એવો ગુણ-ગુણીનો ભેદ નથી. તેથી અભેદવિવક્ષામાં જ્ઞાન કહો કે આત્મા કહો-કાંઈ વિરોધ નથી, અવિરોધ છે. જ્ઞાન તે જ આત્મા એમ કહીને જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થાય તે આત્મામાં જ એકાગ્ર થયો છે એમ કહેવું છે. વીતરાગનો મારગ બહુ ઝીણો છે ભાઈ! તે અંતર્મુખાકાર જ્ઞાન વડે જ પ્રગટ થાય છે. અહીં જ્ઞાન તે જ આત્મા-એમ કહીને ગુણ- ગુણીનું અભેદપણું સિદ્ધ કર્યું છે. સમજાણું કાંઈ...? હવે કહે છે-
‘ટીકામાં છેવટે એમ કહેવામાં આવ્યું કે-જે, પોતામાં અનાદિ અજ્ઞાનથી થતી શુભાશુભ ઉપયોગરૂપ પરસમયની પ્રવૃત્તિને દૂર કરીને, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં પ્રવૃત્તિરૂપ સ્વસમયને પ્રાપ્ત કરીને, એવા સ્વસમયરૂપ પરિણમનસ્વરૂપ મોક્ષમાર્ગમાં પોતાને પરિણમાવીને, સંપૂર્ણ વિજ્ઞાનઘનસ્વભાવને પામ્યું છે, અને જેમાં કાંઈ ત્યાગ-ગ્રહણ નથી, એવા સાક્ષાત્ સમયસારસ્વરૂપ, પરમાર્થભૂત, નિશ્ચળ રહેલા, શુદ્ધ, પૂર્ણ જ્ઞાનને (પૂર્ણ આત્મદ્રવ્યને) દેખવું.’
જુઓ, હજાર વર્ષ પહેલાં આનંદકંદ નિજ જ્ઞાયકસ્વરૂપમાં રમનારા, પોતાના આનંદસ્વરૂપમાં ઘૂસી-લીન થઈને પ્રચુર આનંદના સંવેદનની રમતુ કરનારા મહા મુનિવર આચાર્ય અમૃતચંદ્રદેવની આ ટીકા છે. મૂળ ગાથા ભગવાન કુંદકુંદાચાર્યની છે. તેના પર આ ટીકા છે. કહે છે-શુભાશુભઉપયોગરૂપ પ્રવૃત્તિ અનાદિ અજ્ઞાનના કારણે છે. સ્વસ્વરૂપની દ્રષ્ટિ વિના અજ્ઞાનથી પુણ્ય-પાપરૂપ વિભાવોની ઉત્પત્તિ થાય છે. પુણ્ય- પાપના ભાવ તે ચૈતન્યના સ્વભાવરૂપ ભાવ નથી, વિભાવ છે અને તેથી અનાત્મા છે, પરસમય છે. સમજાણું કાંઈ...? બહું ઝીણી વાત!
અને આનંદકંદ પ્રભુ આત્મામાં મોજ માણવી, કેલિ કરવી તે ચારિત્ર છે. ‘ચારિત્તં ખલુ ધમ્મો’ કહ્યું છે ને? એ આ અંદર સ્વરૂપમાં લીન થઈ અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું તે ચારિત્ર છે, તે ધર્મ છે અને મોક્ષનું કારણ છે. આ ચારિત્રનું મૂળ સમ્યગ્દર્શન છે, અર્થાત્ વિના સમ્યગ્દર્શન ચારિત્ર હોઈ શકે નહિ. આ દયા, દાન, વ્રત આદિ રાગના પરિણામ એ કાંઈ ચારિત્ર છે એમ નહિ. બાપુ! આ તો મિથ્યાત્વ અને અસ્થિરતાથી રહિત અંતરંગ નિર્મળ દશાનું નામ ચારિત્ર છે. આ પૈસાવાળા ક્રોડપતિઓ છે ને બધા? એમને કહીએ છીએ કે દયા, દાનમાં પૈસા ખરચવાથી ચારિત્ર પ્રગટ થાય એવું એનું સ્વરૂપ નથી. ઝીણી વાત ભાઈ!
હા, પણ એ પૈસાને જ્ઞેય (પરજ્ઞેય) કરી નાખે તો? એ પૈસાને જ્ઞેય (પરજ્ઞેય) કરે કયાંથી? અંદર નિજ સ્વરૂપને જ્ઞાનમાં જ્ઞેય કર્યા વિના, નિજ જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ કર્યા વિના પરપદાર્થને જ્ઞેય (પરજ્ઞેય) કેવી રીતે કરે? કરી શકે નહિ. સમયસાર નાટકમાં આવે છે ને કે-