સમયસાર ગાથા ૩૩૨ થી ૩૪૪ ] [ ૨૬૭ પોતાનો માનીને જ્ઞાનપરિણામને અજ્ઞાનરૂપ કરતો થકો તે રાગનો કર્તા થાય છે. આ પ્રમાણે તે કથંચિત્ કર્તા છે. સમજાણું કાંઈ....?
અને જ્યારે ભેદજ્ઞાન થવાથી અર્થાત્ રાગથી ભિન્ન હું એક જ્ઞાયકસ્વભાવી સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છું એમ ભાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે- અનુભવે છે ત્યારે વિશેષ અપેક્ષાએ અર્થાત્ પર્યાય અપેક્ષાએ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો, કેવળ જ્ઞાતા રહેવાથી, સાક્ષાત્ અકર્તા છે.
જોયું? ધર્મીને દયા, દાન, વ્રત આદિનો રાગ હોય છે, પણ તે કાળેય રાગથી ભિન્ન હું જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવું અંતરમાં એને ભેદજ્ઞાન વર્તે છે; અને તેથી તે રાગ મારો છે એમ રાગ સાથે એકમેક થતો નથી. પણ તેને પૃથક્ જ જાણે છે; કેવળ જ્ઞાતા જ રહે છે. આ પ્રમાણે જ્ઞાની જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો, કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે. લ્યો, આનું નામ સમકિત અને આ ધર્મ. બાપુ! આ તો વીરનો માર્ગ પ્રભુ!
એ શુભરાગ મારો-એમ શુભરાગનો કર્તા થાય એ તો કાયર નપુંસક છે; તેને વીરનો માર્ગ મળતો નથી. જુઓ, છ ખંડના સ્વામી ભરત ચક્રવર્તી ક્ષાયિક સમકિતી હતા. તેના વૈભવનું શું કહેવું? જેને ઘેર ૯૬ હજાર રાણી, ને સોળ હજાર દેવતા જેની સેવા કરે, ઇન્દ્ર તો જેના મિત્ર અને હીરાજડિત સિંહાસન પર જે બેસે તે ભરત ચક્રવર્તીનો બહારમાં અપાર વૈભવ હતો. પણ આ બહારનો વૈભવ હું નહિ અને જે આ શુભાશુભ રાગ થાય તે મારી ચીજ નહિ; હું તો એ સર્વથી ભિન્ન ચિન્માત્ર-જ્ઞાયકમાત્ર પરમાત્મદ્રવ્ય છું એમ તે અંદર અનુભવતા હતા. જુઓ આ મારગ! તે વડે તે એ જ ભવે મુક્તિ પામ્યા.
આ પ્રમાણે ભેદવિજ્ઞાન થતાં જ્ઞાની વર્તમાન પર્યાયમાં જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને જ કરતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી, સાક્ષાત્ અકર્તા છે. આવી વાત છે. આ સ્યાદ્વાદ છે.
હવે આ અર્થના કળશરૂપ કાવ્ય કહે છેઃ-
‘अमी आर्हताः अपि’ આ અર્હંતના મતના અનુયાયીઓ અર્થાત્ જૈનો પણ ‘पुरुषं’ આત્માને, ‘सांख्याः इव’ સાંખ્યમતીઓની જેમ, ‘अकर्तारम् मा स्पृशन्तु’ (સર્વથા) અકર્તા ન માનો;..........