સમયસાર ગાથા ૩૨૦ ] [ ૧૭૧ વ્યક્તિરૂપ છે, પણ સાધકને તો તે મોક્ષમાર્ગના કાળમાં અંશે વ્યક્તિરૂપ છે, જ્ઞાન પણ એકદેશવ્યક્તિરૂપ છે. આવી વાત! હવે જૈનમાં જન્મેલાનેય ખબર ન મળે કે જૈન પરમેશ્વર કોણ અને એના જ્ઞાનની કેવી અલૌકિકતા છે! બાપુ! આ સમજ્યા વિના જ તું અનંતકાળથી રખડી-રખડીને મરી રહ્યો છે. ભાઈ! ૮૪ લાખ યોનિમાં-પ્રત્યેકમાં અનંતવાર જન્મમરણ કરીને તારા સોથા નીકળી ગયા છે. હવે તો આ સમજ.
અરે! આ સમજ્યા વિના આ કરોડપતિ ને અબજોપતિ શેઠીઆ બધા દુઃખી જ છે ભાઈ! દિલ્હીના શેઠ સાહુ શાન્તિપ્રસાદ અહીં પંદર દિ’ પહેલાં આવ્યા હતાં. ત્રણ વ્યાખ્યાન તેઓ સાંભળી ગયા. તેઓ પછી એકાંતમાં મળવા આવેલા. ત્યારે કહેલું કે-“ અરે શેઠ! દુનિયાના પાપના ધંધામાં પડી આ આત્મા શું ચીજ છે તે સાંભળવાનોય તમને વખત ન મળે એવું તમારું જીવન કેટલું દુઃખમય છે? કાંઈ વિચાર તો કરો.” બાપુ! આ સમજ્યા વિના સંસારના ગમે તે સ્થાનમાં એ રહે તોય દુઃખી જ છે.
પાંચ-પચાસ કરોડ મળી જાય એ તો બધી ધૂળ છે. એ ક્યાં તારા આત્મામાં છે? કદાચિત્ એમાંથી પાંચ-પચીસ લાખ મંદિર, પ્રતિષ્ઠા વગેરેમાં દાનમાં ખર્ચે તોય ધર્મ થાય એમ નથી. જુઓ, ભાવનગરથી સત્-સાહિત્ય બહાર પડે છે. તેના પ્રકાશન માટે એક મુમુક્ષુએ લાખ રૂપિયાનું દાન જાહેર કર્યું છે. લાખ તો શું, કોઈ કરોડ રૂપિયાનું દાન આપે તોય એમાં મંદ રાગ હોય તો પુણ્ય થાય, ધર્મ જરાય નહિ. ભાઈ! વીતરાગનો ધર્મ તો વીતરાગભાવથી જ પ્રગટ થાય છે. (રાગથી ધર્મ થવાનું માને એ તો મિથ્યાભાવ છે).
અહીં કહે છે-આ ભાવના નિર્વિકાર સ્વસંવેદનલક્ષણ ક્ષાયોપશમિકજ્ઞાનરૂપ હોવાથી જો કે એકદેશવ્યક્તિરૂપ છે તોપણ ધ્યાતા પુરુષ એમ ભાવે છે કે ‘જે સકલ નિરાવરણ અખંડ-એક-પ્રત્યક્ષપ્રતિભાસમય-અવિનશ્વર-શુદ્ધ પારિણામિકપરમભાવલક્ષણ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું,’ પરંતુ એમ ભાવતો નથી કે ‘ખંડજ્ઞાનરૂપ હું છું’ .
અહા! ધર્મી જીવને આનંદની અનુભૂતિ સહિતનું સ્વસંવેદનજ્ઞાન પ્રગટ થયું છે. તે જ્ઞાન એકદેશવ્યક્તિરૂપ છે. તેમાં પૂરણ પોતાનું પરમાત્મદ્રવ્ય જણાયું છે, પણ તે ખંડજ્ઞાનરૂપ પ્રગટ દશાનું ધ્યાન જ્ઞાની કરતા નથી. લોકોને આવું આકરું લાગે પણ શું થાય? જૈન પરમેશ્વરનો કહેલો માર્ગ તો આવો જ છે. બીજા મતમાં તો આ વાત છે જ નહિ. એકપદમાં આવે છે કે-
‘ધૂન રે દુનિયા અપની ધૂન, જાકી ધૂનમેં નહિ પાપ ઔર પુણ્ય.’ અહા! ભગવાન આત્માની જેને ધૂન લાગી છે તેને પુણ્ય-પાપ તરફનું લક્ષ હોતું નથી. આત્માની ધૂનમાં પાપ-પુણ્યના ભાવ બીલકુલ હોતા નથી. હે ભાઈ!