જ્ઞાનમાત્ર છે એમ બેઠું જ નથી. ખરેખર ભગવાન સર્વજ્ઞદેવે જોયેલો ને કહેલો આત્મા જ્ઞાનસ્વભાવમાત્ર વસ્તુ છે એમ જેને દ્રષ્ટિમાં આવ્યું તેને સ્વભાવ અને સ્વભાવનો પુરુષાર્થ થઈ ગયાં, કર્મનો અભાવ પણ થઈ ગયો તથા જે સ્વભાવના નિર્ણયરૂપ દશા થવા યોગ્ય હતી તે જ થઈ અને તે સ્વકાળે ક્રમબદ્ધ જ થઈ એમ ભવિતવ્યતા અને કાળલબ્ધિ પણ થઈ ગયાં, આમ પાંચે સમવાય અને તેનો યથાર્થ નિર્ણય એક સાથે થઈ જાય છે. સમજાણું કાંઈ.....?
જુઓ, શિષ્યનો પ્રશ્ન છે કે- આત્મા જ્ઞાનમાત્ર છે એમ કહેતાં જ તેમાં અનેક ધર્મો સિદ્ધ થઈ જાય છે તો ભગવાન કેવળીએ અનેકાન્તને સાધન કેમ કહ્યું? તો કહે છે- અજ્ઞાનીને જ્ઞાનમાત્ર આત્માની ખબર નથી, તેથી અનેકાન્ત-સ્યાદ્વાદ વડે તેને ઉપદેશ કરવામાં આવે છે. એમ કે આત્મા જ્ઞાનસ્વરૂપથી તત્ છે, અને પરજ્ઞેયરૂપથી નથી, અતત્ છે એમ જાણતાં મારું જ્ઞાન પરજ્ઞેયને લઈને નથી એમ નિર્ણય થાય છે અને તેથી પરાવલંબન-નિમિત્તનું આલંબન મટી જાય છે, અર્થાત્ સ્વાવલંબન પ્રગટ થાય છે અર્થાત્ જ્ઞાન સ્વભાવી નિજ સ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય છે.
અરે! લોકોને તત્ત્વનો અભ્યાસ નથી તેથી તેઓ સ્વતત્ત્વને યથાર્થ જાણતા નથી. કોઈ તો આ આત્મા સર્વથા એક છે એમ માને છે, તો કોઈ એકાંતે સર્વવ્યાપક માને છે, વળી કોઈ એકાંતે કર્તા માને છે, તો કોઈ એકાંતે નિત્ય માને છે ઈત્યાદિ. આ પ્રમાણે તેઓ અવળે ચીલે ચઢી ગયા છે, અને અનંત જન્મ-મરણ કર્યા કરે છે. અહા! તેમને સર્વજ્ઞે કહેલું તત્ત્વ-આત્મસ્વરૂપ જે રીતે છે એ રીતે સ્યાદ્વાદ વડે ઉપદેશવામાં આવે છે; કેમકે વસ્તુના યથાર્થ જ્ઞાન ને ભાન વિના એનાં સર્વ અનુષ્ઠાન-ક્રિયા સંસાર અર્થે જ ફળે છે.
જ્ઞાનમાત્ર આત્મા પોતાપણે-જ્ઞાનસ્વભાવપણે છે, ને પરપણે-જડસ્વભાવપણે નથી એવું ભાન થતાં પ્રત્યેક સમયે પ્રગટ થતી પર્યાય પરને લઈને નથી, પરાધીન નથી પણ સ્વાધીન પ્રગટ થાય છે. વિકારી પરિણમન જે થાય છે તે પણ સ્વાધીનપણે થાય છે, પણ એમ નથી કે બીજી ચીજ-નિમિત્ત-કર્મ એને પરાધીન કરે છે. આવું જ્ઞાનમાત્ર વસ્તુનું યથાર્થ ભાન થતાં તેને ક્રમશઃ પરાવલંબી પરિણમન મટી જાય છે અને અંતે પૂર્ણ સ્વાધીન પરિણમન પ્રગટ થાય છે. આ સ્યાદ્વાદનું ફળ છે.
તેથી કહે છે- ‘ખરેખર અનેકાન્ત (સ્યાદ્વાદ) વિના જ્ઞાનમાત્ર આત્મવસ્તુ જ પ્રસિદ્ધ થઈ શકતી નથી. તે નીચે પ્રમાણે સમજાવવામાં આવે છે’ -
‘સ્વભાવથી જ બહુ ભાવોથી ભરેલા આ વિશ્વમાં સર્વ ભાવોનું સ્વભાવથી અદ્વૈત હોવા છતાં, દ્વૈતનો નિષેધ કરવો અશક્ય હોવાથી સમસ્ત વસ્તુ સ્વરૂપમાં પ્રવૃત્તિ અને