સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૦૯ કે દિ’ સાંભળવા મળે? બિચારાને નવરાશ મળે ત્યારે ને? અહીં કહે છે-સાંભળને પ્રભુ! આ તારું ચૈતન્યદળ છે એમાં સંખ્યાએ અનંતી શક્તિઓ છે. એવી અનંત શક્તિનું એકરૂપ તે દ્રવ્ય છે. તેને જાણનારો શુદ્ધ દ્રવ્યાર્થિકનય છે. તો શુદ્ધદ્રવ્યાર્થિકનયે, કહે છે, ધ્રુવ દ્રવ્ય છે તે મોક્ષમાર્ગ ને મોક્ષની પર્યાયને કરતું નથી. ગજબની વાત કરી છે, સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારની સમુદાયપાતનિકામાં આ વાત પહેલાં કહેવાઈ ગઈ છે.
હવે કહે છે- ‘પછી ચાર ગાથા દ્વારા જીવનું અકર્તૃત્વગુણના વ્યાખ્યાનની મુખ્યતાથી સામાન્ય વિવરણ કરવામાં આવ્યું. ત્યાર પછી ચાર ગાથા દ્વારા “શુદ્ધને પણ જે પ્રકૃતિ સાથે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે” એમ અજ્ઞાનનું સામર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું.’
ભગવાન આત્મા શુદ્ધ આનંદકંદ પ્રભુ છે, તેને રાગનો બંધ થાય તે અજ્ઞાનનું માહાત્મ્ય છે. શું કીધું? પોતાના સ્વરૂપનું ભાન નથી એવું જે અજ્ઞાન તે બંધનું કારણ છે. ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ સદા અબંધસ્વરૂપ છે, તે રાગને સ્પર્શતો નથી. તથાપિ પ્રકૃતિ સાથે તેને જે બંધ થાય છે તે અજ્ઞાનનું માહાત્મ્ય છે.
ભાઈ! તારી પર્યાયમાં તારી ભૂલથી તને બંધન છે. ભૂલ શું? કે પોતે પોતાને જાણ્યો નહિ, પોતાના સ્વસ્વરૂપને જાણ્યું નહિ તે ભૂલ છે અને તેથી બંધન છે. બંધન છે ત્યારે તો એનાથી છૂટવારૂપ મોક્ષમાર્ગનો ઉપદેશ આપીએ છીએ. જો બંધન હોય જ નહિ તો ‘મોક્ષ કાજે શુદ્ધાત્માને ધ્યાઓ’ એમ ઉપદેશ કેમ દઈએ? પર્યાયમાં બંધન છે, અને એનાથી છૂટવાનો ઉપાય પણ છે. -પણ તેટલો જ આખો આત્મા નથી. તે પર્યાયો વખતે જ આખો પરમભાવસ્વરૂપ પરમ પવિત્રતાનો પિંડ પ્રભુ આત્મા અનંતશક્તિઓથી પરિપૂર્ણ અંદર વિરાજી રહ્યો છે, -જેનું લક્ષ કરતાં બંધન ટળે છે ને મોક્ષ પ્રગટે છે. અહા! આવો પવિત્રસ્વરૂપ પ્રભુ આત્મા છે, એનું જ્ઞાન નથી એવા અજ્ઞાનનો એ મહિમા છે કે એને પર્યાયમાં બંધ છે.
અરે! લોકો તો બાહ્ય ક્રિયામાં ધર્મ માને છે. દયા પાળવી, સામાયિક કરવી, પોસા કરવા, ચોવિહાર કરવા, કંદમૂળ ન ખાવાં ઇત્યાદિ મંદરાગની ક્રિયામાં ધર્મ માને છે. પણ ભાઈ! એમાં ધૂળેય ધર્મ નથી. ક્રિયાનો રાગ છે એ તો કલેશ છે, દુઃખ છે અને તેને ધર્મ જાણવો એ સ્વરૂપનું અજ્ઞાન છે. અહા! શુદ્ધને જડકર્મની પ્રકૃતિ સાથે જે બંધ છે તે આ અજ્ઞાનનું માહાત્મ્ય છે. અહા! મારગ તો એક વીતરાગભાવસ્વરૂપ છે ને દુનિયા ક્યાંય (-રાગમાં) માની બેઠી છે એ અજ્ઞાનનું માહાત્મ્ય છે. એમ (ચાર ગાથાઓમાં) અજ્ઞાનનું સામાર્થ્ય કહેવારૂપે વિશેષ વિવરણ કરવામાં આવ્યું.