૨૮૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ માનો. વાસ્તવમાં આત્માની વર્તમાન પર્યાયનો નાશ થઈ એની નવી અવસ્થા ઉત્પન્ન થાય છે, આત્મા તો ત્યાં ત્રિકાળ નિત્ય જ રહે છે. અહા! આવા નિત્ય ચિદાનંદસ્વરૂપ આત્માની દ્રષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે અને તે પ્રથમ ધર્મ છે. ભાઈ! પ્રથમ વસ્તુસ્વરૂપનું યથાર્થ જ્ઞાન કરવું પડશે; યથાર્થ જાણ્યા વિના દ્રષ્ટિ સાચી નહીં થાય.
‘દ્રવ્યની અવસ્થાઓ ક્ષણેક્ષણે નાશ પામતી હોવાથી બૌદ્ધમતી એમ માને છે કે “ દ્રવ્ય જ સર્વથા નાશ પામે છે.” આવી એકાંત માન્યતા મિથ્યા છે. જો અવસ્થાવાન પદાર્થનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? એ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવવાથી શૂન્યનો પ્રસંગ આવે છે.’
જુઓ, પર્યાયનો-અવસ્થાનો નાશ થતાં આત્માનો-દ્રવ્યનો નાશ માને એ તો અજ્ઞાનીની-બૌદ્ધમતીની જૂઠી કલ્પના છે; કેમકે અવસ્થાવાન દ્રવ્યનો નાશ થાય તો અવસ્થા કોના આશ્રયે થાય? નવી નવી અવસ્થા જે ક્ષણેક્ષણે થાય છે તેનો આધાર તો નિત્ય દ્રવ્ય છે. હવે દ્રવ્ય જ નાશ પામી જાય તો આધાર નાશ પામતાં પર્યાય પણ કોના આશ્રયે ઉત્પન્ન થાય? આ રીતે બન્નેના નાશનો પ્રસંગ આવે, શૂન્યપણાનો પ્રસંગ આવે. પણ એમ છે નહિ. જુઓ, સોનાની સાંકળી પલટીને કંકણ થાય છે; ત્યાં શું સોનું નાશ પામી જાય છે? કદીય નહિ. તેમ અવસ્થા ભલે પલટે, પણ અવસ્થાવાન એવું દ્રવ્ય તો નિત્ય જ રહે છે.
હવે ધ્યાન કરો, ધ્યાન કરો એમ કેટલાક રાડો પાડે છે, ધ્યાનની શિબિરો પણ લગાવે છે પણ કોનું ધ્યાન કરવું? વસ્તુ જ પોતાની જ્યાં દ્રષ્ટિમાં આવી નથી ત્યાં કોનું ધ્યાન કરે? ધ્યાનનો વિષય તો ભાઈ! અંદર રહેલું ત્રિકાળી ધ્રુવ નિત્ય પરમાત્મદ્રવ્ય છે. હવે દ્રવ્યના સ્વીકાર વિના એ કોનું ધ્યાન કરે? એ રાગનું ધ્યાન કરશે; (એને આર્ત્ત-રૌદ્ર ધ્યાન થયા કરશે).
અહા! રાગને-પુણ્યને ને પર્યાયને જ એ આત્મા માને છે એ એની ભૂલ છે. પણ એ ભૂલ પર્યાયમાં થઈ છે, વસ્તુમાં નથી. ત્રિકાળી દ્રવ્યસ્વભાવ તો એવો ને એવો નિત્ય જ્ઞાયકભાવપણે રહ્યો છે. અહા! એની દ્રષ્ટિ કરતાં એની વર્તમાન ભૂલ છૂટી જાય છે અને આ જ એક કર્તવ્ય છે, ધર્મ છે. આવી વાતુ છે.