ગાથા ૧૭-૧૮] [ ૩૭ તો સંસારનો છેદ કેમ થાય એની વાત છે. અહો! આ સમયસાર અદ્વિતીય ચક્ષુ છે, અજોડ આંખ છે. ભરતક્ષેત્રની કેવળજ્ઞાનની આંખ છે. ભાગ્ય જગતનું કે આ સમયસાર રહી ગયું.
આ જાણનારો જણાય છે એવા આત્મજ્ઞાનના અભાવને લીધે આ જાણનારો જ્ઞાયક તે જ હું છું એવું શ્રદ્ધાન પણ ઉદ્રય થતું નથી. એને સમક્તિ થતું નથી. રાગમાં એકત્વબુદ્ધિને લીધે નહિ જાણેલા ભગવાન જ્ઞાયકસ્વરૂપ આત્માનું એને શ્રદ્ધાન-સમક્તિ થતું નથી. ત્યારે સમસ્ત અન્યભાવોના ભેદ વડે આત્મામાં નિઃશંક ઠરવામાં એને અસમર્થપણું છે. રાગથી ભિન્ન એવું આત્મજ્ઞાન અને શ્રદ્ધાન ન થયું તેથી જેમાં ઠરવું છે એ જણાયો નહિ. તેથી રાગથી ભિન્ન પડી ને આત્મામાં ઠરવાનું અસમર્થપણું હોવાથી એ રાગમાં ઠરશે. મિથ્યાદ્રષ્ટિ ગમે તેટલા શુભભાવરૂપ ક્રિયાકાંડ કરે, મુનિપણું ધારે અને વ્રત-નિયમ પાળે તોપણ એ રાગમાં ઠરશે. આત્મજ્ઞાન-શ્રદ્ધાન વિના એ બધી રાગની રમતોમાં રમે છે.
જુઓ, ત્રણેમાં (જ્ઞાન-શ્રદ્ધાન અને આચરણ) ઉદ્રય, ઉદ્રય, ઉદ્રય એમ કહ્યું છે. આત્મજ્ઞાન ઉદ્રય થતું નથી તેથી તેનું શ્રદ્ધાન પણ ઉદ્રય થતું નથી. એટલે આત્માનું આચરણ ઉદ્રય નહિ થવાથી આત્માને સાધતું નથી. શ્રીમદ્માં (આત્મસિદ્ધિમાં) “ઉદ્રય થાય ચારિત્રનો” એ શબ્દો આવે છે. જેમકેઃ-
એ આ (આત્માના આચરણનો) ઉદ્રય. આ તો વ્રત કરો, સંયમ પાળો, ચારિત્ર પાળો તો તમને નિશ્ચય સમક્તિ થશે એવું કહેવાય છે. પણ અરેરે! રાગની એક્તામાં પડયો હોય તેથી પરિભ્રમણના ભાવ સેવે અને એનાથી અપરિભ્રમણની સમક્તિ દશા પ્રગટ થાય એમ શી રીતે બને? ન જ બને. ભાઈ આ તો મૂળમાં જ વાંધા છે. એનું સમાધાન થઈ શકે નહીં. એ લોકો એમ કહે છે થોડી છૂટ અમે મૂકીએ અને થોડી છૂટ તમે મૂકો. એમ કે થોડું નિમિત્તથી થાય, વ્યવહારથી થાય અને થોડું ઉપાદાનથી થાય એમ સમાધાન કરીએ. પણ ભાઈ! વીતરાગના માર્ગમાં એમ ન ચાલે. “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.” એમાં છૂટ મૂકવાનો કયાં અવકાશ છે? ભાઈ! સંતો શું કહે છે એની તને ખબર નથી. દયા, દાન આદિ રાગનો એક કણિયો પણ આત્માને લાભ કરે એમ ત્રણકાળમાં બને નહીં. તથા નિમિત્ત ઉપાદાનના કાર્યકાળે હાજર હોય પણ નિમિત્ત (ઉપાદાનનું) કાર્ય કરે છે એમ ત્રણકાળમાં નથી. તો કહે છે-બે કારણ આવે છે ને? ભાઈ! બે કારણમાં એક (નિમિત્ત) તો ઔપચારિક-આરોપિત કારણ કહ્યું છે. (તે અનેક પ્રકારે હોય છે) અને યથાર્થ કારણ એક (ઉપાદાન) જ છે.