સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૨૧ કહ્યું છે, તમે કેમ ના પાડો છો? તમે એકાંતે હઠ કરો છો. બાપુ! આમ આ વાતનો નિવેડો આમ આવે એમ નથી. વીતરાગભાવે ધીરજથી પોતે સમજવા માગે તો નિવેડો આવે, પણ તમે ખોટા અને અમે સાચા છીએ એમ સિદ્ધ કરવા માટે વાતચીત કરવાથી વિવાદ થાય અને વિવાદથી પાર પડે (સમજમાં આવે) એવી આ ચીજ નથી. અરે ભગવાન! અંદર તારું સત્ એવું છે કે એનો કાળ પાક્યો હોય અને પુરુષાર્થ કરી તું સ્વભાવનું ભાન કરે તો સહેજે આ સમજાય એવી ચીજ છે; વાદવિવાદથી કોઈને સમજાવી શકાય એવી ચીજ નથી.
સમાધિશતકમાં આવે છે કે-અરે! હું કોને સમજાવું? હું જેને સમજાવવા માગું છું એ સમજનારો આત્મા છે એ તો (આંખથી) મને દેખાતો નથી; અને આ જે દેખાય છે એ તો જડ (શરીર) છે; તેને હું શું સમજાવું? માટે હું સમજાવું એવો જે મારો વિકલ્પ છે તે પાગલપણું છે, ચારિત્રદોષ છે. અહા! આવો મારગ! બાપુ! આ તો દિગંબર સંતોની વાણી! ભારે કુશાગ્ર; તેમાં આ કહે છે-વાણીથી તને જ્ઞાન થાય એવો ભગવાન! તું નથી. અહો! સંતોની આવી અલૌકિક ચમત્કારી વાતો છે.
અહીં કહે છે-જ્યારે કાળાદિલબ્ધિના વશે ભવ્યત્વશક્તિની વ્યક્તિ થાય છે ત્યારે આ જીવ સહજ શુદ્ધ પારિણામિકભાવલક્ષણ નિજ પરમાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન- અનુચરણરૂપ પર્યાયે પરિણમે છે. અહીં ‘કાળાદિલબ્ધિના વશે’ -એમ કહ્યું ત્યાં સ્વભાવવશે, પુરુષાર્થવશે એમ બધું સાથે લેવું. એકલા કાળની આ વાત નથી પણ પાંચે સમવાયની આમાં વાત છે. અહા! જ્યારે મોક્ષમાર્ગની પ્રાપ્તિનો કાળ આવે ત્યારે એની દ્રષ્ટિ સહજ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવ ઉપર જાય છે અને ત્યારે તેને અંદરમાં સમ્યક્દર્શન પ્રગટ થાય છે. આવી વાત છે.
અહાહા...! આત્મદ્રવ્ય સહજ એક શુદ્ધ પરમપારિણામિકભાવલક્ષણ સદા પરમાત્મસ્વરૂપ ચિન્માત્ર વસ્તુ છે. અહા! આવા નિજ પરમાત્મદ્રવ્યનાં સમ્યક્શ્રદ્ધાન- જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે જીવ પરિણમે એનું નામ ધર્મ અને એનું નામ મોક્ષનો માર્ગ છે. જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્રનું ભેદરૂપ શ્રદ્ધાન એ કાંઈ વાસ્તવિક શ્રદ્ધાન-સમકિત નથી; અને શાસ્ત્રનું જ્ઞાન તે કાંઈ વાસ્તવિક સમ્યગ્જ્ઞાન નથી, પણ પોતે સદાય અંદર શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ કારણ પરમાત્મા વિરાજી રહ્યો છે તેના સમ્યક્શ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે પરિણમવું તેનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે અને તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે.
એક પ્રશ્ન થયો હતો કે- તમે કારણપરમાત્મા-કારણપરમાત્મા કહ્યા કરો છો, તો કારણ હોય તો કાર્ય આવવું જોઈએ ને?