૧૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ માર્ગની પર્યાયપણે આત્મા ઉપજતો નથી. અરે! મોક્ષના માર્ગની પર્યાયના અભાવપણે (મોક્ષપણે) પણ તે ઉપજતો નથી. બાપુ! આ મારગડા જુદા છે નાથ!
અરેરે! એ હમણાં સ્વના ભાન વિના દુઃખી છે એવી એને ક્યાં ખબર છે? અરે! દુઃખ શું છે એનીય એને ક્યાં ખબર છે? શાસ્ત્રમાં દાખલો આવે છે કે વનમાં દાવાનળ લાગતાં પશુ-પંખીઓ બિચારાં ભસ્મ થઈ જાય છે, તે વખતે કોઈ મનુષ્ય વનની વચ્ચે આવેલા ઝાડ ઉપર ચઢીને બેસે છે અને ચોતરફ ભડકે બળતું વન જુએ છે તોપણ એમ માને છે કે હું સલામત છું; હું ક્યાં બળું છું? પણ ભાઈ! આ વન સળગ્યું છે તે હમણાં જ આ ઝાડ બાળશે અને તું પણ ક્ષણમાં જ બળીને ભસ્મ થઈ જઈશ. જેમ ઝાડ ઉપર બેઠેલો તે માણસ ‘હું સલામત છું’ એમ માને છે તે એની મૂઢતા છે કેમકે ક્ષણમાં જ અગ્નિ સળગતી સળગતી આવશે, ઝાડને પકડશે અને તેની જ્વાળામાં તે તત્કાલ ભરખાઈ જશે. તેમ આ ભવરૂપી વન કાલાગ્નિ વડે બળી રહેલું દેખવા છતાં ‘હું સલામત છું, સુખી છું’ એમ કોઈ માને છે તે એની મૂઢતા છે. અરે! બળી રહ્યો હોવા છતાં એને બળતરાની ખબર નથી!
અહા! મોક્ષમાર્ગની પર્યાય પણ નાશવંત છે. પ્રભુ! તારે કઈ ચીજને ટકાવી રાખવી છે? પોતે નિત્યાનંદ પ્રભુ ત્રિકાળી ટકતું તત્ત્વ છે. અહા! એમાં નજર નાખતો નથી ને અનિત્યને ટકાવવા માગે છે તે તારી મૂઢતા છે. દેહાદિ બાહ્ય વિનશ્વર ચીજને ટકાવી રાખવા તું મથે છે પણ એમાં તને નિષ્ફળતાનું દુઃખ જ પ્રાપ્ત થશે.
વઢવાણના એક ભાઈ કહેતા કે-મહારાજ! આ બધી ઉપાધિ કોણે કરી? અરે ભાઈ! શું આટલીય તને ખબર નથી? આ બધી ઉપાધિ તેં પોતે જ ઊભી કરી છે. તારા સ્વસ્વરૂપને ભૂલીને અનાદિથી રાગ અને વિકારની ઉપાધિ તેં સ્વયં વહોરી છે. નાથ! તને જ તું ભૂલી ગયો છો. અહા! પોતાના નિરુપાધિ શુદ્ધ ચૈતન્યતત્ત્વને ભૂલીને આ સઘળી ઉપાધિ તેં પોતે ઊભી કરી છે. તેં અનંતકાળમાં પુણ્ય-પાપના વિકલ્પો કર્યે જ કર્યા અને તેથી તને બંધ થયો અને તેના નિમિત્તે આ બધો સંગ થયો. ભાઈ! તે બધાને પોતાના માની તેં પોતે આ ઉપાધિ કરી છે.
જુઓ, ચમરી ગાયનું પૂંછડું ખૂબ સુંવાળું હોય છે. તેના વાળ ઝાડમાં ભરાઈ જતાં વાળના પ્રેમમાં ત્યાં તે ગાય ઊભી રહી જાય છે અને શિકારીના બાણથી વીંધાઈને મરણ પામે છે. તેમ અજ્ઞાની સંસારી પ્રાણી આ દુનિયાના પદાર્થોના પ્રેમમાં ત્યાં ઊભો રહી ગયો છે અને પોતે હણાઈ રહ્યો છે, લૂંટાઈ રહ્યો છે એનું એને ભાન નથી. નિયમસારમાં આવે છે કે-આ બાયડી-છોકરાં, કુટુંબ-કબીલા વગેરે પોતાની આજીવિકા માટે તને ધુતારાની ટોળી મળી છે; તારા મરણ સમયે તને કોઈ કામમાં આવે તેમ નથી, હમણાં પણ તેઓ કોઈ જ કામના નથી. બાપુ! તું એકલો વિલાપ