૪૪ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૨ -આ જે આત્મા છે તે જ્ઞાનસ્વરૂપ છે એમ તાદાત્મ્યપણે એમાં એકાગ્ર થવું તે જ્ઞાનની ક્રિયા, ધાર્મિક ક્રિયા. આવી વાત છે. અહીં કહે છે કે આત્મા અને જ્ઞાન એકરૂપ હોવા છતાં તે એકરૂપ છે એવી એણે પર્યાયમાં અનુભૂતિ નથી કરી. કેવી શૈલી! આ તો સર્વજ્ઞ વીતરાગનો પંથ, બાપુ! આ કાંઈ સાધારણ વાત નથી.
સર્વજ્ઞ પરમેશ્વર એમ કહે છે કે આત્માનું જ્ઞાન સાથે છે તો તદ્રૂપપણું જ તોપણ તદ્રૂપ છે એવી પર્યાયમાં એણે પ્રતીતિ કયાં કરી છે? શિષ્ય પ્રશ્નમાં એમ તો કહે છે કે આત્મા અને જ્ઞાન તદ્રૂપે જ છે. સાકર અને સાકરની મીઠાશ તદ્રૂપે, છે તેથી મીઠાશને સેવે છે; નથી સેવતો એમ તમે કેમ કહો છો? સાંભળ, ભાઈ સાંભળ. સાકર અને તેની મીઠાશ છે તો તદ્રૂપે, પણ એનો સ્વાદ આવે ત્યારે તદ્રૂપે છે એમ સાચું થયું ને? એમ ગુણ (જ્ઞાન) અને ગુણી (આત્મા) છે એકરૂપ, પણ પર્યાયમાં એનો સ્વાદ આવે ત્યારે એની સેવના થઈ કહેવાય ને?
કોઈ કહે કે આ તે વળી કેવી વાત? જૈનમાં તો વળી આવી વાત હોય? આપણે જૈનમાં તો કંદમૂળ ન ખાવું, રાત્રે ચોવિહાર કરવો, સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, પોસા કરવા, ઉપવાસ કરવા એવું આવે. અહીં કહે છે કે એ જૈનધર્મ જ નથી. એ તો રાગની-વિકારની ક્રિયાઓ છે. પર્યાયને અંતર્મુખ વાળી એકાગ્રતા કર્યા વિના જ્ઞાન અને આત્મા એકરૂપે છે એવી એને પ્રતીતિ ન થાય તેથી એણે આત્માની-જ્ઞાનની સેવા કરી જ નથી. દીન-દુઃખિયાંની, દરિદ્રીઓની માનવસેવા કરવી કે ભગવાનની સેવા કરવી એની તો વાત જ નથી. અહીં તો ભગવાન આત્મા ચૈતન્યસ્વભાવથી ભરેલો છે એવું જેણે અંતર્મૂખ થઈને પર્યાયમાં જાણ્યું એણે આત્માની સેવા કરી કહેવાય અને એ જૈનધર્મ છે એની વાત છે.
છઠ્ઠી ગાથામાં ‘ઉપાસના’-સેવાની વાત આવે છે. પરદ્રવ્ય અને પરદ્રવ્યના ભાવોનું લક્ષ છોડી આત્માના જ્ઞાયકભાવનું સેવન-ઉપાસના કરે તો ‘શુદ્ધ’ કહેવાય. વિકારનું લક્ષ છોડીને એમ ત્યાં નથી લીધું, પણ જે દ્રવ્યકર્મ છે તે પરદ્રવ્ય અને દ્રવ્યકર્મના ઉદ્રયરૂપ ભાવ તે પરદ્રવ્યના ભાવો-એનું લક્ષ છોડીને એક જ્ઞાયકભાવ આત્મામાં એકાગ્ર થાય છે ત્યારે પર્યાયમાં આત્માની ઉપાસના-સેવા થાય છે. પરદ્રવ્યનું લક્ષ છોડી આત્મામાં લીન થયો એટલે વિકારનું લક્ષ પણ છૂટી ગયું એમ ત્યાં લીધું છે. એ દ્રવ્યની સેવા- ઉપાસના થાય ત્યારે વસ્તુ ત્રિકાળી ‘શુદ્ધ’ છે એમ ખ્યાલમાં આવે છે. ત્રિકાળી ‘શુદ્ધ’, ‘શુદ્ધ’ છે એમ તો સૌ કોઈ કહે છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે એને કેમ ટાળવી એની ખબર ન હોય એટલે એ ત્રિકાળી ‘શુદ્ધ’ છે એમ જાણ્યું જ નથી. આત્મા જે જ્ઞાયકસ્વભાવ શુદ્ધ છે એની પર્યાયમાં દ્રષ્ટિ કરી અંતર્મુખ વળતાં એને જ્યારે શુદ્ધતાનું વેદન થાય ત્યારે વેદનમાં દ્રવ્ય આખું શુદ્ધ છે એમ આવે અને ત્યારે એણે ‘શુદ્ધ’ માન્યો કહેવાય.