Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 348 of 4199

 

ગાથા ૨૦-૨૧-૨૨ ] [ ૬૭ ના કેમ પાડો છો? ભાઈ, એ તો શબ્દોની શક્તિથી ટીકા થઈ છે; મારા વિકલ્પ અને મારી શક્તિથી નહિ. પંચાસ્તિકાય, પ્રવચનસારમાં બધે છેલ્લા કળશ છે એમાં આ કહે છે કે આ ટીકા મેં કરી અને ટીકા દ્વારા તને જ્ઞાન થાય એવા ભ્રમ ન કરીશ.

પહેલાં સામાન્ય લીધું કે હું આ છું અને આ મારાં છે. પછી ત્રણકાળનું લીધું. વર્તમાનમાં આ મારાં છે અને હું એનો છું; ભૂતકાળમાં આ મારાં હતાં અને હું એનો હતો; ભવિષ્યમાં આ મારાં થશે અને હું એનો થઈશ, છોકરાઓને અમે પાળી પોષી મોટા કર્યા, હવે અમે ઘડપણમાં નિરાંતે રહીશું. આપણને છોકરાઓ પોષશે. કોને પોષશે? તને કે એને? ભારે વાત, ભાઈ! આ તો સંસારનું નાટક છે. અરે ભાઈ! તને ભ્રમણા છે. નાથ! તું તો સર્વજ્ઞસ્વભાવી છે. દરેક આત્મા સર્વજ્ઞસ્વભાવરૂપ જ છે. એનો અર્થ એ થયો કે એ સ્વને અને પરને જાણવાના પરિણમનવાળો છે. એ સ્વ અને પર બે એક છે એમ નહિ. સ્વના જ્ઞાનરૂપે અને પરના જ્ઞાનરૂપે પરિણમવું એવો સ્વપરપ્રકાશક એનો સ્વભાવ છે. સર્વજ્ઞની પરિણતિ પર્યાયમાં જે પ્રગટે તે પહેલાં શ્રદ્ધામાં એમ આવ્યું હતું કે હું તો સર્વજ્ઞસ્વભાવી છું. તેથી શ્રદ્ધાના બળે સર્વજ્ઞદશા પ્રગટ કરી. એ શ્રદ્ધા સર્વજ્ઞ- સ્વભાવી આત્માની છે, અલ્પજ્ઞ કે રાગવાળા આત્માની નહિ. આવો ઉપદેશ છે, ભાઈ! માર્ગ તો આ છે.

કેટલાક એમ માને કે અમે તો એવી ઉપદેશ શૈલી કરીએ કે ધીમેથી બોલવું હોય તો ધીમેથી બોલીએ, તાણીને બોલવું હોય તો તાણીને બોલીએ. બીજાને ખંખેરીએ, વળી કોઈ એક જણ એમ કહેતું હતું કે અમારી પાસે પૈસા નથી પણ એવો ઉપદેશ આપીએ કે લોકોના પૈસા ખંખેરી નાખીએ. અરે ભગવાન! શું કરે છે તું આ? ભાઈ, તારું સ્વરૂપ એ (ઉપદેશ) નહિ. ઉપદેશ હું કરું છું એ તો પરને પોતાનું માન્યું છે. ગજબ વાત, બાપુ! મેં પૂર્વે ઉપદેશ કર્યો હતો એનાથી બધા સમજ્યા, મારા ઉપદેશનું એ ફળ આવ્યું એમ માનનાર પરદ્રવ્યને પોતાનું માને છે અને પોતાને પરદ્રવ્યરૂપ માને છે.

પ્રશ્નઃ–એવો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ તો છે?

ઉત્તરઃ–એ તો જાણવા માટે છે, પણ (નિમિત્તથી કાર્ય થાય એમ) માનવા માટે નથી. સ્વયંભૂસ્તોત્રમાં ગાથા ૭૩ માં ધર્મનાથ ભગવાનની સ્તુતિમાં આવે છે કે-પ્રભુ! આપની વાણીમાં ઉપદેશ નીકળ્‌યો પણ ધર્મ કોઈ પામ્યા કે નહિ તેનું ફળ આપે ન જોયું. આપે ઉપદેશ આપ્યો પણ આમાંથી ધર્મ કોણ પામ્યા એ આપે ન જોયું. એનો અર્થ એ કે પામનારા પામે એ તો કેવળજ્ઞાનમાં પહેલેથી જણાઈ ગયું છે. એમ સમક્તિી પણ, મારા ઉપદેશથી આટલા પામ્યા એ ફળ જોતા નથી. ઉપદેશ જ મારો નથી ને ભાઈ, પરચીજથી ભિન્નતાની વાતો ઝીણી છે.