૧૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ થયો છે, કર્મોએ તેને દુઃખી કર્યો છે એમ વાસ્તવમાં છે જ નહિ. જ્ઞાનીને પણ અસ્થિરતાવશ જે રાગાદિ દોષો થાય છે, અને તેનું વેદન પણ તેને હોય છે તે કર્મના કારણે છે એમ છે જ નહિ. આચાર્ય કહે છે-નિમિત્તભૂત અન્યદ્રવ્ય અન્યદ્રવ્યના પરિણામનું ઉત્પાદક છે જ નહિ. આવી વાત છે.
માટે આ નિશ્ચય છે કે સર્વ દ્રવ્યો જ, નિમિત્તભૂત અન્યદ્રવ્યોના સ્વભાવને નહિ સ્પર્શતાં થકાં, પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઉપજે છે. લ્યો, પરિણમનશીલ એવું પ્રત્યેક દ્રવ્ય નિમિત્તભૂત અન્ય દ્રવ્યના સ્વભાવને સ્પર્શ્યા વિના જ પોતાના સ્વભાવથી પોતાના પરિણામભાવે ઉપજે છે. અહા! જીવને રાગાદિ થાય તે કર્મના ઉદયને અડયા વિના જ પોતાના (પર્યાયના) સ્વભાવથી થાય છે. પ્રત્યેક દ્રવ્ય પોતાના પરિણામ ભાવે ઉપજે એવો એનો સ્વભાવ જ છે, એને બીજા કોઈની ગરજ-અપેક્ષા નથી.
‘માટે (આચાર્યદેવ કહે છે કે) જીવને રાગાદિનું ઉત્પાદક અમે પરદ્રવ્યને દેખતા (-માનતા, સમજતા) નથી કે જેના પર કોપ કરીએ.’ અહાહા......! આણે અમને રાગ કરાવ્યો એમ અમે દેખતા-માનતા નથી તો અમે કોના પર કોપ કરીએ? આચાર્ય કહે છે- અમે તો શાંતભાવને-સમતાભાવને જ ભજીએ છીએ. સમજાણું કાંઈ....? પરદ્રવ્ય અમને કાંઈ કરતું જ નથી તો પરદ્રવ્યનું લક્ષ કેમ કરીએ? લ્યો, આવી વાત!
‘આત્માને રાગાદિક ઉપજે છે તે પોતાના જ અશુદ્ધ પરિણામ છે.’ અહાહા....! જોયું? આત્માને એટલે આત્માની પર્યાયમાં જે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, માન, માયા, લોભ, વિષયવાસના ઈત્યાદિ શુભાશુભ ભાવ ઉપજે છે તે એના પોતાના જ અશુદ્ધ પરિણામ છે-એમ કહે છે. વસ્તુમાં વિકાર નથી, પણ પર્યાયમાં અનાદિથી વિકાર ચાલ્યો આવે છે. છેક ચૌદમા ગુણસ્થાન સુધી પર્યાયમાં અશુદ્ધતા છે. ચૌદમા ગુણસ્થાન સુધી અસિદ્ધત્વ ભાવ છે. તે ઉદયભાવનું અસ્તિત્વ પોતામાં પોતાના કારણે છે, કર્મના કારણે નથી. અનાદિ સંસારથી માંડીને છેક ચૌદમા ગુણસ્થાન સુધી જે વિકૃતભાવ-વિભાવભાવ પર્યાયમાં છે તે બધો પોતાનો જ અપરાધ છે, કર્મને લઈને તે વિકૃતિ છે એમ નથી.
વસ્તુની દ્રષ્ટિથી જુઓ તો વસ્તુ તો સહજ ચેતનાસ્વરૂપ, સહજાનંદસ્વરૂપ સચ્ચિદાનંદસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ છે, તે કદીય રાગમય થઈ નથી. અહાહા...! યોગનું કંપન છે તે-રૂપે વસ્તુ કદીય થઈ નથી. પરંતુ તેની વર્તમાન પર્યાયમાં રાગાદિક અશુદ્ધતા છે. જેટલો રાગ છે અને યોગનું કંપન છે તે બધોય પોતાની પર્યાયનો અપરાધ છે, જડ કર્મનું તેમાં કાંઈ નથી. જડકર્મ-પર દ્રવ્ય તેને શું કરે?