Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3351 of 4199

 

૩૩૨ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ એમ નથી અને અગ્નિ નથી માટે પાણી શીતળ છે એમેય નથી. પાણીની શીત અને ઉષ્ણ અવસ્થા એ તો પાણીની (પાણીના પરમાણુઓની) તે તે સમયની યોગ્યતા છે, જન્મક્ષણ છે. આવી ઝીણી વાત છે.

ભાઈ! તત્ત્વ જે રીતે છે તે રીતે ન માને તો દ્રષ્ટિ વિપરીત-મિથ્યા થશે. ઉપાદાન- નિમિત્ત સંબંધી બનારસીદાસ કહે છે ને કે-

‘ઉપાદાન બળ જહાં તહાં, નહિ નિમિત્તકો દાવ;
એક ચક્રસૌં રથ ચલૈ, રવિકો યહી સ્વભાવ.’

બાપુ! જડ અને ચેતનની જે જે અવસ્થાઓ થાય છે તે નિજ-નિજ ઉપાદાનના- યોગ્યતાના બળથી જ થાય છે, એમાં નિમિત્તનો કોઈ દાવ નથી, નિમિત્તનો એમાં કોઈ પ્રભાવ નથી. આવી જ વસ્તુસ્થિતિ છે.

શાસ્ત્રમાં આવે છે કે-એક પરમાણુમાં બે ગુણ ચિકાશ હોય અને તે બીજા ચાર અંશ ચિકાશવાળા પરમાણુ સાથે જોડાય તો તે બે અંશવાળો પરમાણુ ચાર અંશ ચિકાશરૂપે પરિણમી જાય છે. આવો જ સહજ નિમિત્ત-નૈમિત્તિકભાવ બને છે. પણ ત્યાં ઓલો ચારઅંશવાળો પરમાણુ આ બે અંશવાળાને પરિણમાવી દે છે એમ નથી, કેમકે તે આમાં પ્રવેશતો નથી, બહાર જ લોટે છે, કારણ કે સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. આ વસ્તુની સ્થિતિ છે. તેને નહિ જાણીને અજ્ઞાનીઓ ભ્રમપૂર્વક ‘નિમિત્ત આવ્યું તો થયું ને ન આવ્યું માટે ન થયું’ -એમ એક અવસ્થાકાળે બીજી અવસ્થાની કલ્પના કરીને પોતાના વિપરીત-મિથ્યા અભિપ્રાયને દ્રઢ કર્યા કરે છે, પણ બાપુ! એનાં ફળ બહુ આકરાં આવશે ભાઈ!

આચાર્યદેવ બહુ કરુણાથી કહે છે કે- ‘इह’ આમ હોવા છતાં, ‘मोहितः’ મોહિત જીવ, ‘स्वभाव–चलन–आकुलः’ પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થકો, ‘किम् क्लिश्यते’ શા માટે કલેશ પામે છે?

અહાહા....! શું કહે છે? કે અન્ય વસ્તુ અન્ય વસ્તુમાં પ્રવેશતી નથી કેમકે સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે. અહાહા...! આમ વસ્તુસ્થિતિ હોવા છતાં, આચાર્ય કહે છે, મોહિત જીવ પોતાના સ્વભાવથી ચ્યુત થઈને આકુળ થતો થકો શા માટે કલેશ પામે છે? એમ કે- કર્મથી થાય, નિમિત્તથી થાય -એમ ભ્રમ સેવીને નિમિત્તાધીન- કર્માધીન પરિણમતો થકો ચતુર્ગતિરૂપ સંસારમાં કેમ પરિભ્રમે છે? આચાર્યદેવના આ ખેદ અને કરુણાના ઉદ્ગાર છે.