૨૪૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ એ તો માર્ગ જ નથી, ઉન્માર્ગ છે. આચાર્ય કહે છે-વસ્ત્રસહિત જે મુનિપણું માને-મનાવે તે નિગોદમાં ચાલ્યા જશે, લસણ-ડુંગળીમાં જઈને જન્મશે અને અનંતકાળ ત્યાં રહેશે.
શ્રીમદ્ રાજચંદ્રજીએ એક વાર કરુણાર્દ્ર થઈ કહેલું કે-અરેરે! આ અમારો સત્યનો નાદ કોણ સાંભળશે? ભગવાનની વાણીનો આ પોકાર કે વસ્ત્રનો એક ધાગો પણ રાખીને મુનિપણું માને-મનાવે કે માનનારાને ભલો જાણે તે ત્રણેય નિગોદગામી છે; એકેન્દ્રિયમાં ઉપજી અનંતકાળ ત્યાં અનંત દુઃખમાં પડયા રહેશે.
અહીં કહે છે-દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે શુભભાવ થાય છે તે જડકર્મનું-પ્રશસ્તરાગકર્મનું કાર્ય છે એમ છે નહિ. જડ કર્મ કર્તા થઈને જીવમાં શુભભાવ કરે છે એમ અજ્ઞાની માને છે એ એની મહાન ભૂલ છે, વિપરીતતા છે. શુભભાવ જે થાય છે એનો કર્તા જીવ પોતે છે અને એ જીવનું કર્મ છે, જડકર્મનું નહિ.
દ્રષ્ટિની અપેક્ષાએ જીવ શુભભાવનો કર્તા નથી એ બીજી વાત છે. પરંતુ શુભભાવનું પરિણમન પોતાની પર્યાયમાં છે અને એ અપેક્ષાએ એનું કર્તૃત્વ પોતાને છે એમ જ્ઞાન યથાર્થ જાણે છે. બાકી ખરેખર તો વિકારીભાવનું પરિણમન તે કર્તા, અને વિકારીભાવ થયો તે એનું કર્મ છે, દ્રવ્ય-ગુણને એમાં કાંઈ (કર્તાપણું) નથી. હવે આવી વાત બીજે (શ્વેતાંબરાદિમાં) ક્યાં છે બાપુ?
ભાઈ! આવો મનુષ્યભવ માંડ કોઈ પુણ્યયોગે મળ્યો છે તેમાં જો દ્રવ્યદ્રષ્ટિ પ્રગટ ન કરી તો પ્રભુ! તારા ઉતારા ક્યાં થશે? અરેરે! તત્ત્વદ્રષ્ટિ પામ્યા વિના ચોરાસીના ભવસિંધુમાં તું ક્યાંય ગોથાં ખાતો ડૂબીને મરી જઈશ! આવો માર્ગ સાંભળવા મળવોય આ કાળે દુર્લભ છે, માટે સાવધાન થા અને અંતર્દ્રષ્ટિ કર.
અહીં કહે છે-રાગ નામનું જડ કર્મ છે તેના મંદ ઉદય વિના જીવને શુભભાવ ન થાય એમ અજ્ઞાની માને છે. તેને આચાર્યદેવ કહે છે કે એમ નથી. શુભરાગનો કર્તા (અજ્ઞાનપણે) જીવ છે અને તે રાગ જીવનું કર્મ છે. જ્ઞાનભાવ પ્રગટતાં જ્ઞાની પર્યાયમાં જે રાગ થાય તેને પોતાનું કર્મ માનતા નથી, પર્યાયમાં રાગનું પરિણમન છે બસ એમ જ્ઞાનમાં જાણે છે. જૈન તત્ત્વ આવું બહું સૂક્ષ્મ ને ગંભીર છે ભાઈ!
સત્ય બોલવાનો શુભભાવ થાય તે કર્મના ઉદયથી થાય છે એમ નથી. તેમ જ શુભભાવ છે માટે સત્ય બોલાય છે એમેય નથી. જડકર્મ કર્તા ને શુભભાવ એનું કાર્ય એમ નહિ, તથા શુભભાવ કર્તા ને ભાષા બોલાય તે એનું કાર્ય-એમ પણ નહિ.