અહાહા....! અંદર પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ત્રિકાળ વિરાજે છે. તેનાં દ્રષ્ટિ, જ્ઞાન ને રમણતા કરતાં જે નિરાકુળ નિર્વિકલ્પ આનંદની ધારા અંતરમાં ઉમટે તે એક જ મોક્ષમાર્ગ છે અને તે જ ધર્મ છે. સહચરપણે રહેલા વ્રતાદિના રાગને ધર્મ કહીએ તે કેવળ વ્યવહારથી જ છે, આરોપિત છે, યથાર્થ-પરમાર્થ નથી, કારણ કે તે (વ્યવહાર) પોતે અશુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને પરમાર્થપણાનો અભાવ છે, શું કીધું? આ વ્રત-તપ-ભક્તિના ભાવ અશુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ છે; તે શુદ્ધ દ્રવ્યના અનુભવરૂપ નથી. અશુદ્ધ દ્રવ્યનો અનુભવ કહો કે દુઃખનો અનુભવ કહો -એક જ વાત છે, તેમાં નિરાકુલ આનંદનો અનુભવ નથી.
આત્મા અતીન્દ્રિય આનંદનો મહાન ડુંગર છે. ક્ષેત્ર ભલે નાનું હોય, તેનો ભાવ બેહદ અપરિમિત છે, અનંત અમાપ છે-અહા! તેના આશ્રયે જેટલી શુદ્ધ પરિણતિ-નિર્મળ રત્નત્રયપરિણતિ પ્રગટ થાય તે પરમાર્થ મોક્ષનો માર્ગ છે. તેની સાથે જે વ્રત, તપ, ભક્તિ, પૂજા આદિનો રાગ હોય છે તે, કહે છે, અશુદ્ધ દ્રવ્યનું -દુઃખનું વેદન છે. હવે એ દુઃખનું વેદન મોક્ષ અર્થાત્ પરમ સુખની દશાનું કારણ કેમ થાય? આત્માના પૂર્ણ શુદ્ધ પરિણામ મોક્ષ છે, તો તેનું કારણ પણ આત્માના શુદ્ધ પરિણામ હોવા જોઈએ. વ્રતાદિ રાગના પરિણામ છે તે આત્મ-પરિણામ નથી, તે વિભાવ છે, ઔપાધિક ભાવ છે, તેને પહેલા અધિકારમાં અજીવ-અનાત્મા કહ્યા છે. હવે તે મોક્ષનું કારણ કેમ બને? ન બને. તેથી તેમાં (દ્રવ્યલિંગમાં) પરમાર્થપણાનો અભાવ છે. હવે કહે છે-
‘શ્રમણ અને શ્રમણોપાસકના ભેદોથી અતિક્રાન્ત, દર્શનજ્ઞાનમાં પ્રવૃત્ત પરિણતિમાત્ર (-માત્ર દર્શનજ્ઞાનમાં પ્રવર્તેલી પરિણતિરૂપ) શુદ્ધ જ્ઞાન જ એક છે-એવું જે નિસ્તુષ (-નિર્મળ) અનુભવન તે પરમાર્થ છે, કારણકે તે (-અનુભવન) પોતે શુદ્ધ દ્રવ્યના અનુભવનસ્વરૂપ હોવાથી તેને જ પરમાર્થપણું છે.’
અહાહા...! આત્મા અનંત ગુણરતનથી ભરેલો ચૈતન્યરત્નાકર છે. તેનું એકેક ગુણરતન અનંત અનંત પ્રભુતાથી ભર્યું છે. તેનો મહિમા લાવી અંતરમાં તેનો અનુભવ કરવો તે મોક્ષમાર્ગ છે. તે શુદ્ધ દ્રવ્યના નિસ્તુષ અનુભવનરૂપ છે. તેથી તેને જ પરમાર્થપણું છે. નિસ્તુષ એટલે રાગરહિત શુદ્ધ વીતરાગી અનુભવન તે પરમાર્થ છે. એક સ્વદ્રવ્યનું વેદન છે તેને જ પરમાર્થપણું છે.
આ દેહ તો નાશવાન ચીજ છે, અને આ બૈરાં-છોકરાં એ બધી બહારની ભૂતાવળ છે, નિયમસારમાં એ બધાને ધૂતારાઓની ટોળી કહી છે. વળી શુભરાગ જે થાય તેય પુણ્ય છે, ધર્મ નથી. ત્રિકાળી શુદ્ધ જે સ્વદ્રવ્ય છે તેનો આશ્રય કરતાં જે નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થાય તે એક જ ધર્મ છે. તે શુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ હોવાથી પરમાર્થ છે. ભાઈ! જન્મ-મરણ રહિત થવાનો આ માર્ગ છે. વસ્તુ તારી