સમયસાર ગાથા ૩૨૮ થી ૩૩૧ ] [ ૨૧૭ એક જીવને જ આવે છે, જડ પ્રકૃતિ કાંઈ વિકારનું ફળ ભોગવતી નથી. માટે જીવ અને પ્રકૃતિ બન્ને મળીને વિકાર કરે છે એ વાત બરાબર નથી. બન્ને ભાવકર્મના કર્તા હોય એમ હોઈ શકે નહિ; એમ છે નહિ.
‘વળી જીવ અને પ્રકૃતિ બન્ને મિથ્યાત્વાદિ ભાવકર્મના અકર્તા છે એમ પણ નથી; કારણ કે જો એ બન્ને અકર્તા હોય તો સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ આવે.’
જીવ પણ મિથ્યાત્વાદિ ભાવકર્મને કરતો નથી અને પ્રકૃતિ પણ તે વિકારી ભાવને કરતી નથી-એમ જો બન્ને અકર્તા હોય તો સ્વભાવથી જ પુદ્ગલદ્રવ્યને મિથ્યાત્વાદિ ભાવનો પ્રસંગ આવી પડે; અર્થાત્ મિથ્યાત્વાદિરૂપે પરિણમવું તે પુદ્ગલનો સ્વભાવ થઈ જાય. પણ એમ તો છે નહિ. માટે જીવ અને પ્રકૃતિ બન્ને વિકારી પરિણામના અકર્તા છે- એમ છે નહિ. તો કેમ છે? લ્યો, આ બધાનો નિષ્કર્ષ-સરવાળે હવે કહે છે કે-
‘માટે એમ સિદ્ધ થયું કે- જીવ કર્તા છે અને પોતાનું કર્મ કાર્ય છે.’ અર્થાત્ જીવ પોતાના મિથ્યાત્વાદિ ભાવકર્મનો કર્તા છે અને પોતાનું ભાવકર્મ પોતાનું કાર્ય છે.
હા, પણ પ્રકૃતિ નિમિત્ત તો છે ને?
એ તો સમયસાર ગાથા ૮૦, ૮૧, ૮૨ માં આવી ગયું કે- ‘જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે-એમ જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને જીવના પરિણામો સાથે કર્તાકર્મની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્ત-નૈમિત્તિકભાવનો નિષેધ નહિ હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય) છે.’
આમ પરસ્પર નિમિત્ત તો છે પણ એનો અર્થ શું? બન્નેના પરિણામ તો સમકાળે છે, બન્નેનો કાળ તો એક જ છે. માટે આંહી નિમિત્ત આવ્યું તો કાર્ય થયું એમ છે નહિ. અહીં જીવના વિકારી પરિણામ થાય તે કાળે ત્યાં પ્રકૃતિનું પરિણમન તેના પોતાના કારણે થાય છે અને તેમાં જીવપરિણામને નિમિત્ત કહેવામાં આવે છે. તેવી રીતે પુદ્ગલકર્મનો ઉદય છે તે કાળે જીવ સ્વયં પોતાના કારણે વિકારના ભાવે સ્વતંત્ર પરિણમે છે અને તેમાં કર્મનો ઉદય તેનું નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત કાંઈ નૈમિત્તિક કાર્ય કરી દે છે, વા તેમાં કાંઈ વિલક્ષણતા ઉત્પન્ન કરી દે છે એમ છે નહિ.