સમયસાર ગાથા ૩૨૪ થી ૩૨૭ ] [ ૨૦૯ ચેતન જ પોતે થાય છે, ‘अन्यः न’ અન્ય કોઈ નહિ.
લ્યો, આ પ્રમાણે ભાવકર્મનો-શુભાશુભ રાગનો કર્તા અજ્ઞાનદશામાં ચેતન જ પોતે થાય છે, કોઈ જડકર્મ વા અન્ય કોઈ નિમિત્ત એનું કર્તા છે એમ છે જ નહિ.
‘વસ્તુના સ્વરૂપના નિયમને નહિ જાણતો હોવાથી પરદ્રવ્યનો કર્તા થતો અજ્ઞાની (-મિથ્યાદ્રષ્ટિ) જીવ પોતે જ અજ્ઞાનભાવે પરિણમે છે; એ રીતે પોતાના ભાવકર્મનો કર્તા અજ્ઞાની પોતે જ છે; અન્ય નથી.’
અજ્ઞાની વસ્તુના સ્વરૂપના નિયમને જાણતો નથી. એટલે શું? એટલે કે- ૧. હું ચિન્માત્ર વસ્તુ અકર્તાસ્વભાવી આત્મા છું, રાગનું કર્તાપણું મને નથી, એક વાત; અને
૨. પર્યાયમાં જે વિકારના પરિણામ થાય છે તે પોતાથી થાય છે, પરદ્રવ્યથી થતા નથી. વિકારનું કર્તાપણું પરદ્રવ્યને નથી. આમ અજ્ઞાની જીવ વસ્તુના સ્વરૂપના નિયમને જાણતો નથી. તેથી તે પોતાના શુદ્ધચૈતન્યસ્વભાવને ભૂલીને રાગ-દ્વેષ-મોહાદિભાવે પરિણમે છે, રાગ-દ્વેષ-મોહને જ કરે છે.
સંવત’૭૧ ની સાલમાં એકવાર લાઠીમાં આ વાત જાહેરસભામાં મૂકી હતી કે વિકારના ભાવ જે થાય છે તે પોતાથી થાય છે અને પોતાના અંર્ત-પુરુષાર્થથી તે ટળે છે; એમાં કોઈ પરકારકોની-પરદ્રવ્યની અપેક્ષા છે જ નહિ. હવે આવી વાત સાંભળીને લોકોમાં ખળભળાટ મચી ગયો. કર્મથી વિકાર થાય એમ માનનારા બધા ખળભળી ગયા. પણ બાપુ! જીવને રાગ-દ્વેષ-મોહાદિ જે વિકારી ભાવ થાય છે તે, તે સમયે એની જન્મક્ષણ છે, તે (-વિકારી) પર્યાય થવાનો તે સ્વકાળ છે અને તેથી પર કારકોની અપેક્ષા વિના જ તે પોતાથી સ્વતંત્રપણે પ્રગટ થાય છે.
અહાહા...! અનંત ગુણ-શક્તિઓનો પિંડ પ્રભુ આત્મા છે. પણ તેમાં રાગને- વિકારને કરે એવી કોઈ શક્તિ નથી. ભાઈ! વસ્તુનો સહજ સ્વભાવ જ આવો છે કે તે રાગને કરે નહિ. તથાપિ પર્યાયમાં વિકાર થાય છે તે પોતાના ષટ્કારકના પરિણમનથી ઉત્પન્ન થયેલી દશા છે, તેને કોઈ પરકારકોની અપેક્ષા નથી. આવો વસ્તુના સ્વભાવનો નિયમ છે.
શું કીધું? નિર્મળ નિર્વિકારી દશા હો કે મલિન વિકારી દશા હો, તે પોતાના ષટ્કારકના પરિણમનથી ઉત્પન્ન થયેલી દશા છે; નિર્મળ નિજ દ્રવ્ય-ગુણની પણ તેને અપેક્ષા નથી અને પરકારકોની પણ તેને અપેક્ષા નથી.