૩૯૬ ] [ પ્રવચન રત્નાકર ભાગ-૯ જ્ઞાનની દશા થાય તે કાંઈ જ્ઞેયોને લઈને થતી નથી. અરે! જ્ઞેયોને તો જ્ઞાન સ્પર્શતું પણ નથી. અરે! લોકોને પોતાના બેહદ અનંત જ્ઞાનસ્વભાવના સામર્થ્યની ખબર નથી. ધર્મી પુરુષ જાણે છે કે સ્વપરપ્રકાશક જ્ઞાન પોતાના સામર્થ્યથી જ સ્વાધીનપણે પ્રગટ થાય છે. આથી વિપરીત માને તે વિપરીત દ્રષ્ટિ મિથ્યાદ્રષ્ટિ છે.
આ વીંછીના ડંખનું જ્ઞાન થાય ને? તે કાંઈ ડંખને લઈને થાય છે એમ નથી. જ્ઞાન સ્વાધીન પોતાથી થાય છે. અરે! અજ્ઞાની જીવો જ્ઞાનને પરજ્ઞેયો સાથે સ્પર્શ હોવાની માન્યતાથી આકુળબુદ્ધિવાળા થઈને નાહક દુઃખી થાય છે, શુદ્ધ ચૈતન્યતત્ત્વથી ભ્રષ્ટ થાય છે. નિમિત્તથી જ્ઞાન થાય, નિમિત્તથી ધર્મ થાય, વ્યવહારથી-રાગથી નિશ્ચય થાય ઇત્યાદિ માન્યતા બધો અજ્ઞાનભાવ છે. આચાર્ય કહે છે-પરને જાણવાકાળે પરથી જ્ઞાન થયું એમ અજ્ઞાની પરાધીન થઈ સ્વસ્વરૂપથી ભ્રષ્ટ કાં થાય છે? જુઓ, આચાર્યની આ નિસ્પૃહ કરુણા!
‘શુદ્ધનયની દ્રષ્ટિથી તત્ત્વનું સ્વરૂપ વિચારતાં અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. જ્ઞાનમાં અન્ય દ્રવ્યો પ્રતિભાસે છે તે તો આ જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; કાંઈ જ્ઞાન તેમને સ્પર્શતું નથી કે તેઓ જ્ઞાનને સ્પર્શતાં નથી.’
દરેક વસ્તુનું સ્વરૂપ સ્વયંસિદ્ધ છે, પરથી નિરપેક્ષ સહજ છે; વાસ્તવમાં પર સાથે તેને કાંઈ સંબંધ નથી. જુઓ, અહીં કહે છે-શુદ્ધનયની દ્રષ્ટિથી.... , એટલે શું? કે અંદર શુદ્ધ ચૈતન્યસ્વભાવથી ભરેલો પોતે નિર્મળાનંદ પ્રભુ છે તેની દ્રષ્ટિથી વિચારીએ તો અન્ય દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ દેખાતો નથી. આ શરીર, મન, વાણી ઇત્યાદિ પરદ્રવ્યનો ભગવાન આત્મામાં પ્રવેશ નથી. જ્ઞાનમાં એ કર્મ, નોકર્મ આદિ પરદ્રવ્યો પ્રતિભાસે છે એ તો જ્ઞાનની સ્વચ્છતાનો સ્વભાવ છે; અર્થાત્ એમાં પરદ્રવ્યનું કાંઈ કર્તવ્ય નથી. રાગાદિ પુણ્ય-પાપના ભાવ તથા કર્મ, નોકર્મ આદિ જ્ઞાનમાં જાણવામાં આવે છે એ તો જ્ઞાનની સ્વચ્છતાનું સ્વરૂપ છે; રાગાદિ પરને કારણે ત્યાં જ્ઞાન થાય છે એમ છે નહિ; કેમકે રાગાદિ પરદ્રવ્યો જ્ઞાનમાં પ્રવેશતાં નથી, પ્રવેશી શકતાં નથી. ઝીણી વાત છે ભાઈ!
અહાહા....! જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્માનું અંદર લક્ષ કરતાં જે જ્ઞાન પ્રગટ થયું તે જ્ઞાન રાગાદિને અને શરીર, મન, વાણી આદિને જાણે, પરંતુ જ્ઞાન એ જ્ઞેયોને, કહે છે, સ્પર્શ કરતું નથી, તથા એ જ્ઞેયો જ્ઞાનને સ્પર્શ કરતા નથી. જ્ઞાનસ્વરૂપી પ્રભુ પોતે જ્ઞાનમાં રહીને જ્ઞેયોને જાણે, પણ જ્ઞાન જ્ઞેયોમાં જતું નથી. ને જ્ઞેયો જ્ઞાનમાં જતા-પ્રવેશતા નથી. અહા! આવી વાત! ધર્માત્માને અશુભથી બચવા