Pravachan Ratnakar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3491 of 4199

 

૪૦ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ પણ નહિ. દીવો તો બાહ્ય પદાર્થોની અસમીપતામાં તેમ સમીપતામાં પોતે પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે.

‘(એમ) પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા એવા તેને (દીવાને), વસ્તુસ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદિ બાહ્યપદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી.’

જુઓ, આ મહત્ત્વનો સિદ્ધાંત કહ્યો. શું? કે-ઘટપટાદિ બાહ્ય પદાર્થ પોતાના સ્વભાવથી જ વિચિત્ર પરિણતિને પામે છે એક વાત. અને તે બાહ્ય પદાર્થ પોતાના સ્વરૂપથી જ પ્રકાશતા દીવાને જરાય વિક્રિયા ઉત્પન્ન કરતા નથી. આ દ્રષ્ટાંત કહ્યું; હવે સિદ્ધાંત કહે છેઃ-

એવી રીતે હવે દાર્ષ્ટાંત છેઃ ‘બાહ્ય પદાર્થો-શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શ તથા ગુણ ને દ્રવ્ય-’ જેમ દેવદત્ત યજ્ઞદત્તને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે તેમ, આત્માને સ્વજ્ઞાનમાં (બાહ્ય પદાર્થોને જાણવાના કાર્યમાં) જોડતા નથી કે “તું મને સાંભળ, તું મને જો, તું મને સૂંઘ, તું મને ચાખ, તું મને સ્પર્શ, તું મને જાણ,” અને આત્મા પણ લોહચુંબક-પાષાણથી ખેંચાયેલી લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેમને (બાહ્ય પદાર્થોને) જાણવા જતો નથી;...’

આ દેહ તો જડ માટી-ધૂળ અજીવ તત્ત્વ છે; ને કર્મ છે એ પણ જડ માટી-ધૂળ છે. ભાઈ! જેના નિમિત્તે આ પૈસા આવે ને જાય એ પુણ્ય-પાપરૂપ કર્મ જડ છે. તથા પર્યાયમાં દયા, દાન આદિ તથા કામ-ક્રોધ આદિના જે શુભાશુભ ભાવ થાય તે વિકાર છે. અહાહા...! આ સર્વથી ભિન્ન અંદર ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપી પ્રભુ ચૈતન્યના પ્રકાશનું પૂર છે. અહા! સચ્ચિદાનંદ પ્રભુ આત્મા, અહીં કહે છે, સ્પર્શાદિ પર પદાર્થોને જાણવા માટે પોતાનું ક્ષેત્ર છોડીને ત્યાં જતો નથી, તેમ તે બહારના સ્પર્શાદિ પદાર્થો તેને કહેતા નથી કે તું અમને જાણ.

અહાહા...! જેની સત્તામાં જાણવું-જાણવું થાય છે એ પદાર્થ કોણ? આ શરીરાદિ છે એ તો જડ ધૂળ છે, એ કાંઈ જાણતા નથી. અમે દેહાદિ છીએ એમ એ કાંઈ જાણતા નથી; અને રાગ-વિકાર છે એય અચેતન જડ છે, એય કાંઈ જાણતો નથી. અહાહા...! એનાથી ભિન્ન અંદર ચૈતન્યપ્રકાશનો પુંજ પ્રભુ આત્મા છે તે જાણે છે કે આ દેહ છે, કર્મ છે, રાગ છે, ઇત્યાદિ. અહીં કહે છે-પણ એ શરીરાદિ પદાર્થો આને (-આત્માને) કાંઈ કહેતા નથી કે તું અમને પ્રકાશ-જાણ; તેમ આ આત્મા છે તે પોતાનું સ્થાન છોડી શરીરાદિને પ્રકાશવા તેમની પાસે જતો નથી. ન્યાય સમજાય છે? વસ્તુના સ્વરૂપને જાણવા પ્રતિ ‘नी–नयू’ જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય છે.