ત્રિકાળી ધ્રુવ શુદ્ધભાવ ઉપાદેય કહ્યો. સમયસારની ૧૧મી ગાથામાં પણ પર્યાયને અસત્યાર્થ કહી તેનો આશય એવો છે કે પર્યાયને ગૌણ કરી, પેટામાં રાખી, વ્યવહાર કહીને નથી એમ કહ્યું છે; અને સમ્યગ્દર્શનનો વિષય જે ધ્રુવ એક ચિદાનંદઘન પ્રભુ તેને મુખ્ય કરી, નિશ્ચય કહી તેને ભૂતાર્થ-સત્યાર્થ કહેલ છે. આમાં પ્રયોજન એક ધ્રુવનો આશ્રય કરાવવાનું છે. અહીં બીજી વાત છે. અહીં પરદ્રવ્યથી ભિન્નતા સિદ્ધ કરવી છે. તો સમ્યગ્દર્શન અને સંયમ આદિ (પુણ્ય-પાપ-સહીત) પોતાની જે પર્યાય છે તે પોતે આત્મા જ છે એમ શૈલીથી વાત છે. પોતાની પર્યાય તે પોતે જ છે, પર નથી એ શૈલીથી અહીં વાત છે. ભાઈ! જ્યાં જે અપેક્ષાથી વાત હોય તેને ત્યાં યથાર્થ સમજવી જોઈએ.
સમયસાર ગાથા ૧૧ માં ધ્રુવ એક ત્રિકાળી દ્રવ્ય તે નિશ્ચય અને પર્યાય તે વ્યવહાર એમ કહ્યું છે. અહીં જેની જે પર્યાય તે નિશ્ચય તેની છે, પરની નથી એમ લેવું છે; તેથી કહ્યું કે-જ્ઞાન જ સમ્યગ્દ્રષ્ટિ છે, જ્ઞાન જ સંયમ છે’ ઈત્યાદિ. સમયસારની ૭૧મી ગાથામાં-“નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે”-એમ કહ્યું છે. અહીં તો પુણ્ય- પાપના ભાવ થાય તેને પણ આત્મા કહેલ છે. આ તો ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમાત્માનો અનેકાન્ત માર્ગ છે બાપા! સ્યાદ્વાદ વડે તેને બરાબર સમજવો જોઈએ.
આત્મા પોતે પોતામાં સ્થિર થાય, જામી જાય તે સંયમ છે. કહ્યું ને કે રાગનાં ત્યાગસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે ચારિત્ર છે; સંયમ છે તે આત્મા જ છે. પરંતુ લોકો વ્યવહારને સાધન માની આ વાતને (ઠેકડીમાં) ઉડાવે છે. પણ શું થાય? તેઓ વસ્તુસ્વરૂપને સમજતા નથી. એટલે વિરોધ કરે છે. પણ એવું તો અનાદિથી ચાલ્યું જ આવે છે. અહીં તો ભવભ્રમણના દુઃખનો થાક લાગ્યો છે તેને કહીએ છીએ કે તારા દુઃખનો અંત લાવવાનો આ માર્ગ છે. ભાઈ! અજ્ઞાનીને અનાદિથી મિથ્યાત્વરૂપી ક્ષયરોગ લાગુ પડયો છે. રોગ મહાભયંકર છે, ને પીડાનો પાર નથી. હમણાં બહારમાં ભલે લાલ- પીળો થઈને ફરે, પણ અંદર પોતાનું ભાન નથી તેની માઠી દશા છે. તેને પર્યાયમાં મોટો ઘા વાગે છે. મિથ્યાત્વના ઘાથી તે મૂર્છિત-અચેત જેવો થઈ ગયો છે. અરેરે! ત્રણ લોકનો સ્વામી આનંદનો નાથ પ્રભુ મૂર્ચ્છામાં પડયો છે! એને ખબર નથી પણ એ ક્યાંય નિગોદમાં જઈ પડશે!
ભાઈ! અહીં તારા અનંતા દુઃખનો અંત લાવવાની આ વાત છે. કહે છે-જ્ઞાન જ સંયમ છે. આ દેહની ક્રિયા અને દયા, દાન, વ્રત, તપ આદિ ક્રિયાકાંડના વિકલ્પ તે સંયમ નથી. બહુ આકરી વાત બાપા! પણ આ સત્ય વાત છે. અહાહા...! અતીન્દ્રિય આનંદનો નાથ નિર્મળાનંદ પ્રભુ પોતે છે તે પર્યાયમાં અતીન્દ્રિય આનંદની રમતમાં જામી જાય તે સંયમ છે અને સંયમ છે તે પોતે-આત્મા જ છે. આવી વાત!