સમયસાર ગાથા ૩પ૬ થી ૩૬પ ] [ ૩૬પ ત્યાગ કરો એ વાત ક્યાંથી આવી? અહા! ભગવાન જ્ઞાયકસ્વભાવે રાગનું ગ્રહણ જ કર્યું નથી, સદા તે રાગના અભાવસ્વભાવરૂપ જ રહ્યો છે ત્યાં રાગનો ત્યાગ કરવો એ ક્યાં રહ્યું? રાગ ચેતયિતાનું ત્યાજ્ય છે એ તો વ્યવહારથી છે ભાઈ!
અહાહા...! આત્મા ચિદાનંદ પ્રભુ નિત્ય એક જ્ઞાયકસ્વભાવમય છે. સમયસારની ગાથા ૬ માં આવે છે કે જ્ઞાયક જ્ઞાયક જ છે, જ્ઞાયક કદી રાગસ્વભાવે થયો નથી. જો તે રાગસ્વભાવે થાય તો તે જડ થઈ જાય. પણ એમ કદીય બનતું નથી. છતાં બહારથી ત્યાગ કરીને કોઈ તે વડે માને કે હું ત્યાગી છું તો તે બહિર્દ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ છે. ભાઈ! રાગનો ને પરનો ત્યાગ કરવો એમ કહીએ એ તો વ્યવહારથી, ઉપચારથી છે.
અજ્ઞાની કહે છે-વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય; પણ એમ નથી બાપા! આત્મા પોતે જ સાધનસ્વરૂપ છે. કર્તા, કર્મ, સાધન ઇત્યાદિ આત્માની શક્તિઓ-ગુણ છે. માટે તેને પર સાધનની કોઈ અપેક્ષા નથી. જો રાગ સાધન હોય તો આત્માને રાગ સાથે સંબંધ થાય, પણ આત્માને રાગ સાથે સંબંધ છે જ નહિ; નિશ્ચયથી પર સાથે કે રાગ સાથે ચેતનને સંબંધ છે જ નહિ; સંબંધ કહેવો એ તો કથનમાત્ર છે. આ સોનગઢ અમારું ગામ, અમે સોનગઢમાં રહીએ છીએ-એમ બોલીએ ને? એ તો બોલવા પૂરતુ છે; બાકી આત્માનો તો અસંખ્યપ્રદેશરૂપ દેશ છે, ને તેનો તે રહેવાસી છે. પં. દીપચંદજીએ પંચસંગ્રહમાં કહ્યું છે કે આત્મા ચૈતન્યના દેશમાં રહ્યો છે અને જ્ઞાન, દર્શન આદિ ગુણ એની પ્રજા છે. આવી વાત છે બાપુ! પોતે નિત્યાનંદસ્વરૂપ છે એનું ભાન કરી, એમાં રમણતા કરી પર્યાયમાં આનંદરૂપ થાય છે એમાં પરને ને રાગને છોડવાનું ક્યાં આવ્યું? પરને-રાગને છોડવું એમ કહેવું એ વ્યવહારથી છે બસ. તેમ રાગને સાધન (પરંપરા સાધન) કહેવું એય વ્યવહારથી છે બસ. હવે કહે છે -
‘હવે, અપોહક (ત્યાજક) ચેતયિતા, અપોહ્ય (ત્યાજ્ય) જે પુદ્ગલાદિ પરદ્રવ્ય તેનો છે કે નથી? -એમ તે બન્નેનો તાત્ત્વિક સંબંધ અહીં વિચારવામાં આવે છેઃ-
જો ચેતયિતા પુદ્ગલાદિનો હોય તો શું થાય તે પ્રથમ વિચારીએઃ
જેનું જે હોય તે તે જ હોય, જેમ આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા જ છે; -આવો તાત્ત્વિક સંબંધ જીવંત હોવાથી, ચેતયિતા જો પુદ્ગલાદિનો હોય તો ચેતયિતા તે પુદ્ગલાદિ જ હોય (અર્થાત્ ચેતયિતા પુદ્ગલાદિસ્વરૂપ જ હોવો જોઈએ); એમ હોતાં, ચેતયિતાના સ્વદ્રવ્યનો ઉચ્છેદ થાય. પરંતુ દ્રવ્યનો ઉચ્છેદ તો થતો નથી,