય જે ધ્રુવ ત્રિકાળી ચૈતન્યદ્રવ્ય છે, તે બંધ-મોક્ષના પરિણામ અને બંધ-મોક્ષના કારણોને કરતું નથી.