Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 323 of 4199

 

૪૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ વિકલ્પથી હઠી નિર્વિકલ્પ આનંદની પરિણતિને અમે સેવીએ છીએ. આ અનુભૂતિ- નિર્વિકલ્પ આનંદની અનુભૂતિ એ ધર્મ છે, સાક્ષાત્ ધર્મ છે. પણ દયા, દાન, પૂજા આદિ પરંપરા (ધર્મ) છે એમ નથી. પરંપરા ધર્મ કહ્યો છે ને? કહ્યો છે, પણ એ કોને લાગુ પડે? જેને રાગમાં ધર્મ છે એવી માન્યતા ટળી ગઈ છે અને આત્માનો આનંદ છે એ ધર્મ છે એવી દ્રષ્ટિ થઈ છે એને શુભભાવ પરંપરા ધર્મ છે એમ લાગુ પડે છે; કેમ કે એણે અશુભ ટાળ્‌યું છે અને આત્માની દ્રષ્ટિ વડે એ શુભ ટાળશે. પણ હજી જે શુભભાવમાં ધર્મ માને એને તો પરંપરા લાગુ પડતી નથી, કેમ કે એ તો મિથ્યાદ્રષ્ટિ છે. માર્ગ જુદા છે, બાપા! બહારના બધા ડહાપણમાં ગુંચાઈને મરી જાય પણ અરેરે! બિચારાને આ અંતરના ડહાપણની ખબર નથી. આચાર્યદેવે એ જ કહ્યું છે કે અમે નિરંતર આત્મજ્યોતિનો અનુભવ કરીએ છીએ કેમ કે એ અનુભવ વિના સાધ્ય આત્માની સિદ્ધિ નથી.

હવે કહે છે કે-‘આમ કહેવાથી એવો પણ આશય જાણવો કે જે સમ્યગ્દ્રષ્ટિ પુરુષ છે તે, જેવો અમે અનુભવ કરીએ છીએ તેવો અનુભવ કરે. સમ્યગ્દ્રષ્ટિને અતીંદ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો છે અને પ્રતીતિ થઈ છે. તને કહે છે કે- બાપુ! તારે સાધ્ય જે સિદ્ધદશા તેની પ્રાપ્તિ કરવી હોય તો અનુભૂતિથી થશે. ધવલમાં આવે છે કે निरपेक्षनयाः मिथ्याः એક નય, બીજાની અપેક્ષા વિના મિથ્યા છે. એનો અર્થ એ કે રાગાદિભાવ જે છે એ વ્યવહારનય છે. એને એ જાણે છે અને એની ઉપેક્ષા કરીને સ્વની અપેક્ષામાં આવી જાય છે. ભાઈ! આ કાંઈ વાદવિવાદથી પાર પડે એવું નથી. બનારસીદાસ તો કહે છે કે “સદ્ગુરુ કહે સહજકા ધંધા, વાદવિવાદ કરે સો અંધા” આ તો સહજનો ધંધો છે. વસ્તુ સહજાનંદ સહજ સ્વભાવ છે. આત્મસિદ્ધિમાં આવે છે કેઃ-

“પાંચે ઉત્તરથી થઈ, આત્મા વિષે પ્રતીત,
થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત.”

આત્મા સહજ પ્રતીતિરૂપ સ્વભાવિક વસ્તુ અંદર છે. તેનાં દર્શન-જ્ઞાન-ચારિત્ર સહજપણે થાય છે-એમાં હઠ ન હોય. આવું સહજપણું જે સમ્યગ્દ્રષ્ટિને શ્રદ્ધા-જ્ઞાનમાં આવ્યું છે તેણે આવો અનુભવ કરવો એ જ મોક્ષનો માર્ગ છે. આત્માના સાધ્યની સિદ્ધિ અનુભવથી થાય છે-કહ્યું છે ને કેઃ-(સમયસાર નાટકમાં).

“અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોખકૌ, અનુભવ મોખ સરૂપ”

આ ભાવાર્થ થયો.

* ગાથા ૧૭–૧૮ઃ ટીકા (આગળનો અંશ) ઉપરનું પ્રવચન *

“હવે, કોઈ તર્ક કરે કે આત્મા તો જ્ઞાન સાથે તાદાત્મ્યસ્વરૂપે છે, જુદો નથી,