૩૨૮ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ કારણ કે સમસ્ત વસ્તુ અનેકાંત-સ્વભાવવાળી છે. (‘સર્વ વસ્તુઓ અનેકાંતસ્વરૂપ છે’ એમ જે સ્યાદ્વાદ કહે છે તે અસત્યાર્થ કલ્પનાથી કહેતો નથી, પરંતુ જેવો વસ્તુનો અનેકાંત સ્વભાવ છે તેવો જ કહે છે.)
અહીં આત્મા નામની વસ્તુને જ્ઞાનમાત્રપણે ઉપદેશવામાં આવતાં છતાં પણ સ્યાદ્વાદનો કોપ નથી; કારણ કે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને સ્વયમેવ અનેકાંતપણું છે. ત્યાં (અનેકાંતનું એવું સ્વરૂપ છે કે), જે (વસ્તુ) તત્ છે તે જ અતત્ છે, જે (વસ્તુ) એક છે તે જ અનેક છે, જે સત્ છે તે જ અસત્ છે, જે નિત્ય છે તે જ અનિત્ય છે-એમ એક વસ્તુમાં વસ્તુપણાની નિપજાવનારી પરસ્પર વિરુદ્ધ બે શક્તિઓનું પ્રકાશવું તે અનેકાંત છે. માટે પોતાની આત્મવસ્તુને પણ, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, તત્-અતત્પણું, એક- અનેકપણું, સત્-અસત્પણું અને નિત્ય-અનિત્યપણું પ્રકાશે જ છે; કારણ કે-તેને (જ્ઞાનમાત્ર આત્મવસ્તુને) અંતરંગમાં ચકચકાટ પ્રકાશતા જ્ઞાનસ્વરૂપ વડે તત્પણું છે, અને બહાર પ્રગટ થતા, અનંત, જ્ઞેયપણાને પામેલા, સ્વરૂપથી ભિન્ન એવા પર રૂપ વડે (- જ્ઞાનસ્વરૂપથી ભિન્ન એવા પરદ્રવ્યના રૂપ વડે-) અતત્પણું છે (અર્થાત્ તે-રૂપે જ્ઞાન નથી); સહભૂત (-સાથે) પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોના સમુદાયરૂપ અવિભાગ દ્રવ્ય વડે એકપણું છે, અને અવિભાગ એક દ્રવ્યમાં વ્યાપેલા, સહભૂત પ્રવર્તતા અને ક્રમે પ્રવર્તતા અનંત ચૈતન્ય-અંશોરૂપ (-ચૈતન્યના અનંત અંશોરૂપ) પર્યાયો વડે અનેકપણું છે; પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે (અર્થાત્ એવા સ્વભાવવાળી હોવાથી) સત્પણું છે, અને પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નહિ હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસત્પણું છે; અનાદિનિધન અવિભાગ એક વૃત્તિરૂપે પરિણતપણા વડે નિત્યપણું છે, અને ક્રમે પ્રવર્તતા, એક સમયની મર્યાદાવાળા અનેક વૃત્તિ-અંશોરૂપે પરિણતપણા વડે અનિત્યપણું છે. (આ રીતે જ્ઞાનમાત્ર આત્મવસ્તુને પણ, તત્-અતત્પણું વગેરે બબ્બે વિરુદ્ધ શક્તિઓ સ્વયમેવ પ્રકાશતી હોવાથી, અનેકાંત સ્વયમેવ પ્રકાશે જ છે.)
(પ્રશ્ન-) જો આત્મવસ્તુને, જ્ઞાનમાત્રપણું હોવા છતાં, સ્વયમેવ અનેકાંત પ્રકાશે છે, તો પછી અર્હંત ભગવંતો તેના સાધન તરીકે અનેકાંતને (-સ્યાદ્વાદને) શા માટે ઉપદેશે છે? (ઉત્તર-) અજ્ઞાનીઓને જ્ઞાનમાત્ર આત્મવસ્તુની પ્રસિદ્ધિ કરવા માટે ઉપદેશે છે એમ અમે કહીએ છીએ. ખરેખર અનેકાંત (-સ્યાદ્વાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શક્તી નથી. તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છેઃ-
સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને પરરૂપથી વ્યાવૃત્તિ વડે બન્ને ભાવોથી અધ્યાસિત છે (અર્થાત્ સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવર્તતી હોવાથી અને પરરૂપથી ભિન્ન રહેતી હોવાથી દરેક વસ્તુમાં બન્ને ભાવો