તો જ્ઞાનમાત્ર વસ્તુ આપોઆપ અનેક ધર્મયુક્ત પ્રત્યક્ષ અનુભવગોચર થાય છે. અહાહા....! હું સ્વથી છું ને પરથી નથી, જ્ઞાનસ્વરૂપથી છું ને પરજ્ઞેયથી નથી એમ યથાર્થ વસ્તુ-સ્વરૂપ જાણીને નિત્ય, ધ્રુવ, જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈ પરિણમતાં આત્માનો અનુભવ થાય છે, અને ત્યારે તેમાં જ્ઞાનની, આનંદની, શ્રદ્ધાની, સ્થિરતાની આદિ અનેક પર્યાયો પ્રત્યક્ષ વેદનમાં આવે છે; કેમકે પ્રત્યક્ષ થવું, સ્વાનુભૂતિમાં જણાવું એવો જ ભગવાન આત્માનો સ્વભાવ છે. અહાહા...! વસ્તુ-આત્મા સ્વાનુભવગોચર થતાં હું દ્રવ્યરૂપથી એક છું, પર્યાયથી અનેક છું એમ જ્ઞાનમાં યથાર્થ ભાસે છે.
હવે કહે છે- ‘માટે હે પ્રવીણ પુરુષો! તમે જ્ઞાનને તત્સ્વરૂપ, અતત્સ્વરૂપ, એકસ્વરૂપ, અનેકસ્વરૂપ, પોતાના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી સત્સ્વરૂપ, પરના દ્રવ્ય-ક્ષેત્ર- કાળ-ભાવથી અસત્સ્વરૂપ નિત્યસ્વરૂપ, અનિત્યસ્વરૂપ ઇત્યાદિ અનેકધર્મસ્વરૂપ પ્રત્યક્ષ અનુભવગોચર કરી પ્રતીતિમાં લાવો. એ જ સમ્યગ્જ્ઞાન છે.’
અહાહા....! જાણવાની દશામાં આ રીતે (અનેકાન્તસ્વરૂપ જાણીને) શુદ્ધ એક આત્મદ્રવ્યનું લક્ષ કરી (ધ્યાનનું ધ્યેય બનાવી) અનુભવગોચર કરી પ્રતીતિ કરો-એમ કહે છે. વસ્તુ અનુભવગોચર થઈને પ્રતીતિમાં આવે ત્યારે એની સમ્યક્ પ્રતીતિ અને સમ્યગ્જ્ઞાન થાય છે એમ વાત છે. તેથી પ્રથમ એને ખ્યાલમાં લઈ સ્વાનુભવપ્રત્યક્ષ દ્વારા નિઃસંદેહ પ્રતીતિ કરો એમ કહેવું છે. અહાહા...! પ્રત્યક્ષ સ્વાનુભવની દશામાં નિત્યનો નિર્ણય થતાં જ એને નિત્ય અને અનિત્ય બન્ને ધર્મો સિદ્ધ થઈ જાય છે. આનું નામ જ સમ્યગ્જ્ઞાન છે.
‘સર્વથા એકાંત માનવું તે મિથ્યાજ્ઞાન છે.’ એક પક્ષને જ એકાંતે ગ્રહણ કરવો તે મિથ્યાજ્ઞાન છે. ઉપાદાનથીય થાય ને નિમિત્તથીય થાય એમ એકાંત ગ્રહણ કરવું તે મિથ્યાજ્ઞાન છે, ઝેર છે ભાઈ! અનેકાન્તમાં અમૃતનો સ્વાદ છે, ને એકાંત તો ઝેરનો સ્વાદ છે ભાઈ! સમજાણું કાંઈ.....?
‘પૂર્વોક્ત રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાન્તમય હોવાથી અનેકાન્ત અર્થાત્ સ્યાદ્વાદ સિદ્ધ થયો’ એવા અર્થનું કાવ્ય હવે કહેવામાં આવે છેઃ-
‘एवं’ આ રીતે ‘अनेकान्तः’ અનેકાન્ત- ‘जिनं अलङ्गयं शासनम्’ કે જે જિનદેવનું અલંઘ્ય (કોઈથી તોડી ન શકાય એવું) શાસન છે તે ‘तत्त्व–व्यवस्थित्या’ વસ્તુના યથાર્થ સ્વરૂપની વ્યવસ્થિતિ (વ્યવસ્થા) વડે ‘स्वयं स्वं व्यवस्थापयन्’ પોતે પોતાને સ્થાપિત કરતો થકો ‘व्यवस्थितः’ સ્થિત થયો-નિશ્ચિત ઠર્યો-સિદ્ધ થયો.