સમયસાર ગાથા ૩૪૯ થી ૩પપ ] [ ૩૪૧ ઉપર કેમ જાય? ન જાય. અને તો દ્રવ્યની દ્રષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન પણ ન જ થાય. અહાહા.....! પર્યાયના કર્તા-કર્મ-કરણ આદિ છએ કારક સ્વતંત્ર છે. દ્રવ્યમાં પર્યાય પોતાથી સ્વતંત્ર થાય છે. પ્રત્યેક દ્રવ્ય જ્યાં પોતાના ક્રમબદ્ધ પરિણામથી સ્વયં ઉપજે છે ત્યાં બીજું દ્રવ્ય તેને શું કરે? બીજી વસ્તુ તે કાળે નિમિત્ત હો, પણ તે પોતાનું તેમાં કાંઈ ભેળવી શકતી નથી. અહાહા....! દ્રવ્યમાં, પોતાના પરિણમનસ્વભાવને લઈને એક અવસ્થાથી અવસ્થાંતરરૂપ પરિણમન થાય, પણ તેમાં નિમિત્ત બીજી વસ્તુ પોતાનું કાંઈ ભેળવી શકતી નથી. આ તો વસ્તુનું મૂળ સ્વરૂપ છે બાપુ! હવે કહે છે-
‘આ ઉપરથી એમ સમજવું કે- પરદ્રવ્યરૂપ જ્ઞેય પદાર્થો તેમના ભાવે પરિણમે છે અને જ્ઞાયક આત્મા પોતાના ભાવે પરિણમે છે; તેઓ એકબીજાને કાંઈ કરી શકતા નથી. માટે, જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે-એમ વ્યવહારથી જ માનવામાં આવે છે; નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે.’
લ્યો, સૌ-પોતપોતાના ભાવે પરિણમતા પદાર્થો ને એકબીજાને કાંઈ કરી શકતા નથી. જ્ઞાયક પરદ્રવ્યોને જાણે છે એમ કહેવામાં આવે તે માત્ર ઉપચારથી છે. નિશ્ચયથી તો જ્ઞાયક પણ પોતે, જ્ઞાન પણ પોતે ને જ્ઞેય પણ પોતે જ છે. સૂક્ષ્મ વાત છે ભાઈ! પરને જાણવા કાળે પણ તે પોતાની જ્ઞાનની પર્યાયને જ જાણે છે. અહાહા.....! જ્ઞાનની પર્યાયના સામર્થ્ય વડે જ સ્વ ને પર જણાય છે, પરજ્ઞેયોના કારણે જ્ઞાન થાય છે એમ કદીય નથી. લ્યો, કહે છે-નિશ્ચયથી જ્ઞાયક તો બસ જ્ઞાયક જ છે; અર્થાત્ જ્ઞાયક પોતાને જ -પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયને જ જાણતો થકો જ્ઞાયક છે. આવી વાત!