૩૩૮ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ કાળથી રહેલાં છે, તોપણ તેઓ ચેતનને પોતારૂપ-જડરૂપ તો કરી શક્યાં નહિ. અનંતકાળમાં ચેતન તો ચેતન જ રહ્યો; તો પછી એ પુદ્ગલે ચેતનને શું કર્યું? કાંઈ જ ન કર્યું. માટે કહે છે-
‘આ ઉપરથી એમ સમજવું કે-વ્યવહારે પરદ્રવ્યોને અને આત્માને જ્ઞેયજ્ઞાયક સંબંધ હોવા છતાં પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતા નથી અને જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી.’
શું કીધું આ? કે આ આત્મા પોતે સ્વરૂપથી જ્ઞાયક છે, અને શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ ઇત્યાદિ જડ પદાર્થો અને અન્ય આત્માઓ જ્ઞેય છે. તે સર્વ પરદ્રવ્યોને અને આત્માને વ્યવહારે જ્ઞેયજ્ઞાયક સંબંધ છે, છતાં તે પરદ્રવ્યોને કારણે આત્મા જ્ઞાયક છે એમ નથી; પરદ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતાં નથી, જ્ઞાયકને પરજ્ઞેયોનું જ્ઞાન થાય છે તે કાંઈ તે તે પરજ્ઞેયોને લઈને થતું નથી, પરજ્ઞેયો કાંઈ આત્માની જ્ઞાનની પર્યાયનાં કર્તા નથી. જ્ઞાન જ્ઞેયોને જાણે તે જ્ઞાનનું પોતાનું સહજ સામર્થ્ય છે.
અહાહા...! જડકર્મને લઈને આત્માને રાગ ઉપજે છે એમ તો નહિ, અહીં કહે છે, જડકર્મને લઈને આત્માને જ્ઞાન ઉપજે છે એમ પણ નથી. જ્ઞાન જ્ઞેયના કારણે થાય છે એમ છે જ નહિ.
તો જ્ઞાન થાય છે તેનો કર્તા કોણ?
બાપુ! જ્ઞાન થાય છે તે જ્ઞાયક આત્માના પરિણામ છે અને તેનો કર્તા આત્મા પોતે જ છે; પરજ્ઞેય નહિ. વળી પરદ્રવ્યોમાં કાર્ય થાય તેનો કર્તા તે તે પરદ્રવ્યો છે, આત્મા તેનો કર્તા નથી. અહાહા...! જ્ઞાયક પરદ્રવ્યોને કાંઈ કરતો નથી.
આ લાકડામાંથી ગાડું થયું છે તેનો કર્તા કોણ? લોકો ભલે કહે, પણ સુથાર (- સુથારનો જીવ) તેનો કર્તા નથી, લાકડાના પરમાણુઓ જ તેના કર્તા છે, કેમકે લાકડાના પરમાણુઓ જ પરિણમીને ગાડું થયું છે. સુથાર તો તેને જે રાગ થયો તેનો કર્તા છે, ગાડાનો નહિ. વળી આ ગાડું છે એવું જે જ્ઞાન થયું તેનો કર્તા ગાડું નથી, તે જ્ઞાનપરિણામ ગાડાને લઈને નથી પણ તેનો કર્તા સ્વયં જીવ જ છે. આ પ્રમાણે જીવના પરિણામનો કર્તા જીવ જ છે, પર નહિ; અને પરના પરિણામનો કર્તા પર જ છે, જીવ નહિ.
સર્વજ્ઞ ભગવાન કેવળીને જે કેવળજ્ઞાન પ્રગટ થાય છે તેના કર્તા ભગવાન કેવળી જ છે. અહાહા...! ભગવાન કેવળી સર્વ જીવ, સર્વ લોક અને સર્વ ભાવને એક સમયમાં જાણે છે. તે જાણનારું જ્ઞાન કાંઈ જ્ઞેયોને લઈને થયું છે એમ નથી; અહાહા....!