૩૬૨ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦
હવે કહે છે- ‘પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે (અર્થાત્ એવા સ્વભાવવાળી હોવાથી) સત્પણું છે, અને પરના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવરૂપે નહિ હોવાની શક્તિરૂપ જે સ્વભાવ તે સ્વભાવવાનપણા વડે અસત્પણું છે.’
અહાહા....! અનંત આત્માઓ, અનંતાનંત પરમાણુઓ, અસંખ્ય કાલાણુઓ, એક ધર્માસ્તિકાય, એક અધર્માસ્તિકાય ને એક આકાશ-એમ છ પદાર્થ ભગવાને લોકમાં જોયા છે. એ છએ પદાર્થ પોતાના દ્રવ્યપણે, ક્ષેત્રપણે સમયસમયની અવસ્થાપણે અને ગુણપણે અસ્તિ છે. તેમ અહીં આત્મા-એનું દ્રવ્ય એટલે એની વસ્તુ-દ્રવ્યમાન ત્રિકાળ, ક્ષેત્ર એટલે પહોળાઈ (ત્રિકાળ), ભાવ એટલે શક્તિ-ગુણ ત્રિકાળ-એ ત્રણેનું અસ્તિપણું એકરૂપ છે તે પોતાથી છે ને પરથી નથી. તેમ ત્રિકાળનો વર્તમાન જે એક સમયનો સ્વકાળરૂપ અંશ છે તે પણ સ્વથી છે ને પરથી નથી. અહાહા....! એનો વર્તમાન વર્તતો જે અંશ છે તે સ્વકાળે થાય છે અને તે સ્વથી છે, પરથી નથી. જે પર્યાય જે સમયે સુનિશ્ચિત થવાયોગ્ય છે તે તે સમયે જ પ્રગટ થાય છે. આમ પ્રતિસમય પર્યાય નિયત-ક્રમબદ્ધ પ્રગટ થાય છે. આમ દ્રવ્યનો પ્રત્યેક સમયે વર્તતો વર્તમાન-વર્તમાન અંશ-
૧. એનાથી-સ્વથી છે, પરથી-નિમિત્તથી નથી. ૨. તે સ્વકાળે પ્રગટ થાય છે. જેમ ત્રિકાળ (દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ) નિશ્ચિત છે તેમ વર્તમાન વર્તતી પર્યાય પણ નિશ્ચિત જ છે; હા; પણ એનો યથાર્થ નિર્ણય નિજ ત્રિકાળી દ્રવ્યસ્વભાવ પર નજર-દ્રષ્ટિ જાય ત્યારે જ થાય છે. (અન્યથા ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થતો નથી)
અત્યારે લોકમાં વિવાદ ચાલે છે ને! એમ કે પર્યાયો ક્રમબદ્ધ નથી, કાર્ય નિમિત્ત હોય તો એટલે કે નિમિત્તથી થાય અને વ્યવહારથી નિશ્ચય થાય. આ બધા વાંધાના આમાં ખુલાસા આવી જાય છે. કેવી રીતે? તે આ પ્રમાણે-
અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની પ્રત્યેક સમયે થતી પર્યાય સ્વથી છે, પરથી નથી એનો અર્થ જ એ છે કે પર નિમિત્તને લઈને પર્યાય થતી નથી. પર નિમિત્ત નથી એમ નહિ, પરંતુ જેમ અનંત દ્રવ્યો ત્રિકાળ અસ્તિપણે છે એને કોઈની અપેક્ષા નથી, તેમ એની પર્યાયનું એક સમયનું અસ્તિત્વ છે તેને કોઈની અપેક્ષા નથી. એક સમયની પર્યાય પણ સ્વસહાય જ પ્રગટ થાય છે. અહા! પર્યાયના એક સમયના અસ્તિત્વને નિમિત્તની અપેક્ષા તો નથી, ખરેખર તો પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-ભાવનીય એને અપેક્ષા નથી. જુઓ, દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ તો સદા એકરૂપ એકસદ્રશ છે, છતાં પર્યાયમાં તો વિવિધતા- અનેકવિધતા છે; માટે પર્યાય પર્યાયના કારણે જ પ્રગટ થાય છે એ નિશ્ચય છે.