૩૯૬ઃ પ્રવચન રત્નાકર ભાગ-૧૦ કરે છે. અહા! વિકારી પર્યાયે થાય તેય સ્વાધીનપણે ને નિર્વિકાર પરિણમે તોય સ્વાધીનપણે થાય છે, પરાધીનપણે નહિ-આવી સ્વતંત્રતા છે તોપણ અજ્ઞાની નિમિત્તના કાળથી જ -પરકાળથી જ જ્ઞાનનું સત્પણું માનીને નાશ પામે છે. નાશ પામે છે એટલે શું? કે મિથ્યાત્વરૂપ પરિણમીને ચતુર્ગતિ-પરિભ્રમણ કરે છે.
ત્યારે ધર્મી-જ્ઞાની પુરુષ તે જ્ઞાનમાત્ર ભાવનું પરકાળથી અસત્પણું પ્રકાશતો થકો અર્થાત્ સામે જે નિમિત્ત છે એની અવસ્થાથી મારી જ્ઞાનની દશા નથી, પણ મારી જ્ઞાનદશા તે એનો સ્વકાળ છે એમ માનતો થકો અનેકાન્ત દ્વારા પોતાને નાશ પામવા દેતો નથી. અહા! જ્ઞાન ને આનંદ આદિ જે દશા પ્રગટ છે તે સ્વકાળે સત્ છે, ને પરકાળથી- પરદ્રવ્યના પરિણામથી અસત્ છે-આવું અનેકાન્ત ધર્માત્માને જિવાડે છે-નાશ પામવા દેતું નથી. સામે નિમિત્તની દશા જે છે તે આ આત્માની અપેક્ષાએ પરકાળ છે, ને તે પરકાળથી હું અસત્ છું આવો અનેકાન્ત ધર્માત્માને નાશ થવા દેતો નથી અર્થાત્ અનેકાન્તદ્રષ્ટિ વડે ધર્માત્મા પોતાના નિર્મળ જ્ઞાન-શ્રદ્ધાન-શાન્તિના પરિણામને પ્રાપ્ત કરી લે છે. સમજાણું કાંઈ....! ભાઈ! આ સમજ્યા વિના તારાં વ્રત, તપ, ભક્તિ ને પૂજા ઈત્યાદિ બાહ્ય ક્રિયાકાંડનો સઘળો આડંબર ફોગટ છે. તું માને કે મેં દુકાન, ધંધા-વ્યાપાર ને બાયડી-છોકરાંનો ત્યાગ કર્યો છે, પણ અંદરમાં મિથ્યાત્વના શલ્યનો ત્યાગ થયા વિના શું ત્યાગ્યું? કાંઈ જ નહિ. (એક આત્મા ત્યાગ્યો છે.) આવી વાત!
બોલ અગિયારમોઃ- ‘જ્યારે આ જ્ઞાનમાત્ર ભાવ, જાણવામાં આવતા એવા પરભાવોના પરિણમનને લીધે જ્ઞાયકસ્વભાવને પરભાવપણે માનીને-અંગીકાર કરીને નાશ પામે છે, ત્યારે (તે જ્ઞાનમાત્ર ભાવનું) સ્વભાવથી સત્પણું પ્રકાશતો થકો અનેકાન્ત જ તેને જિવાડે છે-નાશ પામવા દેતો નથી.’
શું કહે છે? કે ભગવાન આત્મા એક જ્ઞાયકભાવસ્વરૂપ છે. જાણવું.... જાણવું.... જાણવું તે એનો સ્વભાવ છે. અહા! એમ ન માનતાં આ જે પરદ્રવ્યના ભાવો એના જાણવામાં આવે છે તે-પણે-પરભાવપણે હું થઈ ગયો એમ અજ્ઞાની માને છે. પરભાવને જાણવા કાળે જ્ઞાન તો એક જ્ઞાયકભાવપણે જ છે, તોપણ જાણે પરભાવપણે થઈ ગયું છે એમ અજ્ઞાનીને ભ્રમ થઈ ગયો હોય છે, કેમકે અંદર એક જ્ઞાયકસ્વભાવ પોતે છે એનું એને લક્ષ નથી, પરભાવ ઉપર જ એનું લક્ષ છે. અહા! પરભાવને લઈને મારું પરિણમન થયું છે એમ પોતાને પરભાવરૂપ કરતો અજ્ઞાની પોતાના એક જ્ઞાયકભાવનો અભાવ કરીને પોતાનો નાશ કરે છે.
ત્યારે ધર્મી પુરુષનું અંદર પૂર્ણ એક જ્ઞાયકભાવ-સ્વભાવભાવ ઉપર લક્ષ હોવાથી, આ પરભાવને જાણનારું જ્ઞાન મારા જ્ઞાયકભાવથી જ છે એમ સ્વભાવથી સત્પણું પ્રકાશતો તે અનેકાન્તદ્રષ્ટિ વડે પોતાને જિવાડે છે- નાશ પામવા દેતો નથી. પરભાવને જાણતાં જ્ઞાન